અનામત હેઠળના ખોટા પ્રમાણપત્રો બનાવીને ‘‘લાભો લેનાર, આપનાર કે મદદ કરનારાઓ’’ને 3 વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ કરાશે: વસાવા


સુરત:  રાજય સરકારે ઐતિહાસિક નિર્ણય કરતા આગામી વિધાનસભા સત્રમાં આદિવાસી, દલિત અને બક્ષીપંચના અનામતના બંધારણીય અધિકારોના રક્ષણ માટે કાયદો લાવવામાં આવશે, તેમ સુરતમાં યોજાયેલી પત્રકાર પરીષદમાં વન આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું હતું. સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર પણ જોડાયા હતા.

સુરત સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં કાયદા વિશે ટુંકી રૂપરેખા આપતા મંત્રી વસાવાએ કહ્યું હતું કે, આદિવાસી, દલિત અને બક્ષીપંચના જાતિના ખોટા પ્રમાણપત્રો દ્વારા સરકારી નોકરી, શૈક્ષણિક લાભો, ચુંટણીના કે અનામત હેઠળના ખોટા પ્રમાણપત્રોના આધારે ‘‘કોઈ પણ લાભો લેનાર, આપનાર કે મદદ કરનારાઓ’’ને ત્રણ વર્ષની જેલની સજા અને રૂા.૫૦,૦૦૦ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવશે. તાજેતરમાં ખોટા જાતિના પ્રમાણપત્ર ઈશ્યુ કરવા બાબતે તેમજ ખોટા જાતિના પ્રમાણપત્રોના આધારે અનામતના લાભો મેળવાતા હોવાની રજુઆતોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવીને મંત્રી એ વધુમાં કહ્યું કે, બંધારણીય અનામત હેઠળ આવતા વર્ગોના હિતોનું રક્ષણ કરવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે.

ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવેલ હશે તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. તેમજ નોકરી દરમિયાન મેળવેલ અનુદાન, ભથ્થા કે અન્ય નાણાકીય લાભોની વસુલાત કરવામાં આવશે. આવા પ્રમાણપત્રોના આધારે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હશે તો પ્રમાણપત્ર રદ કરીને તેની સામે શિક્ષાત્મક પગલાઓ લેવામાં આવશે. ઉપરાંત જો કોઈ ડીગ્રી મેળવી હશે તો તે પણ રદ થશે તેમજ આ પ્રમાણપત્રથકી મેળવેલ લાભો જેવા કે, શિષ્યવૃત્તિ કે અન્ય લાભોની વસુલાત કરવામાં આવશે તેમ મંત્રી વસાવાએ કહ્યું હતું. બંધારણીય રીતે અનામતની જગ્યાઓ ઉપર ચુંટણી લડી વિજેતા બન્યા હોય તો સભ્ય ગેરલાયક ઠરશે તેમજ મેળવેલા લાભોની વસુલાત કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, હવે પછી બંધારણીય રીતે અનામતવાળી જગ્યાઓ ઉપર શિક્ષણ, સરકારી નોકરી અથવા ચુંટણીમાં અનામતનો લાભ મેળવવા માટે જાતિ પ્રમાણપત્રો સમિતિ મારફતે ફરજીયાત ચકાસણી કરાવવાની રહેશે.

error: Content is protected !!