મહિલાને ‘છમ્મકછલ્લો’ કહેવું એ તેઓનું અપમાન: થાણે કોર્ટે ફટકારી સજા

થાણે, દેશગુજરાત: હિન્દી ભાષાનો શબ્દ ‘છમ્મકછલ્લો’ તમે બોલીવુડની કેટલીક ફિલ્મો અને ગીતમાં સાંભળ્યો હશે. પરંતુ વાસ્તવમાં આ શબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિને જેલની સજા થઇ શકે છે. થાણેમાં આ શબ્દનો ઉપયોગ કરી મહિલાનું ‘અપમાન’ કરનાર દોષિતને કોર્ટે સોમવારે એક દિવસની સજા અને 1 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

થાણેમાં 9 જાન્યુઆરી, 2009માં પોતાના પતિ સાથે બહાર લટાર મારીને ઘરે પરત ફરી રહેલી પરિણીતા દાદરમાં પડેલી કચરાપેટી સાથે અથડાઈ ગઈ હતી. પરિણીતાને કચરાપેટી સાથે અથડાવાને લઈને આરોપીએ કેટલાય ‘અપશબ્દો’ કહ્યા હતા અને આ સાથે જ તેણે પરિણીતાને ‘છમ્મકછલ્લો’ પણ કહી હતી. આ બાબતને લઈને મહિલાએ પોલીસને ફરિયાદ કરી પરંતુ પોલીસે ફરિયાદ નોંધવા માટે ઇનકાર કરી દીધો હતો. તેથી, મહિલાએ સ્થાનિક કોર્ટમાં આ અંગે ફરિયાદ કરી હતી. આ ઘટનાના 8 વર્ષ પછી ન્યાયિક મેજિસ્ટ્રેટ આર.ટી.લંગાલે આ મુદ્દાને યોગ્ય ઠેરવતા આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 509 (શબ્દ, ઈશારો કે કોઈપણ પ્રકારે મહિલાનું અપમાન) હેઠળ ગુનો બનતો હોવાનું કહ્યું હતું.

મેજીસ્ટ્રેટે પોતાના આદેશમાં કહ્યું કે, આ(છમ્મકછલ્લો) એક હિન્દી શબ્દ છે અને અંગ્રેજીમાં તેના માટે કોઈ શબ્દ નથી. ભારતીય સમાજમાં આ શબ્દનો અર્થ તેના ઉપયોગને લઈને સમજવામાં આવે છે.(કઈ પરિસ્થિતિમાં અને કેવા ઉચ્ચારણ સાથે શબ્દનો ઉપયોગ થવો તે શબ્દનો અર્થ સૂચવે છે.) આ કોઈની પ્રશંસા કરવા માટેનો શબ્દ નથી. આ શબ્દના ઉપયોગથી મહિલા તિરસ્કારની ભાવના અનુભવે છે અને તેને ગુસ્સો આવે છે. આ સાથે જ થાણે કોર્ટના મેજીસ્ટ્રેટે દોષીને દિવસભરની સજા સંભળાવી અને 1 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

error: Content is protected !!