પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગુરુવારે સાંજથી બંધ થઇ જશે પ્રચારના પડઘમ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે શનિવારે યોજાનારી ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમનો 7 ડીસેમ્બર ગુરુવારની સાંજે અંત આવશે. એ પુર્વે બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનુ વાવાઝોડુ ફુંકાયુ હોય તેવુ જોવા મળ્યું હતું. કરણ કે, ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીથી લઇ રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ અને સ્થાનિક નેતાઓએ સભાઓ ગજવી હતી. બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓએ પણ છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.

દેશ-વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ પ્રતિષ્ઠિત જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યુ છે અને પોતાની પુરેપુરી તાકાત કામે લગાડી છે. ભાજપ ગુજરાતમાં 22  વર્ષથી સત્તાના સિંહાસન ઉપર છે અને તે સતત છઠ્ઠી વખત વિકાસના નામે મત માંગી સત્તાનું સુકાન સંભાળવા માંગે છે તો કોંગ્રેસ 22 વર્ષનો વનવાસ પુરો કરી નવસર્જનના નામે ગુજરાતની ગાદી સંભાળવા થનગની રહેલ છે તો અન્ય પક્ષો પણ પોત-પોતાનુ નસીબ અજમાવવા માટે ચૂંટણીના જંગમાં ઉતરી પડયા છે.

ગુરુવારે સાંજથી પ્રચાર પડઘમ બંધ થઇ જશે એ સાથે જ ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ થશે. ગુજરાતમાં શનિવારે મતદાન હોય શુક્રવારની રાત કતલની રાત ગણાશે. એ રાત્રે વિવિધ રાજકીય પક્ષો પોત-પોતાની અંતિમ ઘડીની રણનીતિ અમલમાં મુકી છુટા હાથે મતદારોને આકર્ષવા ભરપુર પ્રયાસ કરશે એ નક્કી છે. ગુજરાતમાં અંતિમ દિવસે વિવિધ રાજકીય પક્ષો નાણાની કોથળી છુટી મુકી દયે તેવુ રાજકીય નીરીક્ષકો માની રહ્યા છે તો બીજી તરફ ચૂંટણી પંચ પણ પૈસાના ખેલ ન થાય તે માટે ચાંપતી નજર રાખી રહ્યુ છે.

ચૂંટણી ન્યાયપુર્ણ અને નિષ્પક્ષ થાય તે માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે એટલુ જ નહી સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળો, રેપીડ એકશન ફોર્સ, હોમગાર્ડ વગેરે ખડેપગે રહેશે.

error: Content is protected !!