રાજ્યમાં માર્ગ સુવિધાનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકારે આપી રૂ.1677 કરોડના વિકાસ કામોને મંજુરી

ગાંધીનગર:  કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યમાં વિવિધ વિકાસ કામોનો વ્યાપ વધારવા રૂ.1677 કરોડના વિવિધ પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. આ કામો આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. માર્ગ સુવિધાના ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે, ત્યારે રાજ્યનું સુગ્રથીત વિકાસ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગે ભારત સરકારને આ ત્રણ દરખાસ્તો કરી હતી તેને કેન્દ્રના માર્ગ અને મકાન મંત્રાલય દ્વારા મંજૂર કરાઇ છે. જેમાં મુખ્યત્વે રાજ્યના પાટનગર ગાંધીનગરથી અમદાવાદને જોડતાં 45 કિ.મી. લંબાઇના ચિલોડા-ગાંધીનગર- સરખેજ હાઇવેને રૂ.846 કરોડના ખર્ચે છ-માર્ગીય બનાવાશે. આ માર્ગ સંપૂર્ણ ટોલ ફ્રી રહેશે, જેનાથી નાગરિકોને વધુ સુવિધાઓનો લાભ થશે. આ માર્ગ ઉપર સાણંદ, ઉજાલા જંક્શન, પકવાન જંક્શન, વૈષ્ણોદેવી જંક્શન તથા ગાંધીનગરના ઉવારસદ, સરગાસણ અને ઇન્ફોસિટી જંક્શન ખાતે સાત ફ્લાય ઓવરબ્રીજનું નિર્માણ થશે, સાથેસાથે સોલા તથા ખોડીયાર નજીક હાલના બે ઓવરબ્રીજને પણ છ-માર્ગીય
કરાશે. વધુમાં, સોલા ભાગવતથી ઝાયડસ સર્કલ સુધી જ્યાં ખૂબ જ ટ્રાફીકનું ભારણ રહે છે તેવા 4.18  કિ.મી. રસ્તા પર એલિવેટેડ છ-માર્ગીય રસ્તાનું નિર્માણ કરાશે. જેનાથી આ રસ્તાનો નીચેનો ટ્રાફીક યથાવત રહેશે અને ઉપરથી આ એલિવેટેડ કોરીડોર પસાર થશે. આ માર્ગ માટે રૂ.423 કરોડ કેન્દ્ર સરકારના તથા અન્ય રૂ.423 કરોડ રાજ્ય સરકારને મળતાં સેન્ટ્રલ રોડ ફંડ (સીઆરએફ) માંથી ફાળવાયા છે.

અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, નર્મદા ડેમ ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું નિર્માણ થઇ રહ્યું છે તે સંદર્ભે આગામી સમયમાં પર્યટકોનો ખૂબ જ ઘસારો તેમજ ટ્રાફીકના ભારણને ધ્યાને લઇ, નર્મદા
નદી પર ગરૂડેશ્વર ખાતે રૂ.૫૨ કરોડના ખર્ચે ઈપીસી પદ્ધતિ હેઠળ નવા બ્રીજનું નિર્માણ કરાશે. આ બ્રીજ 651 મીટર લંબાઇનો અને ત્રણ-માર્ગીય પહોળાઇ ધરાવતો બ્રીજ બનશે. આ કામ પણ બે વર્ષમાં પૂર્ણ કરાશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હયાત રસ્તાઓને પહોળા કરવા, તેનું મજબુતીકરણ, નવા પુલો અને નાળાઓ બનાવવા માટે ભારત સરકાર તરફથી સેન્ટ્રલ રોડ ફંડ (સીઆરએફ) ફંડ આપવામાં આવે છે, આ માટે કેન્દ્ર સરકારે રાજ્યના 23 જિલ્લાઓના 38 કામો માટે પણ રૂ.780 કરોડની ફાળવણી કરી છે. જે હેઠળ રાજ્યના સ્ટેટ હાઇવેના 311 કિ.મી. લંબાઇના 16 કામો માટે રૂ.478 કરોડ, પંચાયત હસ્તકના રસ્તા પર રૂ.299 કરોડના 352 કિ.મી.ના 21 કામો તથા પોરબંદર ખાતે નેશનલ હાઇવેના રેલ્વે અન્ડરબ્રીજનું રૂ.3 કરોડનું એક કામ પણ મંજૂર કરાયું છે. આમ સમગ્ર રાજ્યમાં આ યોજના હેઠળ કુલ-663 કિ.મી. લંબાઇના માર્ગ  સુવિધાના કામો હાથ ધરાશે જે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે. ઉપરોક્ત કામો પૂર્ણ થતાં રાજ્યના વાહનવ્યવહાર ક્ષેત્રે અને રસ્તાઓના નેટવર્ક ક્ષેત્રે ખૂબ જ મોટી સગવડ કરોડો નાગરિકોને પ્રાપ્ત થશે.

error: Content is protected !!