હવાઈ મુસાફરીમાં ગેરવર્તન કરનાર પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હી, દેશગુજરાત: હવાઈ મુસાફરીને લઈને સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમોને લાગુ પણ કરી દેવામાં આવ્યા છે. ઉડ્ડયન મંત્રાલયે એક ‘નો ફ્લાય’ યાદી જાહેર કરી છે. આ યાદીમાં જણાવ્યાનુસાર, જો તમે હવાઈ મુસાફરી દરમિયાન અપમાનજનક રીતે વર્તો અને કોઈ ગેરવર્તન કરો તો આ બાબત તમને મોંઘી પડી શકે છે. સરકારનો આ નવો નિયમ ત્રણ સ્તર પર છે. ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિન્હાએ શુક્રવારે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ મુજબ, ફ્લાઈટમાં ગેરવર્તન કરનાર પર ત્રણ મહિનાથી લઈને બે વર્ષ સુધી પ્રતિબંધ લગાવી શકાય છે. જોકે, નિયમમાં મુસાફરોને પ્રતિબંધની વિરુદ્ધમાં અરજી કરવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ એક એરલાઈન કોઈ મુસાફર પર પ્રતિબંધ લગાવે  તો અન્ય એરલાઈન પર પણ તે પ્રતિબંધ લાગુ પડે તે જરૂરી નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ શિવસેના સાંસદ રવીન્દ્ર ગાયકવાડે બિઝનેસ ક્લાસમાં સફર ન કરી શકવાના કારણે ફ્લાઈટના કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હતું. અન્ય એક બનાવમાં તૃણમૂલ કોંગ્રેસની રાજ્યસભા સાંસદ ડોળા સેને દિલ્હીથી કોલકાતા જનારી ફ્લાઈટને અડધો કલાક રોકી રાખી હતી. આ સાથે જ તેઓએ સુરક્ષા પ્રોટોકોલને અનુસરવાની પણ મનાઈ કરી દીધી હતી. છેલ્લા થોડા સમયથી આ પ્રકારની ઘટના સામે આવતા ઉડ્ડયન મંત્રાલયને નવા નિયમનું ઘડતર કરવાની ફરજ પડી છે.

error: Content is protected !!