દેશના તમામ મેડિકલ સ્ટોર્સમાં સસ્તી જેનેરિક દવાઓ રાખવાનો કેન્દ્ર સરકારનો આદેશ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશના તમામ મેડિકલ સ્ટોરને સસ્તા ભાવની જેનેરિક દવાઓ રાખવાનો આદેશ કર્યો છે. સરકાર આ અંગે ટૂંક સમયમાં એક કાયદો પણ લાવશે, જેનો સીધો ફાયદો સામાન્ય નાગરિકને પહોંચશે. સરકારના આદેશને પગલે દવાની તમામ દુકાનોમાં સરળતાથી સસ્તી દવાઓ ઉપલબ્ધ બનશે. આદેશની સાથે સરકારે એ પણ ઉમેર્યું છે કે, કોઈ પણ મેડિકલ સ્ટોર લોકોને મોંઘી દવા ખરીદવા માટે ફરજ નહીં પાડે.

લોકોને સસ્તા ભાવની જેનેરિક દવા સરળતાથી મળી રહે તે દિશામાં સરકાર કામ કરી રહી છે અને 3 મહિનાની અંદર જ આ નવો કાયદો લાગુ થઇ જશે. ગઈકાલે (શુક્રવારે) ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાની બેઠક મળી હતી. જેમાં એવું જણાવાયું હતું કે, આરોગ્ય મંત્રાલયે આ આદેશ કર્યો હતો કે જે હેઠળ દેશનાં તમામ રાજ્યોનાં મેડિકલ સ્ટોરને પહેલેથી જ એડ્વાઈઝરી જારી કરી દેવામાં આવી છે.

એડ્વાઈઝરીમાં જણાવાયું છે કે, દેશના તમામ મેડિકલ સ્ટોરમાં જેનેરિક દવાઓ રાખવી ફરજિયાત છે. આ માટે દવાની દુકાનમાં સત્તાવાર રીતે જેનેરિક દવાનો એક અલગ કબાટ રાખવાનો રહેશે। આ ઉપરાંત તે કબાટ પર મોટા અક્ષરોમાં જેનેરિક દવા એવું લખવું પડશે કે જેથી લોકોને સરળતાથી તે અંગેની જાણ થાય અને તેઓ જેનરિક દવા ખરીદવાનો આગ્રહ રાખે.

જે મેડિકલ સ્ટોર આ આદેશનું પાલન નહીં કરે તે તમામ મેડિકલ સ્ટોર્સનાં લાઈસન્સ રદ કરી નાંખવામાં આવશે. જે અંગેનો ઉલ્લેખ પણ એડવાઈઝરીમાં કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લાં 4 વર્ષમાં જેનેરિક દવાની 3200 નવી દુકાનો ખોલવામાં આવી છે. આ અગાઉ જેનેરિક દવાઓની દુકાનોની સંખ્યા માત્ર 400 જ હતી.

error: Content is protected !!