પુનઃ પ્રકાશિત થશે છગનલાલની ચિત્રપોથી : દાંડીયાત્રાનો એકમાત્ર જીવંત ચિત્રાત્મક દસ્તાવેજ

ગાંધીનગર: ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજી પોતાના ચુનંદા સાથીઓ સાથે મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધ ‘સવિનય કાનૂનભંગ’ની લડતનો પ્રારંભ કર્યો ત્યારે દેશ-વિદેશના પત્રકાર, ફોટોગ્રાફર અને ચલચિત્રકાર ‘સત્યાગ્રહ આશ્રમ – સાબરમતી’ મુકામે ઉપસ્થિત હતા. સહુ પોતપોતાની રીતે આ ઐતિહાસિક ઘટનાને રિપૉર્ટીંગ, ફોટોગ્રાફી તથા મૂવિમાં અંકિત કરતા હતા. જ્યારે 27 વર્ષના ચિત્રકાર છગનલાલ જાદવ દાંડીયાત્રાના આરંભથી અંત સુધી જીવંત ચિત્ર આલેખનથી દસ્તાવેજીકરણ કરતા હતા. તેઓ દાંડીયાત્રાના આયોજન માટેની ‘અરુણોદય ટુકડી’ના સદસ્ય હોવાથી તેમને મહાત્મા ગાંધીની છ યાદગાર ક્ષણોના રેખાંકનની તક મળી હતી. જેને કારણે છગનલાલની ચિત્રપોથી દાંડીયાત્રાનો એકમાત્ર જીવંત ચિત્રાત્મક દસ્તાવેજ બની રહ્યો.

ખુદ ગાંધીજીને પણ ખ્યાલ ન હતો કે તેમણે સ્થાપેલ ‘અંત્યજ રાત્રિશાળા’નો દલિત વિદ્યાર્થી છગનલાલ દાંડીયાત્રાનું વિરલ દસ્તાવેજીકરણ કરશે! ગાંધીજી અને છગનલાલને જોડનાર ચિત્રપોથી મને અમદાવાદના ‘ગુજરી બજાર’માં ખાંખાંખોળા કરતાં મળી ગઈ. દાંડીકૂચનું આ પ્રકારનું ચિત્રાત્મક દસ્તાવેજીકરણ જોઇ ચકિત થઇ ગયો. ગાંધીયુગનો ધબકાર છગનલાલના રેખાંકનમાં જીવંત જોવા મળે છે. તો ચાલો એક નજર કરીએ ગાંધીયુગના પ્રારંભ પર.

૧૯૧૫માં મહાત્મા ગાંધીનું હિંદ આગમન એક યુગપરિવર્તક ઘટના સમાન હતું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની અન્યાયી નીતિ સામે સત્ય, અહિંસા અને સત્યાગ્રહના માર્ગે લોકોને સંગઠિત કરી સફળ સત્યાગ્રહ કરનાર મહાત્મા ગાંધીના હિંદ આગમન સાથે સ્વતંત્રતાસંગ્રામની દિશા બદલાઇ ગઈ.

અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપનાને કારણે હિંદમાં રાજકીય, સામાજિક અને આર્થિક પરિવર્તનની શરૂઆત થઈ. સત્યાગ્રહનો રણટંકાર ગાંધીજીએ જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં ૧૯૦૬, સપ્ટેમ્બર ૧૧ (9/11)ના રોજ કર્યો હતો. યોગાનુયોગ આ ઐતિહાસિક
ઘટનાના ૯ વર્ષ પછી ૧૯૧૫, સપ્ટેમ્બર ૧૧ (9/11)ના રોજ ગાંધીજીએ લોકવિરોધ વચ્ચે દૂદાભાઇ દાફડા નામના દલિત વણકરને સત્યાગ્રહ આશ્રમમાં પ્રવેશ આપીને જાણે એક પ્રકારનું રણશિંગું ફૂંકિયું અને આશ્રમની બાજુમાં આવેલા કોચરબ ગામમાં ‘અંત્યજ રાત્રિશાળા’ શરૂ કરી. ગાંધીયુગને સમજવા માટે આ બંને ઘટનાઓ અત્યંત મહત્ત્વની છે. આ ઘટનાઓ જ ત્યારપછીના હિંદના રાજકારણ, સમાજકારણ અને અર્થકારણના નોંધપાત્ર પરિવર્તનને સમજવાનું પરિમાણ પૂરું પાડે છે. કોચરબની રાત્રિશાળામાં ભણવા છગન જાદવ નામનો બારેક વર્ષનો દલિત વિદ્યાર્થી ૪-૫ કિ.મી. દૂર વાડજથી કોચરબ પગપાળા આવતો. આ રાત્રિશાળાના શિક્ષક પરીક્ષિતલાલ મજમુદાર પાસેથી તેણે અક્ષરજ્ઞાન મેળવ્યું. બાપુની છાયામાં એને એક હૂંફાળું જગત પ્રાપ્ત થયું. બાપુના સાંનિધ્યમાં બાળ છગન મોટો થયો અને છગનલાલ તરીકે ઓળખાવા લાગ્યો. ગાંધીજીએ છગનલાલને મિલની નોકરી છોડાવીને ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં પટાવાળા તરીકે રાખ્યા. સર્જનાત્મક કલાકાર છગનલાલની ક્ષમતાનું ગાંધીજી સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતા હતા.

એવામાં છગનલાલના જીવનમાં ઉપરાઉપરી હતાશા આવી. તેમણે હતાશા ત્યજી નોકરીની સાથે ગૂજરાત વિદ્યાપીઠની રાત્રિશાળામાં આગળ અભ્યાસ વધાર્યો અને પછી એ જ શાળામાં શિક્ષક બન્યા. છગનલાલ જાદવે ચિત્રકામની પદ્ધતિસરની તાલીમ લીધી ન હતી, પણ તેમની લગનીને જોઈ મહાત્મા ગાંધીએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી શિષ્યવૃત્તિ અપાવી. છગનલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રતિષ્ઠિત ચિત્રકાર કનુ દેસાઈના શિષ્ય બન્યા. મહાત્મા ગાંધીએ એક દિવસ છગનલાલ જાદવનો પરિચય કલાગુરુ રવિશંકર રાવળ સાથે કરાવ્યો. આ મુલાકાત છગનલાલ માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સમાન હતી.

ગાંધીયુગનાં સ્પંદનોને વાચા આપનાર કલાગુરુ રવિશંકર રાવળ સાથે છગનલાલ જાદવ જોડાયા. કલાપારખુ કલાગુરુએ તેમની સર્જનશક્તિ પારખી, છગનલાલને વધુ સર્જનાત્મક શિક્ષણ મળી રહે તે હેતુસર મિલ ઉદ્યોગના પિતામહ રણછોડલાલ છોટાલાલના પ્રપૌત્ર સર ગિરજાપ્રસાદ તેમજ શેઠ શાંતિલાલ મંગળદાસ પાસેથી શિષ્યવૃત્તિ અપાવી. છગનલાલ ઇન્દોર અને લખનૌની કલાશાળામાં ઘડાયા.

૧૯૩૩માં ઇન્દોરમાં પ્રસિદ્ધ ચિત્રકાર નારાયણ ધર બેન્દ્રે પાસેથી પ્રકૃતિ ચિત્રકલા (લૅન્ડસ્કેપ)ની નવી સૂઝ મળી. ૧૯૩૪માં લખનૌની આર્ટ સ્કૂલમાં છગનલાલનો પ્રવેશ કલાગુરુને કારણે શક્ય બન્યો. કલાગુરુ ગેરેન્ટર બન્યા અને ગુજરાતના સર્વપ્રથમ I.C.S. એન. સી.
મહેતાએ ભલામણ કરી. જેને કારણે છગનલાલ ‘લખનવી રંગજમાવટ’માં પ્રવીણ બન્યા અને ૧૯૩૫થી એક સ્વતંત્ર ચિત્રકાર તરીકે જીવનનો પ્રારંભ કર્યો. ૧૯૩૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષસ્થાને મળેલ હરિપુરા કૉંગ્રેસના મંડપ સુશોભનમાં કલાગુરુના સહાયક તરીકે સેવા આપી.

૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભૂગર્ભ પ્રવૃત્તિમાં સક્રિય થયા. ૧૯૩૮માં કાશ્મીર અને ૧૯૪૪માં કૂલુના પ્રવાસમાં છગનલાલે મનોહર પ્રકૃતિચિત્ર દોર્યાં. આ જ રીતે તેઓએ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ઘૂમીને ગ્રામપ્રદેશના જીવન-સૌન્દર્યને ચિત્રોમાં જીવંત કર્યું. આ ચિત્રોનાં પ્રદર્શન દ્વારા એમની ખ્યાતિ પણ પ્રસરતી ગઈ. રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા છગનલાલનું ૧૯૪૪માં હિમાલયનું અને હિમાલય જેવા તેજસ્વી
પુરુષ નિકૉલસ રોરિકનું દર્શન-મિલન થયું. જેનું આલેખન છગનલાલે પોતાના ચિત્રોમાં કર્યું.

હિમાલયયાત્રાએ તેમના હૈયામાં ઈશ્વરદર્શનની ઝંખના જગાવી. ૧૯૪૭માં મહર્ષિ અરવિંદના અનુયાયી થયા. જીવનમાં આવેલા ‘આધ્યાત્મિક ટર્નિંગ પોઇન્ટ’ને કારણે અરવિંદ આશ્રમ, પોંડીચેરી સાથે અંત સુધી નાતો રહ્યો. આ બંને ઘટનાની ગાઢ અસર તેમના ઉત્તરજીવન પર છવાયેલી રહી. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બાપુની શહાદતથી છગનલાલને કારમો આઘાત લાગ્યો. ઘણા દિવસ સુધી છગનલાલ પોતાના ખંડમાંથી બહાર નીકળ્યા પણ નહિ. બાપુ સાથેના સંસ્મરણો યાદ કરી ગમગીનીમાં રહ્યા. બાપુને અંજલિરૂપે દોરેલાં તેમનાં ચિત્રોમાં ઊંડો વિષાદ જોવા મળે છે.

ત્યારબાદ બાપુની સ્મૃતિમાં તેમણે અનેક ભાવદર્શી કરુણ ચિત્રો કર્યા. અનુભવોની ક્ષિતિજો સાથે છગનલાલ જાદવનું નામ વિશ્વસ્તરે વિસ્તરતું ગયું, તેના મૂળમાં મહાત્મા ગાંધીએ ૧૯૧૫માં સ્થાપેલ કોચરબની ‘અંત્યજ રાત્રિશાળા’ હતી.

સત્યાગ્રહ આશ્રમમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક ઉત્કર્ષ અને સમરસતાની કેવી અસર થઈ તે સમજવા માટે છગનલાલનું ઉદાહરણ ઉત્કૃષ્ટ છે. મહાત્મા ગાંધીની (વણિક) ભલામણથી કનુ દેસાઈએ (બ્રહ્મક્ષત્રિય) છગનલાલને શરૂઆતમાં તાલીમ આપી. પછી ગાંધીજીની ભલામણથી કલાગુરુ રવિશંકર રાવળે (બ્રાહ્મણ) તેમને પટ્ટશિષ્ય બનાવ્યા. એ સમયે સમાજમાં અસ્પૃશ્યતા ખૂબ વ્યાપેલી હતી. કલાગુરુના અન્ય વિદ્યાર્થીઓએ છગનલાલની ઉપસ્થિતિ સામે જબરદસ્ત વિરોધ કર્યો. પરંતુ ગાંધીયુગના પ્રતિનિધિ રવિશંકર રાવળે મચક આપી નહિ. તેમની દૃઢતા સામે સૌને ઝૂકવું પડ્યું અને છગનલાલને અપનાવવા પડ્યા, જે પ્રસંગનું વર્ણન કલાગુરુએ પોતાની આત્મકથામાં આપ્યું છે.

અમદાવાદમાં મિલ ઉદ્યોગનો પાયો નાખનાર રણછોડલાલ છોટાલાલે ૧૮૮૯માં અમદાવાદમાં શરૂ કરેલી ગુજરાતની પ્રથમ મહિલા હોસ્પિટલમાં ઊંચનીચના લોકવિરોધને અવગણીને સૌને એકસમાન સારવાર આપવામાં આવતી. તેથી એમના પ્રપૌત્ર સર ગિરજાપ્રસાદે (બ્રાહ્મણ) કલાગુરુની ભલામણથી છગનલાલને શિષ્યવૃત્તિ આપીને ઇન્દોર અને લખનૌની કલાશાળામાં મોકલ્યા. જેને કારણે જ છગનલાલની સર્જનાત્મક પ્રતિભાનો વિશ્વને પરિચય થયો. કલાગુરુએ ૧૯૩૯માં મુંબઈની આર્ટ સોસાયટીમાં ચિત્રપ્રદર્શન યોજ્યું હતું. જેમાંથી છગનલાલના વોટર-કલરનાં ચિત્ર ‘ઝૂંપડીની લક્ષ્મી’ને ગવર્નરનું રૂ. ૧૦૦/-નું ઇનામ મળ્યું. કલાગુરુ દ્વારા સ્થાપિત ‘કુમાર’ માસિકમાં પ્રકટ થતાં ચિત્રોએ છગનલાલની પ્રતિષ્ઠા વધારી.

‘શોકધારા’, ‘પ્રકાશ’, ‘પ્રતિ’, ‘ગુનાહિતા’, ‘વિશ્વસ્વરૂપ’, ‘નિર્ણયની ક્ષણો’, મંગલપ્રભાત’ જેવાં છગનલાલની સર્જનશક્તિનાં અનેક સંભારણાં દેશ-વિદેશનાં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ખાનગી સંગ્રહોની શોભા વધારે છે. પરંતુ તેમનું એક સંભારણું જગત સામે ક્યારેય આવ્યું જ નહિ! અમદાવાદના ‘ગુજરી બજાર’માંથી પ્રાપ્ત થયેલ ચિત્રપોથી જોઇને છગનલાલ જાદવના ઘનિષ્ઠ મિત્ર અને જાણીતા સાહિત્યકાર સદ્ગત પ્રોફેસર નિરંજન ભગત તરત જ બોલી ઉઠ્યા, “અરે, આ તો દાંડીયાત્રાની ચિત્રપોથી છે. મને છગનભાઇએ અનેક વખત સંભારણાં સાથે બતાવી હતી…”

ત્યારબાદ છગનલાલના શિષ્ય અને જાણીતા ચિત્રકાર અમિત અંબાલાલે પોતાનાં સ્મરણો તાજાં કરતાં જણાવ્યું કે, “મેં આ ચિત્રપોથીની સાથે તેમની એક ડાયરી પણ જોઈ હતી. જો તે તમને મળી હોત તો કદાચ આ ચિત્રો અંગે વધુ માહિતી પ્રાપ્ત થાત?…” છગનલાલે ગાંધીજી સાથેના તથા દાંડીયાત્રાના પોતાના અનેક પ્રસંગો અમિતભાઇને કહ્યા હતા. સર ગિરજાપ્રસાદના પુત્ર અચ્યુતભાઇ સાથે છગનલાલની દરરોજની બેઠક હતી. છગનલાલ હંમેશા કહેતા કે, “સર ગિરજાપ્રસાદે મને શિષ્યવૃત્તિ ન આપી હોત તો મને બેન્દ્રે મળ્યા ન હોત…” દાંડીયાત્રામાં સંભારણા સ્વરૂપે તેમણે દોરેલ ચિત્રપોથી અચ્યુતભાઇએ અગાઉ જોઇ હતી. તેથી તેઓ આ ચિત્રપોથી જોઇને તરત જ બોલી ઊઠ્યા, “આ તો છગનભાઇની ચિત્રપોથી છે, કેમકે તેમના જેવો સહજ પીંછીનો સપાટો મેં કોઈનો જોયો નથી…”

દાંડીયાત્રાનું સંભારણું સમજવા માટે એક નજર દાંડીયાત્રાના ઇતિહાસ પર નાખીએ. ‘દાંડી’ નામ સાંભળતાં જ આપણા માનસપટલ પર પદયાત્રીઓ સાથે ચાલતા તથા દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડીને અન્યાયી કાયદાનો ‘સવિનય કાનૂનભંગ’ કરતા ગાંધીજીની બે તસવીર ઊપસી આવે છે. આ જ કારણોસર દક્ષિણ ગુજરાતના નાનકડા ગામ ‘દાંડી’એ વૈશ્વિક ઓળખ મેળવી છે. જગતના સત્યાગ્રહના ઇતિહાસમાં આજે પણ દાંડીયાત્રા શિરમોર છે.

દાંડીયાત્રાના આયોજન માટેની ‘અરુણોદય ટુકડી’ના સદસ્ય હોવાથી છગનલાલ જાદવે દાંડીકૂચ દરમ્યાન મહાત્મા ગાંધીની છ યાદગાર ક્ષણોના રેખાંકનની તક મળી હતી. ગાંધીજી ઉપરાંત કેટલાક પદયાત્રીઓ તથા અન્ય રાષ્ટ્રીય નેતાઓનાં પણ એમણે રેખાચિત્રો દોર્યાં. વળી સંભારણાં સ્વરૂપે રેખાચિત્ર સાથે કેટલાકના હસ્તાક્ષર પણ લીધા. ૨૪ દિવસમાં ૨૪૧ માઈલનું અંતર કાપી પદયાત્રીઓ દાંડી પહોંચ્યાં. ૬ એપ્રિલ, ૧૯૩૦ના ઐતિહાસિક દિને મહાત્મા ગાંધીએ મીઠાના અન્યાયી કાયદાનો સવિનય કાનૂનભંગ કર્યો અને પછી સમગ્ર દેશમાં સત્યાગ્રહનું ઘોડાપૂર ઊમટ્યું. દાંડી પાસેની ‘કરાડી શિબિર’માં છગનલાલને ગાંધીજીનું સાંનિધ્ય મળ્યું, તો ત્યાં પણ કેટલાક રેખાંકન કર્યાં.

એક મહિના પછી તા. ૫ મે, ૧૯૩૦ના રોજ કરાડી મુકામે ગાંધીજીની ધરપકડ થઇ. બાપુની સાથે ચિત્રકાર છગનલાલને પણ ત્રણ મહિનાની સજા થઇ હતી. આ જેલવાસ ફરી એકવાર છગનલાલ માટે ‘ટર્નિંગ પોઇન્ટ’ સમાન નીવડ્યો. આ કારાવાસ દરમ્યાન સાબરમતી, યરાવડા અને નાસિક જેલમાં પણ તેમણે વિવિધ રેખાચિત્રો દોર્યાં. નાસિક જેલની દિનચર્યા, જેલમાં સત્યાગ્રહીઓની સ્થિતિ, જેલના વિવિધ વિભાગો, સુરક્ષાવ્યવસ્થા અને ઇમારતને ‘રેખાચિત્ર’ દ્વારા વર્ણવી. આમ છગનલાલની ચિત્રપોથી દાંડીયાત્રાનો એકમાત્ર દુર્લભ ચિત્રાત્મક જીવંત દસ્તાવેજ બની રહ્યો.

માર્ચ, ૧૯૩૧માં સરદાર વલ્લભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરાચીમાં મળેલ ૪૬મી મહાસભામાં ભાગ લેવા અમદાવાદથી કેટલાક સાહસિક યુવાનોએ સાઇકલયાત્રા કરી. આ યુવાનો સાથે છગનલાલ હતા કે નહિ તેની વિગત મળતી નથી. આ ચિત્રાત્મક દસ્તાવેજમાં મહાસભામાં
ભાગ લઈને સ્ટીમરમાં મુંબઈ આવતા ‘સરહદના ગાંધી’ ખાન અબ્દુલ ગફ્ફારખાનનું રેખાચિત્ર આલેખ્યું. સાથેસાથે સરદાર પટેલ, જમનાલાલ બજાજ, સરોજિની નાયડુ, મીઠુંબેન પીટીટ, જવાહરલાલ નહેરુ વગેરેનાં રેખાંકનો પણ જોવા મળે છે. છગનલાલના નસીબમાં ૧૯૩૨માં મહાત્મા ગાંધીના સાંનિધ્યમાં બીજો જેલવાસ પણ લખાયો હતો. તેથી તેમને ૨ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ યરાવડા જેલ (પૂણે)માં ગાંધીજીનું ફરીથી રેખાંકન કરવાની તક મળી. ૧૯૩૩ના બે ઐતિહાસિક પ્રસંગો પણ છગનલાલે દાંડીયાત્રાની એ જ ચિત્રપોથીમાં અંકિત
કર્યા. ૨૨ જુલાઈએ ગાંધીજીએ ‘સત્યાગ્રહ આશ્રમ – સાબરમતી’ હંમેશ માટે છોડી દેવાનો નિર્ણય કર્યો તે સમયનું હૃદયમંથન રેખાંકનમાં અંકિત કર્યું. ૩૧ જુલાઈએ ગાંધીજીની આશ્રમની અંતિમ મુલાકાત તથા પ્રાર્થનાસભા પછી આશ્રમ ખાલી કરી જનારને વિદાય આપતા સમયની બાપુની વેદના છગનલાલે એ જ ચિત્રપોથીમાં અંકિત કરી. અન્ય એક રેખાંકનમાં ખુદ ગાંધીજીએ છગનલાલને હસ્તાક્ષર કરી આપ્યા હોવાને કારણે આ ચિત્રપોથીનું ઐતિહાસિક મહત્ત્વ વધી ગયું.

સમયનું વહેણ આગળ વધ્યું અને છગનલાલ વૃદ્ધ થયા. પણ તેમનામાં રહેલો કલાકાર અંતિમ ક્ષણ સુધી જીવંત રહ્યો. ગુજરાતની ‘મૉડર્ન આર્ટ મૂવમેન્ટ’ના પિતામહ ગણાતા છગનલાલને નવા ચિત્રકારો ‘છગનકાકા’ના વહાલસોયા નામથી સંબોધતા. ૮૪ વર્ષની વયે ૧૨ એપ્રિલ,૧૯૮૭ના રોજ ‘છગનકાકા’નો સ્વર્ગવાસ થયો, પણ ગાંધીયુગના સંભારણા સ્વરૂપે રહી ગઈ તેમની અસલ ચિત્રપોથી. આ ઐતિહાસિક ચિત્રપોથીમાં ૧૯૩૦થી ૧૯૩૮ સુધીનો સ્વતંત્રતાસંગ્રામનો ઘટનાક્રમ ચિત્રાત્મક સ્વરૂપે જળવાઈ રહ્યો છે.

1) દાંડીયાત્રાનો જુસ્સો, ૧૯૩૦
2) નવસારી, દાંડી અને કરાડી શિબિરનો વૃત્તાંત
3) બાપુ સાથે જેલયાત્રા, ૧૯૩૦ – ૧૯૩૨
4) સત્યાગ્રહીનું જેલજીવન
5) સરદારની ‘સરદારી’, ૧૯૩૧
6) આશ્રમ વિસર્જનનો વિષાદ, ૧૯૩૩
7) હરિપુરામાં નેતાજીનું નેતૃત્વ, ૧૯૩૮

દાંડીયાત્રાનાં સંભારણાંરૂપે છગનલાલે દોરેલ જીવંત ઐતિહાસિક દસ્તાવેજ એવા આ રેખાંકનો જગત સામે ક્યારેય આવ્યા જ નહિ! દાંડીકૂચનાં છપાયેલ છૂટક સંભારણાં તો ઘણા પાસે હશે, પરંતુ છગનલાલ જાદવના જીવંત રેખાંકનવાળી ચિત્રપોથીનો જોટો જડે તેમ નથી. દાંડીકૂચના ‘મિજાજ’(Spirit)નો આજની પેઢીને પરિચય થાય તે હેતુથી અત્યાર સુધી અલોપ રહેલાં તે રેખાંકન અસલ સ્વરૂપમાં મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દી (150) પ્રસંગે પ્રગટ કરવામાં આવ્યાં છે. આ ભગીરથકાર્યમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર, અમદાવાદનો સહકાર તથા પ. પૂ. આચાર્ય સ્વામી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના આશીર્વાદ મારું ચાલકબળ બની રહ્યાં. આ
પ્રસંગે તેમનો ઋણ સ્વીકાર કરતાં ધન્યતા અનુભવું છું.

error: Content is protected !!