વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે દિલ્હીમાં યોજાઈ બેઠક

નવી દિલ્હીઃ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અત્યારથી જ હરકતમાં આવી ગયા છે. જોકે, લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જેને લઈને ભાજપ અત્યારથી જ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપ દ્વારા દિલ્હી 6 દિનદયાલ માર્ગ સ્થિત ભાજપ હેડક્વાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં આજે (મંગળવારે)  ખુબ અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના 15 ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ પર મહામંથન કરવામાં આવ્યું હતું. વિપક્ષના મહાગઠબંધનની તૈયારી ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ પોતાની રણનીતિ તૈયાર કરી દીધી છે.  આ ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોમાં 2019ના ચૂંટણી પ્રચાર અભિયાનની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ બેઠકની શરૂઆત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી. આગામી સમયમાં ભાજપ પૂર્વ વડાપ્રધાન વાજપેયીને અંજલિ આપતા અનેક કાર્યક્રમો યોજશે.

error: Content is protected !!