5 વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડીંગ અરજીઓ પર ઝડપી સુનાવણી હાથ ધરવા ચીફ જસ્ટીસનો આદેશ

નવી દિલ્હી: ભારતના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટને કહ્યું છે કે, 5  વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડીંગ  અરજીઓ ઉપર પ્રાથમિકતાના આધારે સુનાવણી કરે. પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી જેલમાં વિતાવી ચુકેલા લોકોની અપીલને લઇને ચીફ જસ્ટીસે આ મહત્વનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટના સુત્રોએ જણાવ્યા પ્રમાણે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીના મુખ્ય સંરક્ષક હોવાના નાતે ચીફ જસ્ટીસ વર્ષોથી જેલમાં બંધ લોકોની પીડાથી અવગત છે. તેમણે આ અનોખા પગલાની શરૂઆત કરી છે જે હેઠળ રાજય કાનૂની સેવાઓના અધિકારીઓ તરફથી ગરીબ કેદીઓને વિનામૂલ્યે વકીલની મદદ ઉપલબ્ધ થવાની છે. આ સેવા એવા કેદીઓને મળશે જેઓ 5  વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે.

આ માટે મિશ્રાએ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં વિચારાધીન ક્રિમીનેટ અને જેલ અપીલને નિપટવા માટે એક નિર્દેશાત્મક ફ્રેમવર્ક આપ્યુ છે. ચીફ જસ્ટીસે કહ્યુ છે કે આ અપીલોના નિપટારામાં થનાર વિલંબથી ન્યાયીક પ્રશાસનની પ્રભાવકારીતાની સાથે આપરાધિક ન્યાય વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉભો થયો છે.

5 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેતા કેદીઓની વિચારાધીન અરજી પર સુનાવણી માટે શનિવારે પણ અદાલત બેસાડવાની ચીફ જસ્ટીસની અપીલને પણ વ્યાપક સમર્થન મળ્યુ છે. 3 હાઇકોર્ટને બાદ કરતા બાકી તમામ હાઇકોર્ટે લાંબા સમયથી વિચારાધીન આપરાધિક અપીલો પર શનિવારે સુનાવણી શરૂ કરી દીધી છે. છેલ્લા ર મહિના દરમિયાન આ પ્રકારની માત્ર ૯ સુનાવણીમાં જ લગભગ 1000 કેસોનો નિકાલ થયો છે.

સુત્રોના કહેવા પ્રમાણે, ચીફ જસ્ટીસ હાઇકોર્ટ દ્વારા જુના ક્રિમીનલ કેસો અને જેલ અરજીઓની વહેલી સુનાવણી ઉપર મોનીટર કરી રહ્યા છે આ માટે તેઓ સતત હાઇકોર્ટના સંપર્કમાં પણ છે. સુપ્રિમ કોર્ટમાં પણ આવા મામલાની ત્વરીત સુનાવણીની વ્યવસ્થા અમલી બની છે અને જેની અસર પણ જોવા મળી છે. દિપક મિશ્રા ચીફ જસ્ટીસ બન્યા તે દરમિયાન આવા 58272 કેસો સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ હતા. માત્ર 60  દિવસમાં જ 3013 કેસોની સુનાવણી થઇ છે અને પહેલી નવેમ્બરે મામલાઓની સંખ્યા ઘટીને 55259 થઇ ગઇ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રિમ કોર્ટમાં 5  વર્ષથી વધુ સમયની 161  સ્પેશીયલ લીવ (ક્રીમીનલ) અરજીઓ, 2058  ક્રીમીનલ અપીલ, 2481  સ્પેશીયલ લીવ (સીવીલ) અપીલ અને 7854 સીવીલ અપીલ પેન્ડીંગ છે. સુત્રોએ જણાવ્યુ છે કે, આવતા કેટલાક મહિનાઓમાં તેને પ્રાથમિકતાના આધારે સુનાવણી માટે લીસ્ટ કરવામાં આવશે.

error: Content is protected !!