ઇઝરાયેલની સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી માટેની કંપની નેટાફિમની મુખ્યમંત્રી રૂપાણીએ મુલાકાત લીધી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલ પ્રવાસના પ્રથમ દિવસે ઇઝરાયેલની સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી માટેની અગ્રગણ્ય કંપની નેટાફિમની મુલાકાત લઈ ઇઝરાયેલની ખેતી પાક અને સિંચાઇની વિગતો જાણવામાં ઉત્સુકતા દાખવી હતી.

નેટાફિમના સીઇઓ યુત રન મૈદન – Ran Maidan સાથે વિચાર-વિમર્શ દરમિયાન વિજય રૂપાણીએ કૃષિ ક્ષેત્રે ઉચ્ચ અને ચડિયાતી ગુણવત્તાના ઉત્પાદન, જળ બચત, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો તથા સાતત્યપૂર્ણ ખેતી સહિત ખેડૂતો માટેના એન્ડ ટુ એન્ડ સોલ્યૂશન્સ અંગે વિશદ ચર્ચા કરી હતી.

ઇઝરાયલની ડિજિટલ ફાર્મિંગ પદ્ધતિનો ગુજરાતમાં વિનિયોગ કરીને રાજ્યની કૃષિ ક્રાંતિમાં નવા આયામો સર્જી ગુજરાત ખેતી અને ખેડૂતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. ઇઝરાયલની કૃષિ ટેક્નોલોજિઝ અને તકનિકી જાણકારી ગુજરાતના કૃષિ ક્ષેત્રને વધુ સશક્ત બનાવી શકે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Image may contain: 1 person, sitting

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં દેશના કિસાનોની આવક બમણી કરવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ટપક સિંચાઈ પદ્ધતિ જેવી કૃષિક્ષેત્રની શ્રેષ્ઠ પદ્ધતિઓ ઉપરાંત ડિજિટલ સોલ્યૂશન્સથી ગુજરાત કૃષિ ક્ષેત્રે પાક ઉત્પાદકતા વધારવા અને આવક બમણી કરવામાં યોગદાન આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ નેટાફિમના સીઇઓ સાથેની ચર્ચા દરમિયાન કહ્યું કે ડિજિટલ ખેતી એ કૃષિ ક્ષેત્રે આવનારા સમયનું સૌથી મોટું પરિવર્તન છે. આ પરિવર્તનો માટે ગુજરાતના કૃષિ ક્ષેત્રને સજ્જ કરવા મુખ્યમંત્રીએ કૃષિ ક્ષેત્રે રિયલ ટાઇમ મોનિટરિંગ, સ્માર્ટ એનાલિસિસ એન્ડ કન્ટ્રોલ ઇન ક્લોઝ્ડ પ્લેટફોર્મ, સિંચાઇ માટે ડાયનેમિક ક્રોપ મોડ્સ, ક્લાઉડ ટેક્નોલોજી, ખેડૂતો માટે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને સ્કેલેબલ સોલ્યૂશન્સના ડિજિટલ સોલ્યૂશન્સના ક્ષેત્રે સહયોગ વિશે ચર્ચા કરી હતી.

Image may contain: 5 people, people sitting, table and indoor

Related Stories

error: Content is protected !!