રાજ્યના મહાનગરો બ્રોડ વિઝન-પ્લાનીંગ સાથે સ્વચ્છતા-ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ-રિસાયકલીંગ ઓફ વોટરના ક્ષેત્રોમાં વિશ્વના શહેરોની સ્પર્ધા કરે તેવા બનાવવા મુખ્યમંત્રી રૂપાણીનું સૂચન

ગાંધીનગર :  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં બ્રોડ વિઝન અને પ્લાનીંગ સાથે સ્વચ્છતા કામગીરી, ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલીંગ ઓફ વેસ્ટ વોટર તેમજ શહેરી વિકાસની ટી.પી. સ્કીમની માળખાકીય સુવિધાના કામોમાં વેગ લાવી ગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરે તેવા સજ્જ કરવા આહવાન કર્યુ છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરત, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠેય મહાનગરોના મેયર-સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ, મ્યુનિસીપલ કમિશનરોની બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં મહાનગરોના નગર સુખાકારી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે દરેક મહાનગર સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાઇવ સ્ટાર – થ્રી સ્ટાર રેન્કીંગ પ્રાપ્ત થાય તે દિશામાં સ્વચ્છતા-સફાઇના કામો ઉપાડે.

આ સંદર્ભમાં તેમણે ઘન કચરાના સેગ્રીગેશન, યોગ્ય નિકાલ તથા વેસ્ટ મેનેજમેન્ટનો સુચારૂ ઉપયોગ કરીને સ્વચ્છતા-સફાઇ ક્ષેત્રે લોકોને સ્પષ્ટ દેખાય એવું કાર્ય આયોજન કરવા સૂચવ્યું હતું. મુખ્યમંત્રીએ કોર્પોરેશનનું કલ્ચર સમગ્રતયા બદલવાની પ્રતિબધ્ધતા દર્શાવતાં કહ્યું કે,
મહાનગરોમાં નાગરિકોને મેળવવાની થતી તમામ પરવાનગી-મંજૂરીઓ-સેવાઓ ઓનલાઇન મળતી થાય અને સામાન્ય નાગરિકને ઘેર બેઠાં બધી સેવાઓ મળી રહે તેવા આયોજનની આપણી નેમ છે.

વિજય રૂપાણીએ મહાનગરોમાં ગટરના – ડ્રેનેજ વોટરના પૂન: ઉપયોગની આવશ્યકતા પર ભાર મૂકતાં વધતા જતા શહેરીકરણ વ્યાપ અને માનવ વસ્તીની પાણીની જરૂરિયાતને પહોચી વળવા ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલીંગ ઓફ યૂઝડ વોટરના કામોને ટોપ પ્રાયોરિટી આપવા તાકિદ કરી હતી. તેમણે કહ્યું કે, આવું શુધ્ધ કરાયેલું પાણી ઊદ્યોગો, બાગ-બગીચા, બાંધકામ સાઇટ અને કૃષિ સિંચાઇ માટે આપીને મહાનગરો પોતાના આવકના સ્ત્રોત ઊભા કરી શકે.

મુખ્યમંત્રીએ ભાવનગર-સૂરત જેવા નગરોએ આ ક્ષેત્રે જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેને અન્ય મહાનગરો પણ અનુસરે તેવું સૂચન કર્યુ હતું. આ માટે બધા જ મહાનગરોમાં સંપૂર્ણપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૧ વર્ષમાં ઊભા થઇ જાય તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. વિજય રૂપાણીએ મહાનગરોમાં ટી.પી. સ્કીમ મંજૂરી અને આવી ટી.પી. સ્કીમમાં રસ્તા પહોળા કરવા, ગટર સહિતના જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરવાની બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહાનગરોની અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ પોતાના હસ્તકના પ્લોટના વેચાણ દ્વારા પણ મૂડી ઊભી કરી શકે અને શહેરોના વિકાસ માટે આર્થિક સક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટેના સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીએ મહાનગરોમાં જળસંચય અભિયાન અંતર્ગત આગામી ફેબ્રુઆરી-ર૦૧૯થી કામો શરુ કરીને સમયબધ્ધ આયોજન માટે પ્રેરણા આપી હતી. તેમણે નદી, તળાવો, કાંસ સફાઇ, જળસંગ્રહ ક્ષમતા વૃધ્ધિ, પાણીના લીકેજીસ બંધ કરી જળ વ્યય અટકાવવો જેવી બાબતોને આ અભિયાનમાં આવરી લેવાની પણ સૂચનાઓ આપી હતી. તેમણે ઉમેર્યુ કે, આ બધા જ જનસુખાકારીના કામોની નાગરિકોને અનૂભુતિ થતાં જ તેનો વિશ્વાસ વધશે અને વિકાસના નવા આયામો પાર પાડી શકાશે.

વિજય રૂપાણીએ મહાનગરોમાં પરસ્પરની બેસ્ટ પ્રેકટીસીસ શેર કરવા એક બીજા મહાનગરોની મૂલાકાત, સંકલિત અભિગમથી બેઠકો અને આપસી આદાન-પ્રદાન માટે પણ હિમાયત કરી હતી. તેમણે મુખ્યમંત્રી શહેરી આજીવિકા યોજના સહિત મહાનગરોની વિવિધ યોજનાઓની સમીક્ષા સંબંધિત મહાનગરોના પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ કરી હતી.

શહેરી વિકાસના અગ્ર સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ સહિત શહેરી વિકાસ વિભાગ, પાણી પૂરવઠા, સિંચાઇ સહિતના વિભાગોના સચિવો, અધિકારીઓ, ડાયરેકટર મ્યુનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન સહિત સંબંધિત અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

error: Content is protected !!