૭૧માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ

ગાંધીનગર, દેશગુજરાત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રના ૭૧મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ૬ કરોડ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્રને ચરિતાર્થ કરીને આપણે સૌ એક થઇ – નેક થઇને સુરાજ્યનું નિર્માણ કરવા આહ્વાન કર્યું છે. તેમણે ૭૧મા સ્વાતંત્ર્ય પર્વે રાજયના સુશાસનને વધુ સુદૃઢ બનાવવાની અમારી નેમ છે તેમ જણાવી કહ્યું કે, ૩૬૫ દિવસમાં ગુજરાતની નિર્ણાયક સરકારે ૩૬૫થી વધુ જનહિતકારી નિર્ણયો કર્યા છે અને ૮૦ હજારથી વધુ યુવાનોને એક વર્ષના ટૂંકાગાળામાં રોજગારી આપી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજોગ સંદેશો પાઠવતાં જણાવ્યું છે કે, આપણે ૭ દાયકાથી આઝાદીની આબોહવામાં પ્રગતિ કરી રહ્યા છીએ. હિન્દુસ્તાનને સ્વરાજ મળ્યું ૧૯૪૭માં, પણ આપણા આઝાદીના જંગની તવારીખમાં તો નેવું વર્ષની લાંબી સંઘર્ષયાત્રા રહી છે.

પૂજય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા અનેક- અનેક પરાક્રમી પૂર્વજોએ ભારતમાતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુકત કરવા આહૂતિ આપી હતી. આઝાદીની તમન્નામાં જિંદગી ખપાવી દેનારા બધા ક્રાંતિકારી ત્યાગી-તપસ્વી શહીદો  અને વીર પૂર્વજોને વંદન કરવાનો, તેમનું ઋણ સ્વીકાર કરવાનો આ સ્વાતંત્ર્ય દિવસ એક અવસર છે.

હિન્દુસ્તાનના આ ૯૦ વર્ષના સ્વાતંત્ર્ય જંગમાં ગુજરાત હંમેશા અગ્રીમ રહ્યું છે. સ્વાતંત્ર્ય-સ્વરાજ્યની પ્રાપ્તિ પછી સુરાજ્યની યાત્રા એ આપણી મંઝીલ હતી. આપણે સ્વરાજ્ય મેળવ્યું પણ સુરાજ્યનું સપનું અધુરૂં રહી ગયું હતું. આઝાદીના ૬ દાયકા સુધી દેશવાસીઓના સુરાજ્યના સપનાં સાકાર થયા નહિ. આવા ઘોર નિરાશાના વાતાવરણમાંથી હવે દેશ સુરાજ્ય અને સુશાસનની કેડી કંડારી રહ્યો છે. ગૌરવ તો એ વાતનું છે કે, સુરાજ્ય અને સુશાસનની આ મંઝિલનું નેતૃત્વ પણ ગુજરાતના જ એક સપૂત-આપણા લોકલાડીલા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઇએ સવાસો કરોડ દેશવાસીઓને ‘દેશ બદલ રહા હૈ’ની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. યુવા વર્ગ હોય કે ખેડૂતો, ગ્રામીણ હોય કે નારીશકિત હોય કે, વંચિત હોય કે ગરીબ અદના નાગરિકો; સૌ કોઇને વિકાસના સમાન અવસર નરેન્દ્રભાઇએ આપ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડીયા, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, ઉજ્જવલા, ઊજાલા, જન ધન યોજના, આવી અનેકાનેક પહેલરૂપ યોજનાઓથી ભારત એક શકિતશાળી અને વિકાસશીલ રાષ્ટ્ર તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે. નોટબંધીનો નિર્ણય હોય કે પછી સર્જીકલ સ્ટ્રાઇક હોય નરેન્દ્રભાઈએ દેશની પ્રતિષ્ઠાને ગૌરવ અપાવ્યું છે.

નરેન્દ્રભાઇએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસની જે નવી ઊંચાઇઓ અને વૈશ્વિક બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યા હતા તેને આજે કાશ્મીરથી કન્યાકુમારી અને અંબાજીથી આસનસોલ-આખોય દેશ એકરૂપ બનીને અનુસરે છે. ભારત એક રાષ્ટ્ર તરીકે આજે વિશ્વભરમાં જગતગુરૂ બનવા સક્ષમ બન્યું છે. નરેન્દ્રભાઇએ વિકાસની રાજનીતિનો જેના થકી નવો અધ્યાય રચ્યો છે તે જ ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ આપણો મંત્ર બન્યો છે. હું સ્પષ્ટપણે માનું છું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની વ્યાખ્યા આપી છે. જાહેરજીવનમાં ખૂબ જ ઊંચા મૂલ્યોને પ્રસ્થાપિત કર્યા છે. તેમણે કહ્યું હતું કે, આજના આ વૈશ્વિક સ્પર્ધાના યુગમાં વિકાસની ચર્ચા થાય, સ્પર્ધા થાય એ સ્પર્ધાના આધારે જ વિકાસનું મૂલ્યાંકન થાય. હવે વિકાસ વગર ચાલવાનું નથી. ચાલશે પણ નહીં, વિકાસને દોડાવવો પડશે. લોકોના કામ જલ્દી થાય, લોકોને કામની ડિલિવરીમાં રસ છે. વિકાસના પરિણામો લોકો જૂએ છે.

રાજનીતિનું જે કલેવર બદલાયુ છે તે અનુસાર વિકાસની રાજનીતિ સાથે સંપૂર્ણ પારદર્શિતા, ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના સુશાસન સ્તંભ પર ગુજરાતમાં અમારી સરકારે કામ કરી રહી છે. એમ કહીને વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર અને પ્રજા વચ્ચે એક આત્મિય સંબંધો ઉભા થયા છે. આજના આ ૭૧મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમારો પ્રયાસ છે સુશાસનને વધુ મજબૂત બનાવવું. માત્ર સત્તા ચલાવવી કે સરકાર ચલાવવી એવા સીમિત ઉદ્દેશ્યથી અમે કામ કરનારા લોકો નથી. ૭૧મા આઝાદી પર્વે ગૌરવ સાથે કહેવું છે કે, સત્તાને સેવાનું માધ્યમ બનાવી જન-જનનો વિકાસ, દરેકની સુખાકારીની ખેવના, છેવાડાના માનવી સુધી સુવિધા અને વિકાસના ફળો પહોચાડવા અમે સફળતાપૂર્વકનો જનસેવા યજ્ઞ આદર્યો છે. આ જનસેવાને વરેલી અમારી સરકારે એક વર્ષમાં ૩૬પ દિવસમાં પોણા પાંચસોથી વધુ લોકોના સુખના નિર્ણયો કરીને સાચા અર્થમાં ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવ્યો છે.

ગુજરાત સરકાર યુવાનો અને વિદ્યાર્થીઓની સરકાર છે. ૬પ ટકાથી વધુ જનસંખ્યા આજે ગુજરાતમાં ૩પ વર્ષથી નીચેની છે. યુવાનોની શકિતનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણમાં યોગ્ય રીતે થાય તે અમારી દિશા છે. ગુજરાતમાં આપણે યુવાશકિતને અનેક નવા અવસરો આપીને વિશ્વની સમકક્ષ કરવાનો આપણો પ્રયત્ન છે. રાજ્યના હોનહાર યુવાનો- વિદ્યાર્થીઓને નવિન વિચારોને મૂર્તિમંત કરવા, તેમને પાંખો આપવા સ્ટાર્ટ અપ મિશનથી જોડીએ છીએ. યુવાશક્તિ રોજગાર માટે બેરોજગાર થઇને, લાચાર થઇને બેસે નહીં. યુવાશક્તિને રોજગારી મળે એ જોબ સીકર નહિ, જોબ ગીવર બને તેવો રાજ્ય સરકારનો ધ્યેય છે.

આજના આધુનિક યુગમાં યુવાનને આંગળીના ટેરવે વિશ્વ આખાનો જ્ઞાન ભંડાર સરળતાથી મળી રહે તે સરકારની નેમ છે, એમ કહીને શ્વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સાડા ત્રણ લાખ કોલેજીયન વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની યોજના શરૂ કરી દીધી છે. રાજ્યના વહીવટમાં યુવાશકિતના જોમ-જુસ્સા તરવરાટથી રાજ્યનો વહીવટ પણ નવી  યુવાની પ્રાપ્ત કરે તે માટે આ એક જ વર્ષમાં ૮૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. સરકારી સેવાઓમાં GPSCની વર્ગ-૧ અને વર્ગ-રની સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિયમિત બે વર્ષે થાય તેવો નિર્ણય કર્યો છે. ‘હર હાથ કો કામ’ એ પંડિત દીનદયાળજીની પરિકલ્પનાને શાસન મંત્ર બનાવ્યો છે.

આ સરકાર ખેડૂતોની સરકાર છે. રાજ્યના ખેડૂતોનું હિત સરકારને હૈયે વસેલું છે. ખેડૂતના બાવડામાં કૃષિ કલ્યાણ યોજનાઓથી આ સરકારે નવું બળ પૂર્યું છે, એમ કહીને શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે, રાજ્યની પ૮ ટકા જમીન સૂકી, ખારાશવાળી અને રણપ્રદેશની હોવા છતાંય ખેતીમાં હાઇએસ્ટ પ્રોડકશન થાય, પાછલા દોઢ દાયકામાં કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટે પહોંચાડયો છે.

ખેડૂતોને વિપુલ પાક લેવા માટે વીજળી, પાણી, ખાતર સરકારે અવિરતપણે અસ્ખલિત રીતે આપ્યું છે. આ સરકારે ર૦૧૩ સુધીના પડતર ખેડૂતોના વીજ જોડાણો ર૦૧૭ના અંત સુધીમાં આપી દેવાનો નિર્ણય કરીને, સવા લાખથી વધુ વીજ જોડાણો ખેડૂતોને આપીને ખેડૂતને વીજળી અને પાણી પુરતું મળી રહે તેની ચિંતા કરી છે. ખેડૂતોને હયાત ખેતીવાડી વીજજોડાણ સર્વે નંબરમાં જ બીજું વધારાનું ખેતી વીજજોડાણ આપવાનો પણ સરકારે ઉદારતાપૂર્વક નિર્ણય કર્યો છે. ધરતીપુત્રોને વીજળી અને પાણી અસરકારક રીતે આપીને એક હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ ગુજરાત આજે કરી રહ્યું છે. નર્મદા મૈયાના જળ કેવડીયાથી કચ્છ સુધી કેનાલો મારફતે પહોચાડીને સફળ આયોજન કર્યું છે. સરદાર સરોવર યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી ૩૮ શાખા નહેરો અને તેના નેટવર્કથી કમાન્ડ એરીયા પણ વધાર્યો છે અને કમાન્ડ એરિયામાં લાખો એકર જમીન ખેતીલાયક બનાવી છે.

‘સૌની’ યોજના અંતર્ગત અલગ અલગ ડેમમાં, તળાવોમાં પાણી ચાલુ થઇ ગયા છે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ભરીને સૌરાષ્ટ્ર પણ હરિયાળી ક્રાંતિમાં પાછળ ન રહે એ આપણું લક્ષ છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના પાઇપલાઇન દ્વારા ૩૦૦થી વધુ તળાવો ભરીને ઉત્તર ગુજરાતની ૩૦ હજાર એકરથી વધુ જમીનને પીયતનો લાભ આપ્યો છે. ધરતીપુત્રોને પાકની સુરક્ષા માટે રોઝ અને ભૂંડના ત્રાસથી મુકત કરાવવા કાંટાની વાડ બનાવવા ૭પ૦ કરોડનો ખર્ચ કરીને પાકની સુરક્ષા માટે સરકારે વ્યવસ્થા કરી છે. તૂવેર અને મગફળીની ગયા વર્ષે ૧૬૦૦ કરોડની કિંમતની ટેકાના ભાવે ખરીદી કરીને સરકારે ખેડૂતોને રક્ષણ આપ્યું છે.

આ ૭૧મા સ્વાતંત્ર્ય દિવસે સૌથી મોટી ખુશીની વાત એ છે કે ૧૯૪૬માં સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા યોજના- સરદાર સરોવર ડેમની કલ્પના કરી હતી-સ્વપ્ન સેવ્યું હતું અને ર૦૧૭માં નરેન્દ્રભાઈ મોદીએ- ભારતના વડાપ્રધાને દરવાજા બંધ કરવાની પરવાનગી આપીને ડેમનું સંપૂર્ણ કામ પુરૂં કર્યું છે. ડેમના દરવાજા બંધ કરીને ગુજરાતના વિકાસના દરવાજા સંપૂર્ણ ખોલી આપ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતને દશે-દિશાએથી આપણે વિકાસ તરફ લઇ જવા માંગીએ છીએ. તેમણે કહ્યું હતું કે, આ સરકાર વંચિતો-ગરીબોની સરકાર છે. દરેક નાગરિકના નાના-મોટા પ્રશ્નોનો સમયસર અને ધક્કા ખાધા વગર, પૈસા દીધા વગર પૂરાં થાય એટલા માટે સ્થળ પર જ સરળ ઉકેલ લાવવામાં માનનારી સરકારે ૬૮ લાખથી વધુ લોકોએ ઘર આંગણે પ્રશ્નો ઉકેલીને સુરાજ્યના ફળ લોકો સુધી પહોંચાડયા છે.

સેવાસેતુ દ્વારા સારો વહીવટ લોકોને આપી શકયા છીએ. રાજ્યના ગરીબો માટે ‘મા’ વાત્સલ્ય કાર્ડ, દિવ્યાંગ માટે પણ અલગ-અલગ યોજનાઓ દ્વારા ગરીબોને મદદરૂપ થઇ રહ્યા છીએ. ‘ગરીબી હટાવો’ એ માત્ર નારાઓ હતા પરંતુ આપણે વાસ્તવમાં ગરીબોને મદદ કરીને ટેકો આપીને નોંધારાનો આધાર બનીને આ સરકાર ગરીબોની સરકાર બનવા માટે આગળ વધી રહી છે. ગરીબ કલ્યાણ વર્ષમાં ગરીબોને સ્વનિર્ભર કરવા ગરીબોને સાધન-સહાય આપી રહ્યા છીએ. ૧પ લાખ ગરીબોને ૧૦પ ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૩૮૦૦ કરોડની સહાય કરીને દરીદ્રનારાયણોની સેવાની તક ઝડપી છે. કીડીને કણ ને હાથીને મણ લોકો માટે વ્યવસ્થા કરી છે. સરકારે ગામડાંના ગરીબ-વંચિત- શોષિત પીડિતની ચિંતા કરી છે.

બાંધકામ શ્રમિકો; દિવસ-રાત મહેનત કરે છે એ શ્રમિકોને ભરપેટ ખાવાનું પૌષ્ટિક આહાર મળે તે માટે રૂા. ૧૦માં બાંધકામ શ્રમિકોને અન્નપૂર્ણા યોજના દ્વારા ભોજન આપીને આ સરકાર શ્રમિકોની પડખે ઉભી રહી છે. રોટલા સાથે ઓટલાની ચિંતા પણ કરી છે. ગરીબ લોકો માટે આ સરકારે ૩ લાખ ૮ર હજાર આવાસો ગામડામાં બાંધ્યા છે. શહેરોમાં પણ બીજા ત્રણ લાખથી વધુ આવાસો બાંધી ૭ લાખ ગરીબોને ઘરના ઘરના  પોતાના મકાન કરી આપ્યા છે.

૪ર લાખ પરિવારોને ‘મા’ અમૃતમ્ અને ‘મા’ વાત્સલ્ય યોજના દ્વારા ગરીબોને મોંઘા ઓપરેશન આ સરકાર કરાવી આપી રહી છે. બે લાખ ઓપરેશનનો ખર્ચ આ સરકાર ભોગવે છે. ગરીબોને સસ્તી દવાઓ મળે તે માટે જૈનેરિક મેડીકલ સ્ટોર્સ ગુજરાતમાં ખોલીને ૭૦ ટકાથી વધુ ડિસ્કાઉન્ટવાળી દવા ગરીબોને પ્રાપ્ત થાય, દવા વગર સારવાર વગર ગરીબ કોઇ રહી ન જાય એની સરકારે ચિંતા કરી છે. આવા પરિવારોને ગંભીર બિમારીના કિસ્સામાં બે લાખ રૂપિયાની કેશલેસ સારવાર પૂરી પાડી છે. યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા પણ અમે વધારીને દોઢ લાખની કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જેનેરિક દવાના સ્ટોર્સ મારફતે સસ્તી દવા લોકોને ગામડે- ગામડે મળે એ આ સરકારનો અભિગમ છે. રાજ્યમાં પ૦૦ પંડિત દીનદયાલ ઉપાધ્યાય જનઔષધિ સ્ટોર્સ-જેનેરિક દવાના સ્ટોર્સ શરૂ કર્યા છે. આ સ્ટોર્સમાંથી સસ્તી અને ગુણવતાયુકત દવાઓ ૪૦ થી ૮૦ ટકા ઓછા ભાવે ર૪ કલાક ઉપલબ્ધ છે. અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગરીબ-પછાત દર્દીઓને સુપર સ્પેશ્યાલિટી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા નવી મેડિકલ પોલિસી અન્વયે ગ્રામીણ વિસ્તારોમાં આવી હોસ્પિટલો સ્થાપવા રાજ્ય સરકાર સહાયક બને છે. જન્મજાત બધિરતા ધરાવતા બાળકોને શ્રવણશકિત આપવા કોકલીયર ઇમ્પ્લાન્ટ માટે રૂ. ૬ લાખનો ખર્ચ સરકાર ઉઠાવે છે. ગરીબ-આદિજાતિઓમાં વ્યાપક રૂપે જોવા મળતા સિકલસેલ એનિમિયા, હિમોફિલીયા દવા-સારવાર વિનામૂલ્યે આપીયે છીયે.

તેવી જ રીતે સરકારે હૃદય અને કીડની માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સ માટે પણ અડધો ખર્ચ રાજ્ય સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. આઝાદીના સાત દાયકા, ગરીબ-કલ્યાણ -ગ્રામીણ કલ્યાણ, આદિવાસી કલ્યાણ, દ્વારા આપણે અનેક કાર્યક્રમો કર્યા છે. ગરીબોને સારું પીવાનું પાણી અને ફલોરાઇડ મુક્ત પાણી મળે એ માટે સરકારે સરફેસ વોટર દ્વારા પાણી આપી ઘરે ઘરે નળ અને એના દ્વારા શુદ્ધ પાણી દ્વારા જીવનધોરણમાં મોટો તફાવત થાય. સોશિયલ અને ઇકોનોમિક્સ પરિવર્તન આવે એ માટેના પ્રયત્નો કર્યા છે અને આવનારા દિવસોમાં ગુજરાત હેન્ડપમ્પ ફ્રી બને એ દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે.

તેમણે કહ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ એ આપણી ઓળખ બની ગઇ છે અને દર બે વર્ષે એક વાયબ્રન્ટ સમિટના આયોજન દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને એમાં નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપણે ભારતને ઉદ્યોગોમાં સ્વાવલંબી બનાવ્યું છે, વધુને વધુ મૂડી રોકાણ આવે એના દ્ધારા MSME ઉદ્યોગપતિઓ, પૂંજી નિવેશકોને સારું પ્રોત્સાહન મળે એ માટે ગુજરાત સરકારે ૧૭ પોલીસીઓ જાહેર કરી છે અને એપોલીસીઓ દ્વારા ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ બન્યુ છે અને ઇકો ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ ગુજરાત આગળ છે અને એના દ્વારા વધુને વધુ મૂડીરોકાણ અને વધુને વધુ રોજગારી અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે, ગ્રોથ એન્જિન બને એ પ્રકારનું રાજ્ય સરકારનું આયોજન છે.

શાંતિ-સલામતી- સુરક્ષા એ પ્રગતિનો આધાર છે અને એટલા માટે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી માટે કડક હાથે કામ કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે. દારૂબંધી અસરકારક રીતે અમલી બને, પીઠાં ચલાવનારાઓ-દારૂની હેરાફેરી કરનારાઓ, બૂટલેગરોને સાત વર્ષથી માંડીને આજીવન કેદની સજા થાય એ પ્રકારના સરકારે કડક કાયદા બનાવ્યા છે. યુવાનો નશાની લત-ચૂંગાલમાં ફસાય નહીં એ માટે હુક્કાબાર બંધ કરાવ્યા છે. ગુજરાતનો યુવાન નશામુક્ત બને -વ્યસનમુક્ત બને એ આપણા બધાનો સંકલ્પ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગાયને આપણી સંસ્કૃતિમાં માતા કહી છે. ગૌ-ગંગા-ગાયત્રી- ગીતા એ આપણા સહુના સન્માનનીય પ્રતિક છે. ગુજરાતમાં ગૌવંશ હત્યાના કાયદાનો પણ કડક રીતે અમલ થાય એ માટેના પણ પ્રયત્નો કરીએ છીએ. ગૌ-વંશની કતલ કરનારાઓને જેલના સળીયા પાછળ ધકેલવાની, આજીવન કેદ સુધીની સજાની આખા ભારતમાં સૌથી કડક સજાની જોગવાઇ આજે ગુજરાતે કરી છે. ગાંધી-સરદાર નરેન્દ્રભાઇ મોદીના પદ્દચિન્હો પર ચાલીને ગુજરાત આગળ વધ્યું છે. પરિશ્રમની પરાકાષ્ટા સંદર્ભે ગુજરાતે અનેક કદમ ઉઠાવ્યા છે, એવી જ રીતે ગરીબોને પોતાના ઘરના ઘર અને સૂચિત સોસાયટીઓ, યુ.એલ.સી.માં ગરીબો લાખોની સંખ્યામાં વસે છે એમને કાયદેસર કરવાનું રેવન્યુ જગતનો એક ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

એવી જ રીતે ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકોને સારું શિક્ષણ મળી રહે. જે ખાનગી શાળાઓ વધુ ફી લે છે એને ’રૂકજાઓ’ કહેવા માટે ફી નિયંત્રણ કાયદાને પણ કડક કરીને સરકારે શિક્ષણમાં વેપાર ન થાય, લોકોને શિક્ષણ પ્રાપ્ત થાય એ દિશામાં પણ સરકાર આગળ વધી છે. કુદરતી આફતો માટે પણ પુરુષાર્થનો જંગ સરકારે લડ્યો છે, પ્રજાએ લડ્યો છે. ગુજરાતે લડ્યો છે.

તાજેતરમાં જ બનાસકાંઠા-પાટણમાં પૂરનું જે તાંડવ થયું, પાણીનો પ્રકોપ થયો એની સામે પણ ગુજરાત-પ્રજા-સરકાર-તંત્ર- લશ્કર- એન.ડી.આર.એફ. આપણે સહુ સાથે મળીને, એ બચાવનું કામ હોય કે રાહતનું કામ હોય. સરકાર આખી બનાસકાંઠામાં પહોંચી ગઇ હતી. પાંચ-પાંચ દિવસ સુધી આખી સરકારે લોકો વચ્ચે રહી લોકોને હૂંફ આપીને ત્યાં ને ત્યાં લોકોપયોગી નિર્ણય કરીને સરકારે રૂા.૧૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરીને દુઃખમાં લોકોની પડખે ઉભા રહીને લોકોને નવો જોમ અને જુ્સ્સો આપ્યા છે. પૂરનો પ્રકોપ – થવાનું હતું તે થયું છે, પરન્તુ હવે માનવીનો પુરુષાર્થ એને ઉભો કરવાનો છે. બનાસકાંઠા અને પાટણ ઝડપથી જ્યાં પણ અસર થઇ છે એમાંથી આપત્તિને અવસરમાં પલટાવીને આપણે આગળ વધીએ. ગુજરાતની જનતાએ એક સાથે ઉભા રહીને સહકાર આપ્યો છે. એમને પણ આજના દિવસે અભિનંદન આપું છું. ગુજરાતની વિકાસ યાત્રામાં જોડાવા આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ સહુને આહ્વવાન કરું છું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને આહ્વાન આપતાં જણાવ્યું હતું કે, ચાલો, આપણે સહુ સાથે મળીને વિકાસની આ યાત્રામાં – પ્રગતિની યાત્રામાં ગુજરાત ગ્રોથ એન્જિન બની રહ્યું છે ત્યારે આપણે આઝાદીના પર્વની સાચા અર્થમાં સુરાજ્યનો સંકલ્પ કરીને આપણે સહુ, સૌનો સાથ- સૌનો વિકાસ, જ્ઞાતિ- જાતિ-ધર્મો- પ્રાન્ત, ભાષાથી ઉપર ઉઠીને સૌ એક થઇને – નેક થઇને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરાજ્યની કલ્પના કરીને સારામાં સારું સ્વરાજ્ય આપણે સહું ઉભું કરીએ. ભષ્ટ્રાચાર મુક્ત – ગરીબી મુક્ત, શોષણયુક્ત આપણે ગુજરાતને આગળ વધારીએ અને ભારતને જગતજનની બનાવીએ, પરમ વૈભવ પર બિરાજીત કરીએ. તેમણે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સહુને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

error: Content is protected !!