જાપાનના એક્ષ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જેટ્રો)ના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રીની બેઠક

ગાંધીનગર: અમદાવાદમાં શુક્રવારે જાપાનીઝ એક્ષ્ર્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જેટ્રો)ના પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બેઠક યોજી હતી.

રૂપાણીએ ભારત અને જાપાનના વડાપ્રધાનની છેલ્લા બે દિવસની ગુજરાત મુલાકાતથી ગુજરાતના વિકાસ માટેના નવાં દ્વાર ખુલ્યાં હોવાનો મત વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બન્ને દેશોના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અને સતત ફળદાયી સંવાદને
કારણે ૧૫ નવી જાપાનીઝ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જેટ્રો જાપાની કંપનીઓને ગુજરાતમાં લાવવા માટે કાર્યરત છે. જેટ્રોના પ્રયત્નોને કારણે ગુજરાતમાં આવેલી કંપનીઓને ઉદ્યોગ માટેની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિજયભાઇએ કહ્યું કે, ગુજરાત અને જાપાન એવી ભૂમિ છે કે જેનો ઇતિહાસ, વ્યાપર, વાણિજ્ય અને ઉદ્યમશીલતામાં સમાન તત્વો રહેલાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટમાં જાપાન પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાતું રહ્યું છે અને તે રીતે ગુજરાતના વિકાસમાં ખભે ખભા મિલાવી જાપાને સાચી મિત્રતા નિભાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત ઔદ્યોગિકરણમાં અગ્રેસર છે. ભારતના જીડીપીમાં ૮ ટકા, ઔદ્યોગિક ક્ષેત્રે ૧૮ ટકા અને નિકાસમાં ૨૦ ટકા ફાળો ગુજરાતનો છે. ગુજરાતમાં અત્યારે ૮૦ જાપાની કંપનીઓ સફળતાપૂર્વક કાર્યરત છે અને ગુજરાતની ઉદ્યોગ સાનૂકુળ નીતિઓને કારણે વધુને વધુ કંપનીઓ ગુજરાતમાં આવે તે માટે જેટ્રો મદદરૂપ બની રહ્યું છે તે માટે મુખ્યમંત્રીએ જેટ્રોનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાત મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ, ટેક્ષ્ટાઇલ અને ફાર્માસ્યુટીકલ હબ બની રહ્યું છે તેની વિગતો આપી જણાવ્યું કે, ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે. બધી નીતિઓ સંપૂર્ણ પારદર્શક બનાવી છે, ગુજરાતમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે ત્યારે જાપાની કંપનીઓને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવામાં ખૂબ જ સાનૂકુળતા રહેશે. ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મેઇક ઇન ઇન્ડિયા ક્ષેત્રે આગળ ધપી રહ્યું છે ત્યારે જાપાન પણ પોતાની પાસે રહેલી ટેકનોલોજી અને જ્ઞાનનો અહિં રોકાણોમાં ઉપયોગ કરે તે સમયની માંગ છે.

ગુજરાતમાં ૨૦ લાખ જેટલાં સુક્ષ્મ – નાના ઉદ્યોગો કાર્યરત છે જેના દ્વારા ૧ કરોડ લોકોને રોજગારી ઉપલબ્ધ થાય છે તેનો ઉલ્લેખ કરી શ્રી વિજયભાઇએ કહ્યું કે, મોટા ઉદ્યોગની સ્થાપના સાથે તેને અનુકૂળ આનુસાંગિક ઉદ્યોગના વિકાસની પણ ગુજરાતમાં ખૂબ જ તકો રહેલી છે તેનો જાપાનીઝ કંપનીઓ લાભ ઉઠાવે.

નવા ઉભરતા બજારને પહોંચી વળવા જાપાન અને ભારત પાસે પૂરતી તક છે તે સાથે ભારત – જાપાનની આ મૈત્રી એશિયાની શાંતિ અને વિકાસ માટે પણ ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાત જાપાનીઝ કંપનીઓને આવકારવા તત્પર છે.  અમદાવાદના સાણંદ પાસે જાપાનીઝ પાર્ક બનવા જઇ રહ્યો છે ત્યારે ગુજરાત જાપાનનું બીજું ઘર બને તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આકાંક્ષાઓની પરિપૂર્તિ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

વિશ્વમાં જાપાનીઝ લોકોની છાપ ઇમાનદાર અને ઉદ્યમશીલ લોકોની છે ત્યારે જો જાપાનીઝ કંપનીઓ વધુ ને વધુ પ્રમાણમાં ગુજરાતમાં આવે તો તેને ભારતની મોટી વસતીના બજારનો લાભ મળવા સાથે ગુજરાતમાં પણ રોજગારના વ્યાપક અવસરો ઉભા થશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

જેટ્રોના ચીફ ડિરેક્ટર જનરલ કાઝુયો નાકાઝોએ ગુજરાત સરકારના ગુજરાતમાં ઉદ્યોગની સ્થાપના માટેના સાનૂકુળ વાતાવરણની સરાહના કરી હતી. જેટ્રો છેલ્લા ૧૦ વર્ષથી જાપાની કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે જેને લીધે ગુરુવારે ૧૫ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવાની તત્પરતા દર્શાવી છે અને હજુ વધુ કંપનીઓ ગુજરાતમાં આવે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. જેટ્રોની ઓફીસમાં પણ અમે નવા ઉદ્યોગકારો માટે બિઝનેસ સપોર્ટ સેન્ટર શરૂ કર્યું છેએમ તેમણે જણાવ્યું હતું.

શુક્રવારે ૬૦ લોકોનું જાપાની પ્રતિનિધિ મંડળ સાણંદ અને માંડલ ખાતેની કંપનીઓની મુલાકાતે જનાર છે. મુંદ્રા ખાતે પણ કેટલાક પ્રતિનિધિઓ મુલાકાતે જશે જેથી ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉપલબ્ધ તકોની તેમને રૂબરૂ જાણકારી મળે. તેમણે ગુજરાતની ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ નીતિની સરાહના કરી હતી અને જેટ્રોના પૂરા સહકારને મુખ્યમંત્રીને ખાતરી આપી હતી. આ બેઠક વખતે જી.આઇ.ડી.સી.ના ચેરમેન એમ.કે.દાસ, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડી.થારા તથા જેટ્રોના પદાધિકારીઓ તથા જાપાનીઝ પ્રતિનિધિ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!