ટોટાણા ધામના સંત સદારામ બાપાના અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી
May 15, 2019
ગાંધીનગર: મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતનાં કાંકરેજના ટોટાણા ધામના સંત સદારામ બાપાના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહી અંતિમ દર્શન કરી હ્વદયાંજલિ પાઠવી હતી.
સદારામ બાપાની પાલખીયાત્રા અને અંતિમ સંસ્કાર વિધિમાં લાખોની સંખ્યામાં જોડાયેલા શોકમગ્ન અનુયાયીઓ સાથે મુખ્યમંત્રીશ્રી પણ સહભાગી થયા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સદારામ બાપાને શોકાંજલિ આપતાં કહ્યું કે, ૧૧૧ વર્ષની વયે દેહવિલય પામેલા સદારામ બાપાની વિદાયથી રાજ્યમાં એક મોટી સંતશકિતની ખોટ પડી છે. સમગ્ર ગુજરાત માટે આજે દુઃખનો દિવસ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગરીબ, પીડિત, શોષિત સમાજના ઉત્કર્ષ, વ્યસનમુકિત માટે તથા આવા પરિવારોને ધર્મ-સંસ્કારના માર્ગે વાળવા આજીવન સદૈવ કાર્યરત રહેલા સદારામ બાપા જેવા સંતોના યોગદાનથી ગુજરાત ઉજળું છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે આપણી સંસ્કૃતિમાં આત્મા અમર છે તેવી માન્યતા છે ત્યારે પૂજ્ય સદારામ બાપુ જેવા સંત કોટિનો અમર આત્મા સદાય આપણા સૌ પર આશિષ વરસાવતો રહેશે.
તેમણે સંત સદારામ બાપાને માત્ર ઠાકોર સમાજ કે પછાત વર્ગોના જ નહિ, તમામ સમાજ માટે પથદર્શક સંત તરીકે નવાજીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
સદારામ બાપાના આ અંતિમ સંસ્કાર વેળાએ વિશાળ સંખ્યામાં અનુયાયીઓ, ઉત્તર ગુજરાતના ગામોમાંથી ભકત સમુદાય, વિવિધ રાજકીય અગ્રણીઓ અને સમાજ સેવીઓ પણ જોડાયા હતા.
સૌએ પૂજ્ય સદારામ બાપાના અંતિમ દર્શન કરી ભાવાંજલિ આપી હતી.
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે