મહાનગરોમાં વરસાદથી માર્ગોને થયેલા નૂકશાનની યુદ્ધના ધોરણે મરામત હાથ ધરવા મુખ્યમંત્રીની તાકીદ

ગાંધીનગર, દેશગુજરાત: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના આઠ મહાનગરોમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી શહેરી માર્ગોને થયેલા નૂકશાનની યુદ્ધના ધોરણે મરામત કામગીરી ર૦ ઓકટોબર સુધીમાં પૂર્ણ કરવા તંત્રવાહકોને તાકીદ કરી છે.

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યના આઠેય મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરના મેયર-સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનરો સાથે વીડીયો કોન્ફરન્સ બેઠક યોજી મહાનગરોની માર્ગોની સ્થિતિ, થઇ રહેલા મરામત કામોનો જાયજો મેળવ્યો હતો.

રૂપાણીએ ગુજરાતમાં સારા રસ્તા, સારી સ્વચ્છતા, સારી વ્યવસ્થાની જે આગવી છાપ જનમાનસમાં છે તે સતત જળવાઇ રહે અને નગરજનોને રસ્તા માર્ગોની મરામત, પેચવર્ક, રિપેરીંગ થઇ રહ્યા છે તેની સતત અને પ્રત્યક્ષ અનૂભુતિ થાય તે રીતે તંત્રવાહકો આપત્તિને અવસરમાં પલટાવી કાર્યરત થાય તેવો અનુરોધ કર્યો હતો. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, માર્ગો મરામતના કામો સમયસર અને ગુણવત્તાયુકત પૂર્ણ થાય તે અતિ આવશ્યક છે. ગુણવત્તા પ્રત્યે નિષ્કાળજી-બેદરકારી દાખવનારા ઇજનેરો-અધિકારીઓની જવાબદારી
ફીકસ કરી તેમની સામે યોગ્ય પગલાં લેવાશે.

મુખ્યમંત્રીએ મ્યુ. કમિશનરો, નાયબ કમિશનરો અને ઉચ્ચ અધિકારીઓને પણ આવા મરામત કામોની સ્થળ મૂલાકાત લઇને જાતે નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી. મહાનગરોનાં માર્ગોમાં થયેલા ખાડા ૧૦ દિવસમાં પેચવર્ક, રિસરફેસથી પૂરીને પૂર્વવત સ્થિતિ લાવવાની તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ શહેરી માર્ગો, સોસાયટીના રસ્તાઓ ત્વરાએ મરામત માટે વોર્ડ વાઇઝ કોર્પોરેટરો અને મહાપાલિકાના અધિકારીઓ સાથે બેસીને નૂકશાન પામેલા માર્ગોનું પ્રાયોરિટી લિસ્ટીંગ તથા થઇ રહેલા કામોની
પ્રગતિની સમીક્ષા નિયમીત પણે કરે તેવી સૂચના આપી હતી.

રૂપાણીએ રોજબરોજની આવી મરામત કામગીરીનો અહેવાલ શહેરી વિકાસ અગ્રસચિવને પહોચાડતા રહેવા પણ મ્યુ. કમિશનરોને સૂચન કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ચૂંટાયેલા પદાધિકારીઓ પણ પોતાના વોર્ડ, વિસ્તારના માર્ગોના મરામત કામોના સ્થળે જઇને કામગીરી નિરીક્ષણ કરે તેમ મેયરો-સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષોને સૂચવ્યું હતું. આગામી દિવાળી પહેલાં નગરોના રસ્તા, સોસાયટી, ગલી-કૂચીના માર્ગો પણ પેચવર્ક, રિસરફેસ અને રિપેરીંગથી પહેલાં જેવા જ બની જાય તેની તકેદારી રાખે તેમ તેમણે ઉમેર્યુ હતું.

પટેલે જનભાગીદારી વાળી યોજનાઓ પણ શરૂ કરવા અને જે મરામત કામોના ટેન્ડર આખરી થાય કે તૂરત જ કામ શરૂ કરાવી દેવા તંત્રવાહકોને સૂચનાઓ કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગરોને રસ્તા રિપેરીંગ હેતુથી
ફાળવાયેલ ગ્રાન્ટની રકમ અને તે અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ  એમ.કે.દાસ, શહેરી વિકાસ અગ્રસચિવ મૂકેશ પૂરી અને વરિષ્ઠ અધિકારીઓ આ વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

error: Content is protected !!