ડોકલામ મુદ્દે 100 મીટર પીછેહઠ માટે ચીન તૈયાર, પણ ભારત 250 મીટર માટે અડગ

નવી દિલ્હી, દેશગુજરાત: ડોકલામ મામલે છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવભર્યું વાતાવરણ છવાયેલું છે. આ મુદ્દે અનેકવાર ચીન તરફથી ભારતને ધમકીઓ પણ આપવામાં આવી છે. જોકે, દોઢ માસથી ચાલતા આ વિવાદ વચ્ચે ચીને આશ્ચર્યજનક રીતે પીછેહઠ માટે તૈયારી દર્શાવી છે. ચીની સેના ડોકલામના વિવાદિત વિસ્તારથી 100 મીટર પાછળ ખસવા માટે ખસવા તૈયાર છે, પરંતુ ભારત 250 મીટરને વળગી રહ્યું છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીનની સેના 250 મીટર પાછળ ખસશે ત્યારબાદ જ ભારતીય સેના પાછળ જશે.

ઉલ્લેખનીય છે કે, બંને દેશ વચ્ચે ડોકલામની સીમાને લઈને ચાલતા વિવાદને કારણે તકેદારીના ભાગ રૂપે ભારતીય સેનાએ ડોકલામની આસપાસના ગામો ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે. સેનાએ ડોકલામથી 250 મીટર દૂર નાથનાંગ ગામના લોકોને પણ ગામ ખાલી કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા વિવાદીત ભાગથી 1 કિ.મી.ના વિસ્તારમાં 80 તંબૂ તાણી  દીધા છે. ડોકલામમાં ચીન આ  ગતિવિધિ દ્વારા એક મોટી તૈયારીમાં હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ જ વિસ્તારમાં ભારતીય લશ્કરના 350 જવાનો  30 જેટલા તંબૂ તાણીને તૈનાત છે.

ઉલ્લેખનીય છે કે, હજુ બુધવારે જ ચીની અખબારનાં માધ્યમથી ભારતને યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હોવાની ધમકી અપાઇ હતી. હવે શાંતિથી સમાધાનની શક્યતાઓ નથી રહી, તેવું તેમાં જણાવાયું હતું. ત્યારે ચીનના આ આશ્ચર્યજનક નિર્ણયની ચોતરફ ચર્ચા ચાલી રહી છે.

error: Content is protected !!