ચીનની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની SAIC ગુજરાતમાં કાર પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા

અમદાવાદ, દેશગુજરાત: ચીનની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની SAIC મોટર કોર્પોરેશન લીમીટેડે ગઈકાલે એવી જાહેરાત કરી હતી કે તેઓ પોતાની સંપૂર્ણ માલિકીવાળું મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં સ્થાપવા માંગે છે. આ માટે SAIC દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની પસંદગી કરવામાં આવી છે પરંતુ ગુજરાત તેની પ્રથમ પસંદગી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતને પસંદ કરવા પાછળ કારણ એ છે કે આ વર્ષના એપ્રિલ મહિનામાં જ જનરલ મોટર્સનો હાલોલ પ્લાન્ટ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને હવે અહીં SAIC પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માંગે છે.

SAIC દ્વારા ગઈકાલે તેની ભારતીય સબસીડરી MG મોટર ઇન્ડિયાના રાજીવ ચાબાને પ્રેસિડેન્ટ અને પી બાલેન્દ્રનને, એક્ઝીક્યુટીવ ડીરેક્ટર નિયુક્ત કર્યા હતા.

બાલેન્દ્રને જણાવ્યું હતું કે જનરલ મોટર્સ સાથે વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને જો તેઓ તેમની ફેક્ટરી અમને બોજારહિત અને કોઇપણ અન્ય કોઈ જવાબદારી વગર સોંપવા માંગશે તો અમે તે ફેક્ટરી ટેકઓવર કરી લઈશું.

કંપનીએ ભારતમાં તે કેટલું રોકાણ કરશે એ બાબતે કોઈજ સ્પષ્ટતા નથી કરી પરંતુ તે 2019માં કાર્યરત થઇ જશે એવી માહિતી જરૂર આપી હતી.

SAIC ભારતમાં તેની MG (મોરીસ ગારાગસ) બ્રાંડ સાથે ઉતરવા માંગે છે જે જાણીતી બ્રિટીશ સ્પોર્ટ્સ કાર બ્રાંડ છે. SAIC દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં MG બ્રાંડ સાથે ઉતરવું એ તેની વૈશ્વિક રણનીતિનો જ એક ભાગ છે.

MG બ્રાંડનો પોતાનો 93 વર્ષનો ઈતિહાસ છે જે યુરોપીયન અને ગ્લોબલ ડીઝાઈન ધરાવતી સ્પોર્ટ્સ કાર બનાવે છે. ભારતમાં પણ તે ભારતીય કાયદાઓ, નિયમો અને ધારાધોરણોની અંદર રહીને ક્વોલીટી સ્પોર્ટ્સ કાર બનાવવા ઈચ્છે છે તેવું SAICના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!