સુરત, જામનગર, ભાવનગર, મુંદ્રા સહિતના શહેરો ઇન્ટર એર કનેક્ટિવીટીથી જોડાશે : નાગરિક ઉડ્ડયન મંત્રી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શનિવારે ચોટીલા ખાતે વૈશ્વિક કક્ષાના ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરતા કહ્યું હતું કે, સુરેન્દ્રનગર-રાજકોટ જિલ્લાની મધ્યમાં નિર્માણ થનાર આ આધુનિક એરપોર્ટના કારણે આવનાર દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા એકબીજા સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરશે. તેજ ગતિથી આગળ વધવાની સંભાવનાવાળા આ બે જિલ્લાઓને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા અહિં ભવ્ય એરપોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો છે. જેના પરિણામે આ વિસ્તાર સાથે સૌરાષ્ટ્રની સમૃદ્ધિના દ્વાર ખૂલશે.
હવાઇ ચપ્પલ પહેરનાર સામાન્ય વ્યક્તિ પણ હવાઇ મુસાફરી કરી શકે તેવો એવીએશન સેક્ટરના વિકાસ કરવાનું કાર્ય કેન્દ્ર સરકારે આરંભ્યું છે.

ચોટીલા ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને ઉક્ત સંદર્ભમાં કહ્યું હતું કે, એવીએશન પોલીસી થકી અમદાવાદ-મુંબઇ- ચેન્નઇ જેવા મોટા શહેરોની સાથે નાના-નાના શહેરોમાં પણ એર કનેક્ટીવીટી ઉપલબ્ધ બને તેવી સરકારની નેમ છે. જેને અનુરૂપ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ થનાર આ એરપોર્ટ ઉપરથી ભવિષ્યમાં ઇન્ટરનેશનલ સર્વિસ શરૂ થશે, એ દિવસો પણ હવે દૂર નથી.
વડાપ્રધાને ગુજરાતમાં નર્મદાના નીર થકી આવેલ સમૃદ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, નર્મદાના નીરનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નર્મદાના નીર થકી આ જિલ્લો આવનારા દિવસોમાં કૃષિના વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર બનશે અને રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. નર્મદાના નીરના દ્વારા આ જિલ્લાની કૃષિ સમૃદ્ધિમાં વધારો થયો છે. જેના કારણે જિલ્લાની જમીનની કિંમત પણ વધી છે. જેને ધ્યાને લઇ સરકારે હિરાસર ખાતે નિર્માણ થનાર આ ગ્રીનફીલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે ખેડૂતોની ઓછામાં ઓછી જમીન સંપાદન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. જેના પરિણામે આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની માત્ર ૪ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. બાકીની ૯૬ ટકા જમીન સરકારી બંજર જમીન છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, સરકારે માર્ગોના નવીનીકરણની સાથે ભવિષ્યના વિકાસને ધ્યાને લઇ માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે કામગીરી હાથ ધરી છે. જે અન્વયે અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ અને રાજકોટ-મોરબીના માર્ગને ચારમાર્ગીય કરવાનું કાર્ય હાથ ધરીને માર્ગ અકસ્માતોના નિવારણની સાથે સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખોલ્યા છે.

તેમણે કહ્યું હતું કે, ગતિ એ પ્રગતિ માટે જરૂરી છે, તેથી નિર્માણ થનાર છ માર્ગીય રસ્તા અને ચાર માર્ગીય રસ્તાએ મોરબી સહિતના સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિસ્તારના વિકાસને નવું બળ પુરૂ પાડશે. પાંચાળની પવિત્ર ભૂમિમાં રહેલા અનેકવિધ ધર્મસ્થાનકો-તીર્થસ્થાનોને જોડીને યાત્રાધામોના વિકાસનું કામ ગુજરાત સરકારે આરંભ્યું છે તેમ જણાવી વડાપ્રધાને આવા પાંચાળ વિસ્તારમાં નિર્માણ પામનાર
વૈશ્વિક કક્ષાના એરપોર્ટ થકી આવનારા દિવસોમાં આ યાત્રાધામોની સાથે અહીંનો તરણેતરનો મેળો આંતરરાષ્ટ્રીય ફલક સુધી વિસ્તરશે, તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

મોદીએ ખેડૂતોને આહવાન કરતા કહ્યું કે, હવે પાણીનું પ્રાણ જેટલું જ જતન કરવું પડશે અને ખેતર-ખેતરે સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવી પડશે. ખેડુતોએ વૈજ્ઞાનિક-આધુનિક ખેતી પદ્ધતિનો સ્વીકાર કરવો પડશે. નર્મદાના પાણી આ વિસ્તારમાં આવતા પશુપાલન પ્રવૃતિ વધી છે. તેથી સૂર સાગર ડેરી પશુ પાલકો માટે આવનારા દિવસોમાં સુખસાગર બનશે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન  મોદીના આ દોઢ દિવસના પ્રવાસમાં ગુજરાતને રૂ.૧૦ હજાર કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી નિર્ણયોના પરિણામે ગુજરાતના વિકાસને ગતિ મળી છે.

રૂપાણીએ ઉમેર્યું કે, અગાઉની કેન્દ્ર સરકારોમાં મુખ્યમંત્રીઓએ કુરનીશ બજાવવા જવી પડતી હતી. રાજ્યોના પ્રશ્નોના નિરાકરણ માટે વડાપ્રધાનને મળવાનો સમય પણ મળતો ન હતો. હવે, સ્થિતિ બદલાઇ છે, વડાપ્રધાન મોદી દિલ્હીથી પણ ગુજરાતની ચિંતા કરે છે.

રૂપાણીએ કહ્યું કે, અગાઉની કેન્દ્ર સરકારના સમયગાળામાં ગુજરાતના મહત્વના વિકાસ કામોને અવરોધવામાં આવતા હતા. હવે, ઝડપથી નિર્ણયો લેવાતા મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થવા પામ્યા છે તેમજ ક્રુડ ઓઇલની રોયલ્ટી મળી છે. ઉક્ત બાબતે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમના દરવાજા મુકવા તથા બાદમાં દરવાજા બંધ કરવાની મંજુરી મળતા નર્મદા ડેમનું કામ પરિપૂર્ણ થયું છે. ગુજરાતને એરપોર્ટ, બુલેટ ટ્રેન, નવી ટ્રેન, રેલવે માર્ગોને બ્રોડગેઝમાં પરિવર્તિત, આધુનિકરણ થવા જઇ રહ્યા છે. રાજકોટના હિરાસર ખાતે નિર્માણ થનાર આ એરપોર્ટને માત્ર આઠ માસમાં જ મંજુરી આપવામાં આવી છે. સંરક્ષણ, પર્યાવરણ, ઉડ્ડયન વિભાગની એન.ઓ.સી.
ફટાફટ મળી ગઇ છે. રેલવે યુનિવર્સિટી, મરીન પોલીસ એકેડમી ગુજરાતને મળવા જઇ રહી છે. સૌની યોજના માટે કેન્દ્ર સરકારે રૂ.૬ હજાર કરોડ આપ્યા છે.

લોકહિતમાં જીએસટીમાં લેવાયેલા નિર્ણયો બદલ વડાપ્રધાન મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જીએસટીમાં છુટછાટના કારણે દિવાળી પૂર્વે દિવાળી આવી છે. ગુજરાતના લધુ-મધ્યમ ઉદ્યોગો તથા વેપારીઓને તેનાથી ફાયદો થશે. વિકાસ એ ગુજરાતીઓનો જીવનમંત્ર છે. વિકાસ અમારા માટે મજાક નહી, મિજાજ છે તેમ તેમણે અંતમાં કહ્યું હતું.

નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતી રાજુએ એરપોર્ટ ભૂમિપૂજન પ્રસંગે વડાપ્રધાન મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેમની રાહબર હેઠળ ભારતે ઉડ્ડયન ક્ષેત્રે ઉંચી ઉડાન ભરી છે.

ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે, પ્રાદેશિક એર કનેક્ટિવિટી પ્રોજેક્ટ ‘ઉડાન’ શરૂ થતાં આંતર-શહેર જોડાણ હવાઇ માર્ગે લીંકઅપ થઇ રહ્યો છે. ૧૨૮ જેટલા હવાઇ મથકોને મંજુરી આપવામાં આવી છે. જ્યારે ૩૦ જેટલા નવા એરપોર્ટ માત્ર એક વર્ષમાં કાર્યાન્વિત થયા છે. ભાવનગર અને સુરત ખાતે રન-વેનું વિસ્તરણ અને સુરત ખાતે કાર્ગો સુવિધા ટુંક સમયમાં મળશે. ગુજરાતમાં સુરત , ભાવનગર, મુંદ્રા, જામનગર સહિતના શહેરો એકબીજા સાથે હવાઇ માર્ગે જોડાશે. પરિણામે વેપાર, રોજગારને વેગ મળશે તેમ મંત્રીએ કહ્યું હતું. રાજકોટમાં ૧૪૦૫ કરોડના ખર્ચે ૨૫૩૪ એકરમાં નવું એરપોર્ટ નિર્મિત થતા ૨.૩ મિલિયન પેસેન્જરો હવાઇ માર્ગે મુસાફરી કરી શકશે તેમ મંત્રીએ કહ્યું હતું.

ગજપતી રાજુએ કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં ૨૦ ટકાના ગ્રોથ સાથે ભારત વિશ્વમાં ૩જા નંબરનો કોમેસ્ટિક નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. વડાપ્રધાને આ તકે રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વૈશ્વિક આધુનિક ગ્રીન ફીલ્ડ એરપોર્ટનું, રૂપિયા ૨૮૯૩ કરોડના ખર્ચે ૨૦૧.૩૧ કિ.મી. લંબાઇના અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીયકરણનું તથા રૂપિયા ૩૭૫ કરોડના ખર્ચે રાજકોટ-મોરબી ૬૪.૮૦ કિ.મી. લંબાઇના રાજ્ય ધોરીમાર્ગના ચાર માર્ગીયકરણનું ભૂમિ પૂજન તેમજ સુરેન્દ્રનગર શહેરના ચાર ઝોનને દરરોજ પીવાનું પાણી પુરૂ પાડવા માટે રૂપિયા ૨૧.૫ કરોડના ખર્ચે નર્માણ પામેલ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ અને રૂપિયા ૭૫ કરોડના ખર્ચે સ્થપાયેલ દૈનિક ૨ લાખ લીટરની કેપેસીટીના ઓટોમેટીક દૂધ પ્રોસેસીંગ અને પેકીંગ પ્લાન્ટનું ડીઝીટલ માધ્યમથી ઉદઘાટન કર્યું હતું.
આ તકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રીઆનંદીબહેન પટેલ, મંત્રીમંડળના સભ્ય આત્મારામભાઇ પરમાર,  બાબુભાઇ બોખીરીયા, જયંતીભાઇ કવાડીયા,  જયદ્રથસિંહ પરમાર, શામજીભાઇ ચૌહાણ, સાંસદ શંકરભાઇ વેગડ, દેવજીભાઇ ફતેપરા, મોહન કુંડારીયા સહિત ધારાસભ્યો, અગ્રણીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!