નાગરિકો-વાહન ચાલકો ડ્રાઇવીંગ લાયસન્સ મુદત પૂરી થયાના ૩૬૫ દિવસ પહેલાં રીન્યુ કરી શકશે

ગાંધીનગર:રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સારથી-૪ સોફ્ટવેર અમલી બનાવાયું છે. જેના ભાગરૂપે, વેબવેઇઝ્ડ ઓનલાઇન પ્રથા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત નાગરિકોના ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુઅલ, ડુપ્લીકેટ વગેરે કામગીરી ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમીશન અને ઇ-પેમેન્ટ પ્રથા ફરજીયાત બનાવી છે. રાજ્યના નાગરિકો-વાહનચાલકો હવે ડ્રાઇવીંગ લાયસન્સની મુદત પૂર્ણ થયાના ૩૬૫ દિવસ પહેલાં સરળતાથી રીન્યુઅલ પ્રોસેસ કરી શકે છે એમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

વાહનચાલકો ડ્રાઇવીંગ લાયસન્સ મુદત પૂર્ણ થયાના પાંચ વર્ષ સુધીમાં આ રીતે પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવાની સગવડ પુરી પાડવામાં આવી રહી છે. ૫૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા અરજદારોને ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે તબીબી પ્રમાણપત્ર નિયત ફોર્મમાં ભરીને અપલોડ કરવાનું રહેશે. સમયમર્યાદાની અંદર ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરવામાં આવે તે માટે રૂા.૪૦૦/-ની ફી ઠરાવવામાં આવી છે. મુદત વીતી જાય પછી એટલે કે, ડ્રાઇવીંગ લાયસન્સની સમયમર્યાદા પુર્ણ થયાના એક માસ પછી ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરવામાં આવે તો પ્રતિ વર્ષ મોડું ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરવાના રૂા.૧૦૦/-ની વધારાની ફી ભરપાઇ કરવાની રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારનો વાહનવ્યવહાર વિભાગ રાજ્યમાં કાર્યદક્ષ વાહનવ્યવહાર કાર્યપદ્ધતિ અમલમાં આવે તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરે છે. જાહેર માર્ગો ઉપર ફરતાં વાહનોથી ફેલાતા પ્રદુષણ ઉપર નિયંત્રણ રાખવાની, ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરવાની, વિવિધ વર્ગ હેઠળ નોંધાયેલ વાહનોને પરમીટ ઇસ્યુ કરવાની, રાજ્યની આવકનાં મુખ્ય સ્ત્રોત સમા વાહનકરની વસુલાત સહીતની અનેક મહત્વપૂર્ણસેવાઓ વાહનવ્યવહાર વિભાગ દ્વારા થઇ રહી છે.

error: Content is protected !!