પંચમહાલ: શહેરા તાલુકાના વાઘજીપુર ગામે તળાવ ઊંડા કરવાના કામનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

પંચમહાલ:  પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે શ્રમદાતાઓ સાથે શ્રમદાન કરી તળાવ ઊંડુ કરવાના કામનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે (શુક્રવાર) પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે પ્રતિકાત્મક સાડી તેમજ શ્રમદાતોઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લામાં અંદાજે રૂા.૫૦ કરોડના વિવિધ ૧૨ વિકાસ પ્રકલ્પોનું ઇ-તકતી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
વિજય રૂપાણીએ સુજલામ્ સુફલામ્ જળ અભિયાનને વ્યાપક લોક સમર્થન મળી રહયું છે તેમ જણાવતાં ઉમેર્યુ હતું કે, મેન-મશીનરી અને મનીપાવરના ત્રિવેણી સંગમથી ગુજરાતે સમગ્ર દેશનું સૌથી મોટુ જળસંચયનું અભિયાન ઉપાડયું છે. જે રાષ્ટ્રને નવી દિશા ચીંધશે. આ કામગીરી માટે રાજયમાં ૪૦૦૦ જેસીબી સહિત ૧૨૦૦૦ ટ્રેકટર-ડમ્પર કામ કરી રહયા છે.

આ રાજયવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવાનું કામ લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે. તેનાથી આગામી ચોમાસામાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીની જળસંગ્રહ ક્ષમતા વધશે અને ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી પર દુકાળના ઓછાયા પડશે નહીં, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

Image may contain: 1 person, crowd and outdoor

મુખ્યમંત્રીએ જણાવ્યું કે જળસંચય અભિયાન દરમિયાન ખોદકામ સમયે નીકળતી ફળદ્રુપ માટી (કાંપ) ખેડૂતો પોતાના ખેતરોમાં પાથરી રહયાં છે. જેથી ખેડૂતોની જમીન ફળદ્રુપ થવા સાથે પાક ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતો સમૃધ્ધ થશે. મનરેગા હેઠળ તળાવો ઊંડા થતાં લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજયના વિકાસના પાયામાં પાણી છે. વિકાસને વરેલી આ રાજય સરકારે જ્ઞાતિ–જાતિ-વર્ગ-ધર્મ તેમજ પક્ષાપક્ષીથી દૂર રહી ગરીબો-વંચિતો-શોષિતો-પીડિતોના વિકાસ માટે સમગ્ર રાજયમાં સર્વગ્રાહી રીતે જળસંચય અભિયાન ઉપાડયું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ કોઇ ચૂંટણીલક્ષી અભિયાન નથી પરંતુ સમગ્ર ગુજરાતના કલ્યાણ માટેનું લોકઅભિયાન છે. રાજય સરકારે લોક સહયોગથી બેટી બચાવો, બેટી પઢાવો, વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન ઉપાડયાં છે જેના સકારાત્મક પરિણામો મળી રહયાં છે એ જ કડીમાં હવે આ અભિયાન ઉપાડીને ગુજરાતની ભાવિ પેઢીને જળસમૃધ્ધ બનાવવી છે.

Image may contain: one or more people, sky, crowd and outdoor

મુખ્યમંત્રીએ જણાવ્યું કે જળસંચય અભિયાન હેઠળ ૫૫૦૦ કિ.મી.ની કેનાલ સફાઇ તથા ૩૨ નદીઓને પુનઃજીવિત કરવામાં આવી રહી છે. જળ એ જીવન છે અને પાણી પ્રભુનો પ્રસાદ છે ત્યારે પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરવા નાગરિકોને તેમણે અનુરોધ કર્યો હતો.

આ અવસરે પંચામૃત ડેરી દ્વારા પંચમહાલ જિલ્લામાં જળસંચયના કામો માટે રૂા.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. ભવ્યકાંત શાહે જળસંચય માટે રૂા.૧૫ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.

ધારાસભ્ય જેઠા ભરવાડે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રેરિત રાજયવ્યાપી સુજલામ્ સુફલામ્ જળઅભિયાનને આવકારતાં જણાવ્યું હતું કે જળસંચય અભિયાન દરમિયાન શહેરા તાલુકાના ૬૫ તળાવોને ઊંડા કરવામાં આવશે. શહેરા તાલુકામાં તળાવો ઊંડા કરવાના ૨૫ કામો પૂર્ણ થયા છે. જયારે ૪૦ કામો પ્રગતિમાં છે. શહેરા તાલુકામાં આ કામગીરી માટે રૂા.૩૦ લાખનો આર્થિક સહયોગ સાંપડયો હોવાનું તેમણે ઉમેર્યુ હતું. પ્રારંભમાં કલેકટર ઉદિત અગ્રવાલે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે આભારવિધિ કરી હતી.

error: Content is protected !!