પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં તોડફોડ કરનાર 2000ના ટોળા સામે પોલીસે નોંધી ફરિયાદ

અમદાવાદ : હિન્દી ફિલ્મ પદ્માવતની રીલીઝ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે. મંગળવારે રાત્રે અમદાવાદમાં પદ્માવતનો વિરોધ કરી રહેલા તોફાની ટોળાએ જાહેર સ્થળો પર તોડફોડ કરવાની સાથે કેટલાક વાહનોમાં આગચંપી કરી હતી. સેટેલાઈટ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની જ સામેથી કેન્ડલ માર્ચ નીકળતી હતી. આ સમયે અચાનક જ અમુક અસામાજિક તત્વોનું ટોળું ગુલમહોર પાર્ક, ઈસ્કોન ચાર રસ્તા, ઈસ્કોન મોલ અને પછી સમગ્ર એસજી હાઈવેને બાનમાં લેતું આગળ વધતું ગયું હતું. વધુ હિંસક બનતા ટોળાએ મેક્સ કિચન, મિર્ચ મસાલા રેસ્ટોરેન્ટ પર પથ્થરમારો કર્યો હતો. આ ટોળું એક્રોપોલિસ મોલ પાસે પડેલા વાહનો પર તૂટી પડ્યું અને અનેક વાહનો સળગાવ્યા હતા. ટોળાને કાબુમાં લેવા પોલીસે હવામાં ફાયરીંગ કરવાની પણ ફરજ પડી હતી.

મંગળવારે અમદાવાદમાં ઉગ્ર બનેલા વિરોધ પ્રદર્શનને લઈને વસ્ત્રાપુર પોલીસે આલ્ફા વન મોલ, હિમાલયા મોલ અને એક્રોપોલિસ મોલમાં થયેલી ઘટનાને લઈને 3 ફરિયાદ નોંધી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન તોડફોડ કરનાર 1500થી 2000ના ટોળા સામે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આલ્ફા વન મોલની બહાર પીસીઆર વાનમાં પણ તોડફોડ કરાઈ હોવાનો ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલામાં 100 લોકોની અટકાયત કરી તેમને હેડક્વાર્ટર અને ક્રાઇમબ્રાન્ચ ખાતે લઈ જવાયા છે અને હવે રોડ પરના સીસીટીવી અને મોલના સીસીટીવી પરથી આરોપીની ઓળખ કરવામાં આવશે.

વસ્ત્રાપુર પોલીસે ત્રણ અને સેટેલાઇટ પોલીસે એક ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે આ બંને ગુનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાહનોને આગ લગાવવા અને તોડફોડ કરવાના મામલે 70 તોફાનીઓની ઓળખ કરવામાં આવી છે.

Related Stories

error: Content is protected !!