કોંગ્રેસ હંમેશાથી પાકિસ્તાની ભાષા જ બોલે છે : ભરત પંડ્યા

 ગાંધીનગર: પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસનાં નેતા શશી થરૂરે આપેલા નિવેદન સામે તીવ્ર પ્રત્યાઘાત આપતાં કહ્યું હતું કે, આતંકવાદીઓ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી ત્યારે પણ કોંગ્રેસે પાકિસ્તાનની ભાષા બોલી હતી અને સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા હતા અને કાશ્મીર મુદ્દે કોંગ્રેસના નેતાઓ હંમેશા લશ્કરે-તોયબાની જ ભાષા બોલ્યાં કરે છે.
પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત દેશ તેમજ સમગ્ર વિશ્વ આતંકવાદ સામે લડી રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા શશી થરૂરે ભારત દેશને આતંકવાદી પાકિસ્તાન સાથે સરખાવીને ભારતના સવા સો કરોડ દેશવાસીઓનું ઘોર અપમાન કર્યું છે.
પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે, ‘‘હિન્દુત્વ’’ અને ‘‘વસુદૈવ કુટુમ્બકમ્’’ની ભાવના સાથે જોડાયેલી આપણી સંસ્કૃતિ સમગ્ર વિશ્વને એક પરીવાર માને છે. કીડીને કણ, પંખીને ચણ, હાથીને મણ આપવાની આપણી હિન્દુ સંસ્કૃતિ છે. સમગ્ર જીવસૃષ્ટિ અને પર્યાવરણની ચિંતા કરવાની પ્રકૃતિની સામે કોંગ્રેસે પોતાની વિકૃતિ પ્રદર્શિત કરી છે. હિન્દુત્વ એ જીવનશૈલી છે. દેશની સંસ્કૃતિ, સભ્યતા અને પરંપરા એ હિન્દુત્વના આધારે વર્ણાયેલી છે. હિન્દુત્વ એટલે અહિંસા, પ્રેમ, સત્ય, કરૂણા અને માનવતા સાથે સામાજીક સમરસતા છે. હિન્દુત્વમાં વિવિધતા માં એકતા છે.
કોંગ્રેસે દેશને જ્ઞાતિવાદ, કોમવાદના ષડયંત્રો કરીને તોડવાનુ કામ કર્યું છે અને હજુ પણ આવા બેબુનિયાદ નિવેદનો કરીને દેશમાં કોમવાદને ઉશ્કેરી રહી છે. સતત હારતી કોંગ્રેસ પાર્ટીએ ફ્રસ્ટ્રેશનમાં દેશને બદનામ કરનારી વિકૃતિનું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે પોતાના હિત માટે દેશના બંધારણમાં ૮૮ વખત  ફેરફાર કર્યા છે અને ૩૫૬ ની કલમનો ૫૦ વખત દૂરૂપયોગ કર્યો છે. કોંગ્રેસે બંધારણ વિરોધી, સંસ્કૃતિ વિરોધી પોતાની વિકૃતિ પ્રકટ કરી છે. કોંગ્રેસને બંધારણ બાબતે એકપણ શબ્દ સુધ્ધાં ઉચ્ચારવાનો અધિકાર નથી. દેશ, દેશવાસી અને હિન્દુત્વને કોંગ્રેસ બદનામ કરવાનું બંધ કરે. તેમ પંડ્યાએ કહ્યું હતું.
પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રહિતના રંગમાં રંગાયેલી ભાજપા માટે બંધારણ હંમેશાથી સર્વોપરી રહ્યું છે અને રહેશે. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું વારંવાર અપમાન કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. ભાજપાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવન પ્રેરણા સ્વરૂપ બની રહે તે માટે અનેક કાર્યો કર્યા છે.

error: Content is protected !!