મહાન ઇતિહાસ, સામર્થ્ય અને ઉજ્જવળ પરંપરા ધરાવતું ભારત પાછળ રહી ગયું તે માટે કોંગ્રેસ જવાબદાર: મોદી

સુરત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે (ગુરુવારે) પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત અપડે તે પહેલા સુરતમાં ગુજરાત વિકાસ રેલીને સંબોધતાં કહ્યું કે, સુરતના લોકોની લાગણી આજે મને અહીં ખેંચી લાવી છે. બુધવારે ઓખી વાવાઝોડા અંગે હવામાન ખાતાની આગાહીના કારણે આપના દર્શને આવી શકાયુ ન હતું. મારે આપને મળવા ગઇ કાલે સાંજે જ આવવું હતું.
મોદીએ સુરતના લોકોના અપાર પ્રેમ અને લાગણી માટે કહ્યું કે,  વિશાળ જનસાગર આજે ઉમટી પડ્યો છે, અને રસ્તામાં નાગરિકોનો એટલો બધો સ્નેહ મળતો હતો કે, આજે એક બીજો રોડ શો થઇ ગયો. સુરત શહેર એ લહેરી લાલાઓનું શહેર છે, અને આજે વર્કીંગ દિવસ હોવા છતાં આ માનવ મહેરામણ ઉભરાયો છે, તે બતાવે છે કે, ૧૮મી તારીખે ચૂંટણીઓના શું પરીણામો આવવાના છે. ચાર દિવસથી ચાલતું હતું કે, ઓખી આવે છે, આવે છે, આવે છે, પરંતુ આવે છે, આવે છે, આવે છે કહેવાવાળું કશું આવે નહીં.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, ગુજરાતના ભાઇઓ અને બહેનોને જરાક પણ તકલીફ પડે તો મને દિલ્હીમાં ખબર પડે. સમગ્ર દેશમાં વિકાસના મુદા પર ચર્ચા નિકળે ત્યારે ગુજરાતે જે પ્રગતિ કરી છે, તેની ચર્ચા અવશ્ય થાય. આ દેશમાં બધાજ રાજ્યોએ સ્વિકારી લીધું કે, વિકાસની વાત કરવી હોય તો ગુજરાત જ તે ચર્ચાના કેન્દ્રમાં રહે. વિકાસના માપદંડ તરીકે ગુજરાત એક માપદંડ બની ગયું છે.
મોદીએ વધુમાં કહ્યું કે, ૭૦ વર્ષની આઝાદીમાં એક પરિવાર અને એક પાર્ટીનું દેશ પર ૫૦ થી ૫૫ વર્ષ રાજ રહ્યું. પંચાયતથી પાર્લામેન્ટ સુધી એકચક્રી શાસન ચાલતું હતું. ભારત આઝાદ થયું તે પછી, આઝાદ થયેલ દેશો વિશ્વમાં શિરમોર બનીને ઉભા થયાં છે. મહાન ઇતિહાસ, સામર્થ્ય, ઉજ્જવલ પરંપરા ધરાવતું ભારત પાછળ રહી ગયું તે માટે માત્રને માત્ર કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસે દેશમાં જે ખાડા કર્યા છે, તે ખાડા પુરવા માટે લાંબો સમય પણ ઓછો પડે. કેન્દ્રમાં ભાજપાની સરકાર બન્યાં પછી મને ખ્યાલ આવ્યો કે, કોંગ્રેસે દેશનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે. દેશને તેમાંથી ઉગારવા અને મજબૂત બનાવવા માટે કઠોર નિર્ણયો કરવા પડે છે. દેશે મારા પર ભરોસો મૂક્યો છે, અને ગુજરાતની ધરતીનું ધાવણ ધાવ્યું છે, ત્યારે આવા નિર્ણયો કરવામાં હું પાછી પાની નહીં કરૂં. અમે પડકારોને પડકારનારા લોકો છીએ. આફતને અવસરમાં પલટનાર લોકો છીએ. સંકટોમાંથી બહાર લાવીને વિકાસની નવી ઉંચાઇઓ સર કરનારા લોકો છીએ.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં બજેટ માત્ર ૧૦ હજાર કરોડનું હતું. ભાજપાની કાબેલીયત, કુશળતા અને ઇમાનદારીના કારણે ૧૦ હજાર કરોડનું બજેટ આજે ૧,૭૧,૦૦૦ કરોડ પર અમે લઇ આવ્યાં છીએ. કોંગ્રેસના લોકો લખેલી સ્ક્રિપ્ટો વાંચે છે, તેમને સમજ નથી પડતી કે કયો આંકડો કયાં બોલાય, ક્યો આંકડો ક્યાં મૂકાય. અમે ૧૨૫ કરોડ દેશવાસીઓને પાઇ પાઇ અને પળે પળનો હિસાબ આપવા તૈયાર છીએ.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, કોંગ્રેસ કહે છે કે વિકાસ ભાજપાને વારસામાં મળ્યો છે. કોંગ્રેસના શાસનમાં રેવન્યુ આવક રૂપિયા ૮૬૦૦ કરોડની આસપાસ હતી, જે વધીને અત્યારે રૂપિયા ૧,૧૨,૦૦૦ કરોડ જેટલી થઇ છે. તમારા સમયમાં વિકાસ હતો એવો દાવો હોય તો રેવન્યુની આવકના પૈસા કોના ખિસ્સામાં જતાં હતા તેનો ખુલાસો કરો અથવા સ્વીકાર કરો કે, વિકાસ હતો જ નહીં. કોંગ્રેસના સમયમાં કુલ વિકાસ ખર્ચ ૭,૫૦૦ કરોડ રૂપિયા હતો, તેની સામે ભાજપા અત્યારે ૧૦૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. શ્રી કાશીરામ રાણા જ્યારે મેયર હતાં ત્યારે સુરત એક નાના ગામડાં જેવું લાગતું હતું, અને આજે સુરત દેશ અને દુનિયાના નકશામાં ચમકી રહ્યું છે. આ સ્થિતિ ભાજપાના વિકાસની નીતિઓના કારણે થઇ છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, પહેલાં દિવસમાં ૧૫ વખત વિજળી જતી રહેતી હતી, તેની સામે આજે ૨૪ કલાક સતત વીજ પુરવઠો રાજ્યની જનતાને મળે છે. ટ્રાન્સફોર્મરની સંખ્યા કોંગ્રેસના શાસનમાં દોઢ થી પોણા બે લાખ જેટલી હતી. તેની સામે આજે સવા બાર લાખ જેટલા ટ્રાન્સફોર્મર ભાજપાએ લગાડ્યાં છે. કોંગ્રેસના શાસનમાં માત્ર ૭૨૦ સબસ્ટેશનો હતાં, તેની સામે આજે ૧૭૦૦ સબસ્ટેશનોથી અમે સમગ્ર રાજ્યમાં વિજળી પહોંચાડીયે છીએ. સુરતના એરપોર્ટ માટે વર્ષો વર્ષ લડાઇ કરવી પડી હતી, આંદોલન કરવાં પડ્યાં હતાં, ત્યારે એરપોર્ટ મળ્યું છે. પહેલાં દિવસભરમાં એકાદ વિમાન એરપોર્ટ પર આવતું હતું, તેની સામે અત્યારે ૧૮ થી ૨૦ રોજની ઉડાનો થાય છે. ઉત્તમકક્ષાનું રેલ્વે સ્ટેશન આપવાનું કામ ભાજપા સરકાર કરી રહી છે. આ બધી બાબતોની કોંગ્રેસ કલ્પના પણ ન કરી શકે, તેની સામે અમે કરીને બતાવ્યું છે. કોંગ્રેસને વિકાસનો “વ” પણ નથી આવડતો. કોંગ્રેસના શાસનમાં એવીએશન પોલીસી પણ ન હતી, અને અમારી સરકારે ઉડાન યોજના લાવી હવાઇ ચપ્પલ પહેરનાર પણ માત્ર ૨૫૦૦ રૂપિયામાં એક કલાકની હવાઇ મુસાફરી કરી શકે તેવું આયોજન કર્યું.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, કોંગ્રેસના શાસનમાં મધ્યમવર્ગનો ક્યારેય વિચાર સરકાર કરતી ન હતી. ભાજપાએ મધ્યમવર્ગનો માનવી પોતાના ઘરનું ઘર બનાવી શકે તે માટે નીતિ બનાવીને વ્યાજદર કેન્દ્ર સરકાર ભોગવે તે રીતની નીતિ બનાવી. કોંગ્રેસના શાસનમાં લોકોને માત્ર ૭ રૂ., ૧૫ રૂ., ૮૦ રૂ. જેટલું પેન્શન મળતું હતું. અમે આવ્યા પછી દેશની તિજોરી પર રૂપિયા ૧૨,૦૦૦ કરોડનું ભારણ કરીને દેશનો ગરીબ સ્વમાનભેર જીવે તે માટે ૧૦૦૦ રૂ.નું પેન્શન કરી નાંખ્યું. રાજ્ય સરકારે શ્રમીકો માટે અન્નપૂર્ણા યોજના ચાલુ કરી તે બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યાં હતાં. ગરીબ ક્યારેય વીમો ઉતરાવાનું વિચારી પણ નહોતા શકતાં, પરંતુ અમે ૯૦ પૈસામાં અને ૧ રૂપિયા મહિને ગરીબ અને મધ્યમવર્ગને લાભ મળી રહે તે માટે ૧૮ કરોડ લોકોના વીમા ઉતરાવ્યાં છે, અને તેમની આફતના સમયમાં ૧૮૦૦ કરોડ જેટલું ચૂકવણું પણ અમે કરી દીધું છે. રાજકીય આટાપાટા કર્યા વગર દેશ કેમ ચલાવાય, દેશને આગળ કેવી રીતે વધારાય તે બાબતનો વિચાર અમારી સરકારે કર્યો છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, અમે વ્યવસ્થાઓમાં માનીએ છીએ. રશીયાના રાષ્ટ્રપતિ શ્રી પુતીન ભારતમાં આવ્યાં હીરાવાળાઓએ તેમની સાથે મીટીંગ કરી અને અત્યારે રફ ડાયમંડ વેચવા માટે રશીયાના લોકો આપણાં ઘર આંગણે આવી રહ્યાં છે. અમે વ્યવસ્થાઓ બદલવાનું કામ કરીએ છીએ.
મોદીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસનું કલ્ચર પોતાનું ઘર ભરવાનું હતું. વર મરો, કન્યા મરો, કોંગ્રેસનું તરભાણું ભરો. કોંગ્રેસ એટલે અટકાના, લટકાના ઔર ભટકાના કોઇપણ યોજના કે કાર્ય ભેખડે કેમ ભરાવી દેવું તે કોંગ્રેસની માસ્ટરી હતી. મારૂ કચ્છ, કાઠીયાવાડ, દક્ષિણ ગુજરાત પાણી વગર તરફડતું હતું. કોંગ્રેસે નર્મદા યોજનાને અટકાવી, લટકાવી અને ભટકાવી.
​મોદીએ વધુમાં કહ્યું કે, ૧૯૯૨ની ફાઇલમાં એક નિર્ણય થયેલો હતો કે, બાબા સાહેબની સ્મૃતિમાં એક સેન્ટર બનાવવું, કોંગ્રેસે તેને અટકાવી રાખ્યું, અને આજે તે સેન્ટરનું ઉદઘાટન કરવાનું સદભાગ્ય મને મળ્યું છે. કોંગ્રેસની માનસીકતાની સામે ભાજપા સરકારનું કલ્ચર સ્કિલ, સ્કેલ અને સ્પીડ છે. અમે લોકો પરફેક્ટ સ્કિલ સાથે મોટું સ્કેલ કરીને સ્પીડથી સમયસર કોઇપણ કાર્ય પૂર્ણ કરીએ છીએ, અને ભવનનું કાર્યપણ આજે એક માસ પહેલાં પૂર્ણ થયેલ છે. અમે લોકોએ સ્કૂલોમાં પાંચ લાખ ટોયલેટ બનાવવાનું લક્ષ્યાંક કર્યું, અને તેને સમયસીમામાં પૂર્ણ કર્યું. દેશભરમાં પાંચ કરોડ શૌચાલય બનાવવાનું કામ ખૂબ ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે, બહેનોને શૌચ કરવા જવા માટે સુરજ આથમે તેની રાહ જોવી પડતી હતી. તેમને  ઇજ્જતઘર આપી તેમની મુસીબતો દૂર કરવાનું કામ ભાજપાએ કર્યું છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, ૨૦૧૪ પછી જ્યાં પણ ચૂંટણીઓ થઇ ત્યાં કોંગ્રેસના સુપડાં સાફ થઇ ગયાં છે. સુક્ષ્મદર્શકયંત્ર લઇને જોઇએ તો પણ ક્યાંય કોંગ્રેસ નજરે ચડતી નથી. તેમની પરંપરાગત બેઠક અમેઠી-રાયબરેલીમાં પણ કોંગ્રેસ શૂન્ય થઇ ગઇ છે. કોંગ્રેસ નિરાશામાં ડૂબી ગઇ છે. કોંગ્રેસ હતાશ થઇ ગઇ છે. લોકતંત્રમાં ન શોભે તેવી ભાષા કોંગ્રેસ બોલી રહી છે.
મોદીએ વધુમાં કહ્યું કે, નોટબંધીમાં કોંગ્રેસનું બધુ જ લુંટાઇ ગયુ હોય તેમ આજે એક વર્ષ પછી પણ કોંગ્રેસ રડી રહી છે. કાશ્મીરમાં આતંકવાદીઓને પોષતા લોકો આજે દિલ્હીની જેલમાં સડી રહ્યાં છે. કોંગ્રેસને નોટબંધી ના ગમે, સર્જીકલ સ્ટ્રાઇક ના ગમે, કાશ્મીરની ધરતી પર આતંકવાદીઓનો ખુરદો બોલાવતાં જવાનો-પોલીસો ના ગમે, વન રેન્ક વન પેન્શન યોજના ના ગમે, એમને માત્રને માત્ર તેમનું પેટ ભરાય અને તેમનો પરિવાર ચાલે તેમાંજ રસ છે. ભાજપાની લડાઇ આ પ્રકારની પ્રવૃત્તિવાળા સામે છે. સુરતની ધરતી પરથી તાપીના કિનારેથી આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીને વિકાસ ગતિ તેજ બનાવવા માટે ભાજપાને ૧૫૧થી વધુ બેઠકો જીતાડવાની અપીલ કરી હતી.

error: Content is protected !!