નર્મદા યોજનાને સતત અટકાવવાનું પાપ કરનાર કોંગ્રેસ પાંચ પ્રશ્નોના જવાબ આપે: ભરત પંડયા

ગાંધીનગર: નર્મદા યોજના સામે કોંગ્રેસના નેતાઓએ કરેલ નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કહ્યું હતું કે, નર્મદા ડેમના દરવાજા બંધ થવાથી ગુજરાતના સંપૂર્ણ વિકાસના દ્વાર ખુલશે તેનો સમગ્ર ગુજરાતમાં અને વિશ્વમાં રહેતા ગુજરાતીઓને આનંદ છે. પરંતુ કોંગ્રેસ શોકમાં ડૂબી ગઈ છે. ગુજરાત વિરોધીઓ હતાશામાં છે. નર્મદા યોજના માટે સતત અવરોધ ઊભો કરનાર કોંગ્રેસને નર્મદા માટે બોલવાનો કોઈ અધિકાર જ નથી.

પંડયાએ કહ્યું હતું કે, સરદાર પટેલનું સ્વપ્ન, ગુજરાતની જનતાનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની મક્કમ રાજકીય ઈચ્છાશક્તિથી પૂર્ણ કર્યું છે એટલે કોંગ્રેસને પેટમાં તેલ રેડાયું છે. મોદીએ મા નર્મદાને ગુજરાતની હસ્તરેખા, પ્રજાની ભાગ્યવિધાતા, સરદારની સ્વપ્નસરીતા અને ગુજરાતની અસ્મિતા કહી છે. નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા યોજનામાં જેમણે પણ યોગદાન આપ્યું છે. તેમણે અનેકવાર તમામનો આભાર માન્યો છે. પરંતુ એકવાત પણ સ્પષ્ટ છે કે નર્મદા યોજના પૂર્ણ થાય તે માટે સંઘર્ષ, સક્રિયતા અને સફળતા સાથેની નિર્ણાયક અને અગ્રેસર ભૂમિકા નરેન્દ્રભાઈ મોદીએ ભજવી છે. તે ગુજરાતની જનતા જાણે છે. જો મોદી પી.એમ.ન બન્યાં હો તો હજૂ પણ નર્મદા ડેમના દરવાજાની મંજૂરી મળી ન હોત. કોંગ્રેસ તો 2004 થી 2014 સુધીના 10 વર્ષના પોતાના શાસનમાં નર્મદાડેમના દરવાજાની મંજૂરી ન હતી આપી. જે નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી બન્યા પછી 17માં દિવસે મંજૂરી આપી દીધી.

કોંગ્રેસના ભરતસિંહ અને શક્તિસિંહ જવાબ આપે:ભરત પંડયા

1. તત્કાલીન સમયની કોંગ્રેસની રાજય સરકારો અને કેન્દ્ર સરકારે નર્મદા યોજના સામે વારંવાર કેમ અવરોધો ઊભા કર્યાં ?
2. કોંગ્રેસના નેતાઓ નર્મદા વિરોધીઓને વારંવાર કેમ મળે છે ?
3. 10 વર્ષના કોંગ્રેસમાં કેન્દ્ર સરકાર હતી તે સમયે દરવાજાની મંજૂરી કેમ ન આપી ?
4. હજૂ પણ દિગ્વીજયસિંહ, જ્યોતિરાદિત્ય જેવા કોંગ્રેસના નેતાઓ સંસદમાં નર્મદા વિરોધી ભાષણો કેમ આપે છે ?
5. 1961 થી 87 સુધીમાં પર્યાવરણની મંજૂરી કેમ ન હતી મળી અને 56 વર્ષ સુધી કોંગ્રેસના શાસનમાં  માત્ર 398 કિ.મી.કેનાલોનું કામ કેમ થયું ?

કોંગ્રેસના નેતાઓ સામે પ્રતિક્રિયા આપતા પંડયાએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસના 56 વર્ષના શાસનમાં માત્ર 398 કિ.મી.કેનાલોનું કામ થયું હતું. જયારે ભાજપના 20 વર્ષના શાસનમાં કોંગ્રેસના અનેક અવરોધો વચ્ચે 49,400 કિ.મી.કેનાલોનું કામ કર્યું છે. સમગ્ર યોજનાનો 93 ટકા ખર્ચ ભાજપના શાસનમાં કરવામાં આવ્યો, જયારે કોંગ્રેસના સમયમાં માત્ર 7 ટકા જ ખર્ચ કરવામાં આવ્યો છે. ભાજપ સરકારોએ નર્મદા માટે ત્રણ ગણા બજેટ ફાળવ્યાં છે અને વાર્ષિક 10 ગણો ખર્ચ કર્યો છે. જયારે કોંગ્રેસ નર્મદા યોજનાને ડેમની ઊંચાઈ, દરવાજા બનાવવાની કે બંધ કરવાની મંજૂરી, કેનાલ અને વિસ્થાપિતોના મુદ્દે અડચણો ઊભી કરવાનો જ પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે 1995 પછી હંમેશા નર્મદાને નડી છે. કોંગ્રેસ નર્મદાને પહેલાં રોકે છે અને ખોટા આક્ષેપો દ્વારા ભાજપને ટોકે છે પછી ગુજરાતની જનતાને કોંગ્રેસને હરાવે ત્યારે પોકે પોકે રોવે છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ મા નર્મદાને અટકાવવાનું પાપ કરનાર કોંગ્રેસને નેસ્તનાબૂદ કરીને ગુજરાતની જનતા જવાબ આપશે તેમ પંડયાએ અંતમાં કહ્યું હતું.

error: Content is protected !!