ખેડૂતોના પક્ષમાં સરકારના મંત્રી આંદોલન કરે તો પણ કોંગ્રેસ ટેકો આપશે: ધાનાણી

ગાંધીનગર: વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે કોંગ્રેસ ઉપર કરેલાં આક્ષેપોનો જવાબ આપતા કહ્યું છે કે, રાજ્યના ખેડૂતો પ્રત્‍યે સંવેદના હોય, ખેડૂતોના હિત સરકારના હૈયે વસેલ હોય તો સરકારના જવાબદાર મંત્રીએ પણ ભાજપ સરકાર સામે ઉપવાસ આંદોલન કરવામાંથી પીછેહઠ કરવી જોઈએ નહીં, ભાજપના કોઈ મંત્રી ખેડૂતોના હિતોની રક્ષા માટે, ખેડૂતોના અધિકાર માટે ચિંતા માટે થઈને આંદોલન કરશે તો કોંગ્રેસ પક્ષ તેમને પણ ટેકો આપશે. ગુજરાતના ખેડૂતોની એક જ માગણી છે કે, ‘ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો” એવું વિરોધપક્ષના નેતાએ કહ્યું હતું.

ગુજરાતના નવજુવાને દસ-દસ દિવસ સુધી ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદારોને અનામતની માગણી સાથે ઉપવાસ આંદોલન કરવા પડે તેવી કટોકટીભરી સ્થિતિ આજે ભાજપ સરકારના રાજમાં પ્રવર્તી રહી છે. સરકાર ૧૦ દિવસ સુધી ખબર પૂછવા પણ ન જાય. સત્તાના મદમાં રાચતી ભાજપ સરકાર આવી સ્‍થિતિ શું કામ પેદા કરે છે ? દેશમાં લોકશાહી સ્‍થાપવા અને દેશની વિકાસ યાત્રા શરૂ થઈ ત્‍યારે
આંદોલનથી મળેલ આઝાદી અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કોઈપણ પ્રકારની લડાઈ લડવા તૈયાર હોવાનું જણાવતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરવા માટે, સામાન્‍ય માણસની વેદનાને વાચા આપવા માટે કોઈપણ વ્‍યક્‍તિ, વર્ગ કે સમૂહ આંદોલન કરશે તો તેમાં સંપૂર્ણ સહયોગ આપશે.

પરેશ ધાનાણીએ અનામત અંગેના સવાલના જવાબમાં કહ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારથી લઈ આજ દિવસ સુધી સમયની સાથે સર્વાનુમતે વારંવાર બદલાયેલા પ્રવાહોની લાગણી, માંગણી અને વેદનાને વાચા આપવા માટે બંધારણમાં અનેક ફેરફારો થયા છે. કોંગ્રેસે બિનઅનામત વર્ગના લોકોને શિક્ષણ, આરોગ્ય અને નોકરીમાં અનામત આપવા માટે વિધાનસભામાં ૨૦ ટકા અનામતનું ખાનગી બિલ રજૂ કર્યું હતું, પરંતુ ભાજપની અભિમાની સરકારે આ બિલને બહુમતીના જોરે નકારી કાઢ્યું છે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર વૈષ્‍ણોદેવી સર્કલ નજીક ઉપવાસ આંદોલન પર બેઠેલા હાર્દિક પટેલને મળવા માટે ગયા હતા. હાર્દિક પટેલ સાથે મુલાકાત બાદ પત્રકાર અને મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં ધાનાણીએ કહ્યું હતું કે, ભાજપની સરકાર સંવિધાનમાં આંદોલનનો હક્ક હોવા છતાં
આંદોલન કરવાની મંજૂરી આપતી નથી. એક નવયુવાન છેલ્લા દસ દિવસથી ખેડૂતોના પ્રશ્ને ઉપવાસ કરી રહ્‌યો છે પરંતુ સરકાર કોઈ પગલાં નથી ભરી રહી. આંદોલનમાંથી જન્‍મેલી કોંગ્રેસ આઝાદી,અધિકાર અને લોકશાહીને બચાવવા અહિંસાના માર્ગે કોઈપણ વ્‍યક્‍તિ, વર્ગ કે સમુહે આદરેલા દરેક આંદોલનને હંમેશા ખુલ્લું સમર્થન આપશે.

અસહમતિ એટલે લોકશાહી વ્યવસ્થામાં સરકારી સંવેદનહીનતા સમક્ષ અપેક્ષાઓ અને સમસ્યાઓથી અઢારેય વર્ણમાં ઉદભવી રહેલા ઉકળાટને અવાજ સ્વરૂપે પ્રગટ કરવાની આગોતરી વ્યવસ્થા ! શું અવાજ ઉઠાવવાના અધિકાર માટે પણ કરવું પડશે આંદોલન ? આંદોલનથી મળી આઝાદી, આઝાદીથી મળી લોકશાહી, લોકશાહીથી મળ્યા અધિકાર, હવે આંદોલનકારીઓ જીવશે ત્યાં સુધી જ આઝાદી, અધિકાર અને લોકશાહી ટકશે ! ખેતી બચાવો અભિયાન અંતર્ગત અધિકાર નો અવાજ ઊઠાવનારા “ઉપવાસ આંદોલન”નાં સારથીને સમગ્ર કોંગ્રેસ પક્ષ ખુલ્લું સમર્થન આપે છે.

“આંદોલન”માંથી જન્મેલી કોન્ગ્રેસ આઝાદી, અધિકાર અને લોકશાહીનેં બચાવવા અહિંસાનાં માર્ગે કોઈ પણ વ્યક્તિ, વર્ગ કે સમુહે આદરેલા દરેક આંદોલનને હંમેશા ખુલ્લું સમર્થન આપશે ! છેલ્લા 22 વર્ષમાં રાજ્યની ભાજપ સરકારની ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત સમાજની વેદનાઓને વાચા આપવા નીચે જણાવેલ વેધક સવાલોના જવાબ આપવા વિપક્ષી નેતાએ ભાજપ સરકારને વિનંતી કરી છે.

– કૃષિ બજેટમાં ધટાડો અને કૃષિ સબસિડીમાં સતત કાપ મૂકીને ભાજપ સરકારે શું ખેડૂતોને મારી નાખવાની સોપારી લીધી છે. ?
– ભાજપનાં રાજમાં ખેતીલાયક જમીન અને ખેડૂતોની સંખ્યામાં સતત ઘટાડો શું કામ થઈ રહ્યો છે ?
– ભાજપના રાજમાં ખેડૂતનો દિકરો ખેતી વ્યવસાયથી શું કામે મોઢું ફેરવી રહ્યો છે. ?
– ભાજપના રાજમાં ખેડૂતનાં પરસેવાથી પેદા કરેલી કૃષિ ઊપજ ઉપર જીએસટીના કરવેરા પેટે 5% શું કામે વસુલવામાં આવી રહ્યા છે?
– ભાજપનાં રાજમાં ખેતીનાં ઓજારો ઊપર કરવેરાનો બોજ શુંકામે લાદવામાં આવી રહ્યો છે ?
– ભાજપનાં રાજમાં ખેડૂતને સરળતાથી સસ્તું ધિરાણ હજુયે શું કામે નથી મળતું ?
– ભાજપનાં રાજમાં નમૅદાનાં ‘નીર’ હજુયે ખેડૂતનાં ખેતર સુધી શુંકામે નથી પહોંચ્યા ?
– ભાજપનાં રાજમાં પાક વિમા યોજનાનું ખાનગી કરણ કરીને સરકારી તિજોરીને ખુલ્લે આમ લુંટવાનો પિળો પરવાનો શું કામે આપવામાં આવ્યો છે ?
– ભાજપનાં રાજમાં ખેડૂતને કૃષિ ઊપજ નાં પોષણક્ષમ ભાવ શુંકામે નથી મળતા ?
– ભાજપનાં રાજમાં ખેડૂતોને સસ્તી પુરતી અને નિયમિત વિજળી નાં ખેતીવાડી કનેક્શન માટે વર્ષો સુધી રાહ શું કામે જોવી પડે છે ?
– ભાજપનાં રાજમાં સેટેલાઈટ જમીન માપણીથી શેઢાની હદ અને ક્ષેત્રફળમાં છેડછાડ કરીને રૂ.૨૬૨ કરોડનું ફુલેકું ફેરવનારી કામચોર કંપનીને કાળીયાદીમાં શુંકામે મૂકવામાં નથી આવતી ?
– રાજ્યમાં ગરીબી રેખા હેઠળના કુટુંબને સાંથળીમાં બે એકર કરતાંયે વધુ સરકારી જમીન ફાળવણીની જોગવાઈ છતાંયે નાના અને
સિમાન્ત ખેડૂતનો ‘બીપીએલ’ યાદીમાં સમાવેશ શું કામ નથી કરવામાં આવી રહ્યો ?
– ભાજપના રાજમાં વયોવૃદ્ધ ખેડૂતને વૃધ્ધાવસ્થા પેન્શન યોજનાનો લાભ શું કામે આપવામાં આવતો નથી ?
– પરસેવાથી ઉછેરેલા ઉભા કૃષિપાકોને રોઝ ભુંડનાં ત્રાસમાંથી બચાવવા માટે ભાજપનાં રાજમાં કેમ પુરતી સહાય નથી મળતી. ?
– ભાજપ સરકારે કૃષિ ક્ષેત્રે સતત અવગણના કરીને ખેડૂતોને મારી નાખવાની સોપારી શું કામ લીધી છે ?
– ખેડૂતનો દિકરો જમીનથી મોઢું ફેરવશે તો ઢેફાં તોડીને ધાન કોણ પકવશે ?
– જગતનો તાત જમીન નહીં ખેડેતો ભુખ્યાનો જઠરાગ્નિ કોણ ઠારશે ?
– ભાજપના રાજમાં રૂ. 4000 કરોડનાં મગફળીકાંડમાંથી મલાઈ કોણ તારવી ગયું ?
– વ્યાજંકવાદી વમળમાં ફસાયેલા ખેડૂતોનાં દેવા માફ કરો, નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો.
ઉક્ત સવાલો અંગે સરકારના સકારાત્મક વલણની અપેક્ષાએ ‘ખેતી બચાવો અભિયાન” અંતર્ગત ખેડૂત
સમાજની નીચે મુજબની માંગણીઓનો સ્વીકાર કરવા વિપક્ષના નેતાએ ભાજપ સરકારને વિનંતી કરી હતી.

* કૃષિ બજેટમાં વધારો કરો.
* કૃષિ સબસિડીમાં વધારો કરો.
* વયોવૃદ્ધ ખેડૂતોને પેન્શન આપો.
* સરળતાથી સસ્તું ધિરાણ આપો.
* રોઝ ભુંડના ત્રાસથી ખેતી બચાવો.
* સેટેલાઈટ જમીન માપણી રદ કરો.

* કૃષિ ઓજારોને કરવેરા મુક્ત કરો.
* પાકવિમાનું ખાનગીકરણ બંધ કરો.
* સસ્તી અને પુરતી વિજળી આપો.
* કૃષિ ઉપજને જીએસટી મુક્ત કરો.
* સિંચાઇના પાણીની વ્યવસ્થા કરો.
* કૃષિ પાકનાં પોષણક્ષમ ભાવ આપો.
* નાના ખેડૂતને બીપીએલ કાર્ડ આપો.
* મગફળીકાંડની તટસ્થ તપાસ આપો.

ઉપરોક્ત સવાલો અને માંગણીઓનો જો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં ન આવે તો ભાજપની સંવેદનહીન સરકારનું પ્રતિનિધિત્વ કરતા સૌરભ જો ખેડૂતોની ‘દેવામાફી’ સહિતની સમસ્યાઓને લઈને આંદોલનનાં મંડાણ કરશે તો તેમને પણ સમગ્ર કોન્ગ્રેસ પક્ષ સમર્થન આપશે તેવી ખાતરી વિપક્ષના નેતાએ આપી હતી.

error: Content is protected !!