ભરૂચ કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલટેક્ષની હિલચાલના વિરોધમાં કોંગ્રેસના ધરણા

ભરૂચ, દેશગુજરાત: ભરૂચ નર્મદા નદી પર તૈયાર થયેલા કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણ બાદ હવે કેન્દ્ર સરકારે આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવવાની તૈયારી આરંભી છે. બ્રિજ ઈ.પી.સી ધોરણે બનાવવામાં આવ્યો હોવા છતાં ટોલટેક્ષ ઉઘરાવવાનું નક્કી કરતા પ્રજામાં રોશની લાગણી પ્રવર્તી છે. ટોલટેક્ષના મુદ્દે ભારે વિરોધ સાથે કોંગ્રેસના કાર્યકરોએ શનિવારે રેલ્વે સ્ટેશન પાસે આંબેડકર પ્રતિમા નીચે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-8 પર ભરૂચમાં નર્મદા નદી પર સાંકડો બ્રિજ હોવાને કારણે કલાકો સુધીના લાંબા ટ્રાફિક જામની સમસ્યા લગભગ કાયમી બની ગઈ હતી. આ સમસ્યાના નિવારણ માટે અહીં નવો કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ હવે આ બ્રિજ પર અવરજવર કરતા વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનું નક્કી કરાયું છે. 24 કલાકમાં અંદાજે 45000 વાહનોની અવરજવરવાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ પ્લાઝા કાર્યરત કરવામાં આવશે તો ફરી ટ્રાફિકના દ્રશ્યો સર્જાશે. ઉલ્લેખનીય છે કે, સરકારમાં ખાસ કિસ્સા તરીકે 390 કરોડના ખર્ચે ઈ.પી.સી.ધોરણે એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજના નિર્માણની મંજુરી હતી.

3 વર્ષમાં બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. જોકે, ઇ.પી.સી. ધોરણે બ્રિજ નિર્માણ થયું હોવાથી ટોલટેક્ષ ઉઘરાવવામાં નહીં આવે તેવી જાહેરાત બાદ અચાનક કેન્દ્ર સરકારે અહીંથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલ ઉઘરાવવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય બાદ અહીં ટોલ પ્લાઝાનું બાંધકામ પણ ચાલી રહ્યું છે અને આગામી 1-2 માસમાં ટોલ વસુલવાનું ચાલુ પણ કરી દેવાશે. આ મુદાને લઈને આક્રમક અંદાજમાં આવી ગયેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચના ઝઘડિયા તાલુકામાં ખનીજનું વધુ ઉત્પાદન થતું હોવાથી ભરૂચ અને ઝઘડિયા વચ્ચે ડમ્પરો અને ટ્રકોની અવરજવર ઘણી વધારે રહેતી હોય છે. પરંતુ નવ નિર્મિત બ્રિજ પર ટોલ ઉઘરાવવામાં આવે તો અહીના ટ્રાન્સપોર્ટરોને આર્થિક ભારણ વધવાની સાથે લાંબા ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થવું પડશે. તેથી, જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ આ મુદ્દે વિરોધના મૂડમાં જોવા મળે તો નવાઈ નહીં.

ઉલ્લેખનીય છે કે, નવ નિર્મિત બ્રિજની સાથે ભરૂચના જુના સરદાર બ્રિજ પરથી પસાર થવા માટે પણ વાહનચાલકોએ ટોલટેક્ષ ચૂકવવો પડશે. જુના બ્રિજમાં અગાઉ વર્ષો સુધી ટોલ ઉઘરાવ્યો હોવા છતાં ફરી તેને આ નવા ટોલ પ્લાઝામાં સમાવી લેવામાં આવતા સ્થાનિકોમાં ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે.

error: Content is protected !!