ગુજરાતમાં બીજા જાપાનીઝ ઔધોગિક પાર્કનું થઇ રહ્યું છે નિર્માણ

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદ જિલ્લાના માંડલ ગામ નજીક હાલ 100 હેક્ટર જમીન પર 10 થી 12 જાપાનીઝ કંપનીઓ જાપાનીઝ ઔદ્યોગિક પાર્કમાં કાર્યરત છે. આ પાર્કની કેપેસીટી પૂરી થઇ ગઇ હોવાથી હવે ગુજરાત સરકાર જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જેટોઓ)ના સંકલનમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી) પર સાણંદ નજીક ખોરજમાં અંદાજે 400 કરોડના બેઝીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના ખર્ચ સાથે 1500 હેકટર જમીન પર રાજ્યના બીજા ‘જાપાનીઝ ઔદ્યોગિક પાર્ક’ની સ્થાપના કરી રહી છે.

ઔદ્યોગિક પાર્કમાં ઔદ્યોગિક વિકાસ માટે 969 હેકટર, રસ્તાઓ અને પરિવહન માટે 227 હેકટર, 136 હેકટર ગ્રીનરી માટે અને 141 હેકટર વિસ્તારમાં રહેણાંક ઝોન હશે.

રાજ્ય સરકારના એકમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી) દ્વારા વિગતવાર આયોજન માટે કન્સલ્ટન્ટની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. જીઆઇડીસીએ રસ્તાઓ, પાણીની પાઇપલાઇન્સ અને સ્ટ્રીટ લાઈટ્સ સહિતના મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનું કાર્ય પણ આરંભી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, જીઆઇડીસીએ વર્ષ 2013 માં 60 હજાર હેકટર જમીન હસ્તગત કરી હતી. જેમાં સાણંદથી છ કિલોમીટર દૂર આ જમીનનું હસ્તાંતરણ કરવા માટે 400 થી વધુ ખેડૂતોને રૂ. 1700 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં મારુતિ સુઝુકી, મિત્સુબિશી, નિપ્પોન, હિટાચી, ટોટો, પેનાસોનિક સહિતની 80થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે. 2020 સુધીમાં ગુજરાતમાં જાપાનનું રોકાણ આશરે એક અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. જેટ્રો આગામી સમયમાં અમદાવાદમાં તેની ઓફિસ ખોલવા જઈ રહ્યું છે જે ઓફીસ તેની દિલ્હીની ઓફિસ જેટલી જ મોટી હશે.

જાપાનના વડાપ્રધાન શિંઝો અબે આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતની મુલાકાત આવવાના છે. નોંધનીય છે કે, ગયા મહીને ગુજરાતના મુખ્ય સચિવની આગેવાની હેઠળના એક પ્રતિનિધિમંડળે જાપાનની મુલાકાત લીધી હતી અને જાપાનની કંપનીઓ અને સરકારી અધિકારીઓના સીઇઓ સાથે સંખ્યાબંધ બેઠકો યોજી હતી.

error: Content is protected !!