પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારની કાર્યવાહીની તાજી અધિકારીક વિગતો

બનાસકાંઠા, દેશગુજરાત: મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ગાંધીનગરમાં રાજ્યના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને ઓછામાં ઓછા સમયમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ભારતીય  વાયુસેનાના ૧૧ હેલિકોપ્ટર્સ મારફતે ચાલી રહેલી બચાવ કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે. લશ્કરની ટૂકડીને પણ વધુ જોખમ ખેડીને તુરંત જ અસરગ્રસ્તોની મદદે પહોંચવા જણાવાયું છે.

ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર્સ દ્વારા મંગળવારે સાંજ સુધીમાં એક દિવસમાં કાંકરેજ તાલુકાના ટોટાણા ગામેથી ૧૧૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

બુધવારે સવારથી હેલિકોપ્ટર્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમોએ બનાસકાંઠાના કાંકરેજ અને પાટણના હારીજ તાલુકાઓમાં ૪૫૦ જેટલા લોકોને બચાવી લીધા હતા.

જ્યારે લશ્કર, એસઆરપી, સ્થાનિક વહીવટી તંત્ર, બીએસએફ જેવી અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા મંગળવારે જ ૫૮૦ જેટલા લોકોને રેસ્કયુ ઓપરેશન દ્વારા સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે.

આમ, મંગળવારે કુલ ૧,૧૪૪ જેટલા લોકોને રેસ્કયુ ઓપરેશન દ્વારા બચાવી શકાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહ્યું હતું. અમીરગઢ અને ધાનેરા તાલુકાઓમાં પાંચ થી છ ઇંચ વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં પણ વહીવટી તંત્ર એ બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

મંગળવારે રાજસ્થાન અને ઉપરવાસના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં સાબરમતી નદીમાં પાણીની આવક વધી હતી.

ધરોઇ ડેમમાંથી પાણી છોડવાની આવશ્યકતા ઉભી થતાં અમદાવાદમાં દશક્રોઇ, બાવળા, માંડલ, વેજલપુર, ધંધુકા, ધોળકા, સાણંદમાં પણ વહીવટી તંત્ર દ્વારા આગોતરા સલામતીના પગલા તરીકે અસરકારક રીતે સ્થળાંતરણ કરાવાયું હતું.

અમદાવાદ જિલ્લાના ૬,૦૧૯ જેટલા લોકોને મંગળવારે સલામતી ખાતર વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે સ્થળાંતરીત કરાયા છે.

અરવલ્લીમાં ૨,૦૫૫; ખેડામાં ૩૨૧ અને સાબરકાંઠા જિલ્લામાં ૭૨૯ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ૧૧ માનવમૃત્યુ નોંધાયા છે. જ્યારે ગઇ કાલે ૮૯ જેટલા પશુઓના મૃત્યુ થયા છે.

મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત પશુઓના નિકાલ માટે ઝડપી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવાની તકીદ કરી હતી.

પશુઓના આરોગ્ય માટે તથા મૃત પશુઓના નિકાલ માટે પશુપાલન વિભાગની ૭૫ જેટલી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત છે.

અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતા જ વીજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરાશે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે સાંજ સુધીમાં ધાનેરા શહેરના ૮૦ થી ૯૦ ટકા વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે.

તેમણે જણાવ્યું હતું કે, અનાજ દળવાની ઘંટીઓ, હોસ્પિટલ અને વોટર વર્કસમાં વીજ પુરવઠો ચાલુ  કરવાના કામને ટોચઅગ્રતા આપીને આખા વિસ્તારમાં વીજળી સામાન્ય કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ૪૧ ટીમો આ માટે કાર્યરત છે.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ કાર્ય માટે અધિકારીઓને અભિનંદન પાઠવતાં હજુ વધુ ટીમો કામે લગાડવા અનુરોધ કર્યો હતો.

બનાસકાંઠા, પાટણ અને અન્ય વિસ્તારોમાં ૧૦૦ થી ૧૨૫ જેટલા ટેન્કરો મારફતે પીવાનું શુદ્ધ પાણી
પહોંચાડવાનું કામ શરૂ કરાયું છે.

જ્યાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં આરોગ્ય માટે તબીબોની ટીમો તહેનાત કરવામાં આવી છે. કલોરીનેશન માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે.

સ્વચ્છતા માટે પણ પ્રબંધ કરવામાં આવ્યો છે.

ચુડાસમાએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિને કારણે થયેલા નૂકશાનનો અંદાજ મેળવવાના કામને હવે પછી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોને વહેલી તકે વીમાની રકમ અને રાહત પહોંચાડવાની તાકીદ કરી છે એ પ્રમાણે તુરત જ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા કૃષિ વિભાગે તૈયારીઓ કરી લીધી છે.

રાજ્યના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ પોત પોતાના વિભાગો હસ્તકની જવાબદારીઓમાં થયેલા નૂકશાનનો અંદાજ કાઢવાની કામગીરીને અગ્રતાના ધોરણે હાથ ધરશે.

અત્યારે તો રાહત- બચાવ કામગીરીની સાથો સાથ રાજ્ય સરકાર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મોટા પાયે ફૂડ પેકેટ્સ અને પીવાનું પાણી તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓ દ્વારા રાહત પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

error: Content is protected !!