વિશ્વમાં ઉજાગર કરવાથી જ આદિવાસી લોક કલા કૌશલ્યો અને હુન્નર વારસાનું શ્રેષ્ઠ સંવર્ધન થશે : મુખ્યમંત્રી

ગાંધીનગર:રૂપાણીજીએ, ગુજરાતમાં પૂર્વનું પ્રવેશદ્વાર ગણાતા દાહોદ ખાતે, રાજયમાં પ્રથમવાર આયોજિત ત્રણ દિવસના રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. દેશના વિવિધ રાજયોના આદિજાતિ કલામંડળોના સેંકડો કલાકારો આ મહોત્સવમાં ભાગ લઇ રહયાં છે. આ કલા મહોતસવની સાથે દાહોદના આદિજાતિ વિસ્તારના વિકાસના સમન્વય માટે આનંદની લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વના ફલક પર આદિવાસી લોક કલા, કૌશલ્યો, હુન્નરોના સમૃધ્ધ વારસાને ઉજાગર કરવાથી જ તેનું શ્રેષ્ઠ સંવર્ધન થશે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ દિશામાં કામગીરી થઇ રહી છે. ભારત સરકારના અંદાજપત્રમાં આદિજાતિ કલ્યાણ અને વિકાસ માટેની નાણાંકીય જોગવાઇમાં ૨૮ ટકાનો વધારો કરવા માટે તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષો સુધી કોંગ્રેસ આદિજાતિ વિકાસની માત્ર વાતો કરી, આદિજાતિઓનો માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો હતો. ગુજરાત સરકાર અને ભારત સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવીને આદિજાતિ વિકાસનું નકકર ધરાતલ પર આયોજન કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારે ગતવર્ષે અંદાજપત્રમાં આદિજાતિ વિકાસ માટે રૂા.૩૯૧૩૫ કરોડની ફાળવણી કરી હતી. આ વર્ષના અંદાજપત્રમાં આ ફાળવણી રૂા.૫૦ હજાર કરોડથી વધુ રકમના આંકે પહોંચી છે. ગુજરાત સરકારે રાજયના આદિજાતિ વિસ્તારોમાં શાળાઓના નવીન ૧૭૭૫ જેટલા ઓરડાઓના નિર્માણનું આયોજન કર્યું છે. જયારે આદિજાતિ છાત્રાવાસો અને આશ્રમશાળાઓને રાંધણગેસના પ્રથમ બાર સિલિન્ડર્સ રાહતદરે આપવાની વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આદિજાતિ કલ્યાણની વનબંધુ યોજનામાં અત્યારસુધીમાં રૂા.૮૨ હજાર કરોડની ફાળવણી કરીને ગુજરાત સરકારે આદિજાતિ સમૂદાયનો વિકાસ ટોપ ગીયરમાં લાવી દીધો છે. ૭૦ વર્ષમાં પહેલીવાર આદિજાતિ નેશનલ કાર્નિવલ ભાજપ સરકારે યોજયો છે.

તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર આદિજાતિ વિસ્તારો, સાગરકાંઠાના વિસ્તારો સહિત રાજયના તમામ વિસ્તારોના સમતોલ વિકાસના માર્ગે અગ્રેસર છે. આદિજાતિ વિદ્યાર્થીઓ રક્ષાશકિત યુનીવર્સીટી, ફોરેન્સીક સાયન્સ યુનીવર્સીટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણી શકે એ માટે શિષ્યવૃતિઓની જોગવાઇ કરી છે. આદિવાસી ખેડૂત ખાતેદાર ચાર એકર જમીન ધરાવતો હોય તો પણ બીજુ વીજ જોડાણ આપવામાં આવશે તથા આદિજાતિ વિસ્તારોમાં અનાજ દળવાની ઘંટી માટેના વીજ જોડાણ લેવા માટે અગાઉ બીનખેતી (એન.એ.)નું જે પ્રમાણપત્ર મેળવવું પડતું હતું.એ મેળવવામાંથી મુકિત આપવા જેવા ઉદાર પ્રબંધો કર્યા છે. આદિજાતિ વિસ્તારોમાં મેડીકલ અને ઇજનેરી કોલેજો ખોલીને જંગલ વિસ્તારમાં વસતા પરિવારોના બાળકોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ સુલભ બનાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજયના આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ, પીવાના પાણી, રસ્તા સહિત સર્વાંગી વિકાસના આયોજનોનો અગ્રતાક્રમે અમલ થઇ રહયો છે. ગુજરાત સરકારે ૮૪ હજાર પરિવારોને જંગલ જમીનના ખેડ અધિકારો આપ્યા છે. દાહોદ જિલ્લાના કેદારેશ્વરધામ, ગોવિંદગુરૂધામ સહિતના પ્રવાસન આકર્ષણોનો વિકાસનું આયોજન કરોડો રૂપિયાના ખર્ચે કર્યું છે. આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓ અને શહિદોનું નામ ભૂંસવાની કોશિશને નાકામ કરીને, તેમને ઇતિહાસમાં સ્થાન આપ્યું છે જે ભાવિ પેઢીને પ્રેરણા આપશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેવડીયા સહિત દેશભરમાં છ ટ્રાયબલ મ્યુઝિયમ સ્થાપવામાં આવી રહયા છે. જે આદિવાસી સંસ્કૃતિના ઇતિહાસને નવી ચેતના સાથે ભાવિ પેઢી સમક્ષ ઉજાગર કરશે.

તેમણે જણાવ્યું કે રાજય સરકારે કરેલા સુનિયોજિત આયોજનથી દાહોદ માટે પીવાના પાણીનો દુકાળ ભૂતકાળ બની જશે. દાહોદને મેડીકલ કોલેજ ફાળવી છે જે તેજસ્વી આદિવાસી યુવાનોને તબીબ બનવાની સુવિધા આપશે.

મુખ્યમંત્રીશ્રીએ દેશના સર્વાંગી વિકાસની ખાત્રી માટે, પ્રધાનમંત્રીશ્રીને અડગ ટેકો આપવાનો અનુરોધ કર્યો હતો. અને દેશના વિવિધ રાજયોમાંથી આવેલા આદિજાતિ કલાકારોને આદર સાથે આવકાર્યા હતો.

મુખ્યમંત્રીશ્રીએ ૨.૬૩ કરોડથી વધુ રકમના માતબર ખર્ચે બાંધવામાં આવેલા આદિજાતિ ભવનનું લોકાર્પણની સાથે દાહોદ માટે રૂા.૧૮ કરોડના ખર્ચે બંધાનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કર્યુ હતું. ગુજરાત સરકાર અને ભારત સરકારના આદિજાતિ વિકાસ નિગમોની યોજનાઓ હેઠળ આદિજાતિ યુવાનોને સ્વરોજગારલક્ષી યોજનાઓ અંતર્ગત રૂા.૧.૧૬ કરોડ કરતાં વધુ રકમના ખર્ચે વિવિધ પ્રકારના વાહનો અને સાધન સહાયતાનું વિતરણ કર્યું હતું.

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે, આદિજાતિ વિકાસમાં ગુજરાતને દેશમાં મોખરે રાખવા માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દાહોદમાં પ્રથમવાર રાષ્ટ્રીય આદિજાતિ કલામહોત્સવ યોજીને ગુજરાતે સમગ્ર ભારતની આદિજાતિ સંસ્કૃતિની વિવિધતાનું ગૌરવ વધાર્યું છે.

તેમણે જણાવ્યું કે આદિવાસીઓના હાથોમાં અનેરી તાકાત, કલા, કૌશલ્યો છે જેનો આદિજાતિ વિકાસ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સકારત્મક વિનિયોગ કરી રહી છે. ભારત સરકારે આદિજાતિ યુવાનોમાં સ્વરોજગારીને પ્રોત્સાહિત કરવા માટે રૂા.૭૦ કરોડની જોગવાઇ કરી છે. દાહોદના વિકાસ માટે કોંગ્રેસ શાસનમાં માંડમાંડ થોડાક લાખ રૂપિયા ફાળવાતા હતા, તેની સામે ભાજપની વર્તમાન અને પૂરોગામી સરકારોએ કરોડોની રકમ ફાળવી છે. મોદીસાહેબે દાહોદના વિકાસને પીઠબળ આપ્યું હતું અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ એ પરંપરા જાળવી રાખી છે.

અમે આદિવાસી સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ કરતાં નથી.ભાજપ સરકાર આદિવાસીઓને જોઇતું બધું જ આપી રહી છે. એવી લાગણી વ્યકત કરતાં દાહોદ જિલ્લાના પ્રભારી અને રાજયના વન અને પર્યાવરણ મંત્રીરી ગણપતસિંહજી વસાવાએ જણાવ્યું કે દેશમાં ૧૧ કરોડ જેટલા અને ગુજરાતના ૯૦ લાખ જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. દેશની સ્વતંત્રતા માટે સહુથી વધુ બલિદાનો આદિવાસી સમાજે આપ્યાં છે. આ સમાજ ભવ્ય,ઉજળો અને ગૌરવવંતો ઇતિહાસ અને સમૃધ્ધ સંસ્કૃતિ, વિરાસત ધરાવે છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સતત આદિજાતિ કલ્યાણ અને વિકાસ માટે કાર્યરત છે. પેસાનો અમલ, વનબંધુ કલ્યાણ યોજના, જંગલ જમીનના ખેત અધિકારો આપવાની રાજય સરકારની ભગીરથ કામગીરીની વિગતો તેમણે આપી હતી અને દાહોદને રૂા.૨૦૦ કરોડના ખર્ચે પાઇપ લાઇન દ્વારા રાંધણગેસ આપવાના આયોજનની રૂપરેખા આપી હતી. તેમણે ગુજરાતના યજમાનપદે દેશના આદિવાસી કલા મહોત્સવના આયોજન માટે ગૌરવની લાગણી વ્યકત કરી હતી.

વનરાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે દેશના વિવિધ રાજયોના ૭૦૦ થી વધુ આદિજાતિ કલાકારો દાહોદના, ગુજરાતના પ્રથમવાર મહેમાન આ મહોત્સવ નિમિત્તે બન્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ સંસ્કૃતિના રક્ષણ અને જતનની સાથે વિકાસનું અભિયાન શરૂ થયું હતું. આજે પણ એ અભિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ આગળ ધપી રહયું છે. આદિવાસીઓને જંગલ જમીનના અધિકારો વિનામૂલ્યે આપવાનું કામ, સનદ આપવાનું કામ વર્તમાન રાજય સરકારે કર્યું છે. ૪૫૬૬૦ આવાસો દાહોદ જિલ્લામાં આદિજાતિ પરિવારો માટે બની રહયા છે. સિંચાઇ સુવિધાના વિકાસથી દાહોદ હરિત જિલ્લો બનશે. એવી જાણકારી આપતા દાહોદ જિલ્લાને નર્મદાનું પાણી આપવાના આયોજનની વિગતો તેમણે આપી હતી.

આદિજાતિઓનું દેશના અને ગુજરાતના વિકાસમાં અનન્ય યોગદાન રહેલું છે. એવી લાગણી વ્યકત કરતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે આદિવાસીઓની વારસાગત કલા, સંસ્કૃતિ, રીતરીવાજો, પરંપરાઓની નવી પેઢીને અને નાગરિક સમુદાયને જાણકારી આપવા આ મહોત્સવ યોજવામાં આવ્યો છે. ૧૯૯૦-૯૧માં આવો આદિજાતિ કલા મહોત્સવ દાહોદમાં યોજાયો હતો. આજે દાહોદના આંગણે આ રાષ્ટ્રીય મહોત્સવ યોજાયો છે. તેમણે દેશને ગૌરવ અપાવનાર આદિજાતિ રમતવીરાંગના સરિતા ગાયકવાડની સિધ્ધિ માટે ગૌરવની લાગણી વ્યકત કરી હતી.

રાજયના આદિજાતિ વિકાસ સચિવશ્રી આર.સી.મીનાએ મહાનુભાવોને આવકારતાં જણાવ્યું કે આ મહોત્સવ સમસ્ત દેશની આદિવાસી કલા-સંસ્કૃતિની સંકલિત ઝાંખી કરાવશે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ રમેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી યોગેશભાઇ પારગી, દાહોદ નગરપાલિકાના અધ્યક્ષશ્રી અભેસિંહ મેડા, દાહોદ જિલ્લાના પક્ષ પ્રભારીશ્રી અમીતભાઇ ઠાકર, જિલ્લા પંચાયત પદાધિકારીઓ, તાલુકા પંચાયત અધયક્ષો અને પદાધિકારીઓ, અગ્રણીઓ અને મહાનુભાવો, ભારત સરકારના અને એસ.ટી.એફ.ડી.સી.ના એમ.ડી. શ્રી જી.રમેશકુમાર, જી.ટી.ડી.સી. ગુજરાતના એમ.ડી. ર્ડા.સુમન, ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના નિયામક ર્ડા.ચંદ્રકાંત ઉપાધ્યાય, આદિજાતિ વિકાસ કમિશનર જે.રંજીતકુમાર અને વિભાગના ઉચ્ચાધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચાધિકારીઓ, વિવિધ રાજયોના આદિજાતિ કલાકારો અને હજારો નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

Related Stories

error: Content is protected !!