પૂરગ્રસ્ત વિસ્તારમાં ૧૬,૦૪૮ કિ.મી. ના ૨,૭૪૯ રસ્તાઓ અને ૧,૪૨૮ નાના પુલોને પહોંચ્યું નુકસાન

ગાંધીનગર, દેશગુજરાત: રાજ્યમાં થયેલ ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓના રસ્તાઓને નૂકશાન થયું છે. તે વિસ્તારોમાં માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને રસ્તાઓની  મરામત કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો છે.
રાજ્યમાં ૧૬,૦૪૮ કિ.મી. લંબાઇના ૨,૭૪૯ રસ્તાઓ અને ૧,૪૨૮ નાના પુલોને નૂકશાન થયું છે, એમ માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવાએ જણાવ્યું છે.
આ અંગે વધુ વિગતો આપતાં વસાવાએ કહ્યું કે, ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાત રાજયમાં થયેલ ભારેથી અતિભારે વરસાદના કારણે પ્રથમ તબક્કાનાં વરસાદમાં માર્ગ અને મકાન વિભાગના મુખ્યત્વે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અને બીજા તબક્કામાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા જિલ્લાઓમાં રસ્તાઓને ઘણું જ નુક્શાન થયું હતું અને વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. તા.૨૭/૦૭/૨૦૧૭ના રોજ રાજ્યમાં કુલ નેશનલ હાઈવે ૫, સ્ટેટ હાઈવે ૨૮ તથા ગ્રામીણ માર્ગો ૯૧૨ મળી કુલ ૨૨ જિલ્લાઓમાં ૯૪૫ રસ્તાઓ બંધ થયેલ. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં ૫૫૯, પાટણ જિલ્લામાં ૮૭, સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૪, વલસાડ જિલ્લામાં ૩૪, અમદાવાદ જિલ્લામાં ૨૪, મોરબી જિલ્લામાં ૨૧, તથા જામનગર જિલ્લામાં ૧૬ રસ્તાઓ બંધ થયા હતા અને અન્ય રસ્તાઓને ભારે નુકશાન થયું છે. સમગ્ર રાજ્યમાં કુલ ૧૬,૦૪૮ કી.મી. લંબાઈનાં ૨,૭૪૯ રસ્તાઓ તથા આશરે ૧,૪૨૮ નાના મોટા પુલોને નુકશાન થયું છે.
સૌથી વધુ પ્રભાવિત બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં અનુક્ર્મે ૫૫૯ તથા ૮૭ મળી કુલ ૬૪૬ રસ્તાઓ બંધ હતા.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિભાગના તમામ તાંત્રિક અને બિન તાંત્રિક તંત્રને તેમજ ઈજારદારો, તેઓની મશીનરી તથા તેઓનાં ઈજનેરોને પણ કામે લગાડી આ રસ્તાઓને તાત્કાલિક વાહન વ્યવહાર યોગ્ય કરવા માટે તમામ જિલ્લાઓમાં કાર્યવાહી પૂર્ણ કરાઇ છે. વસાવાએ કહ્યું કે, સૌથી વધુ પ્રભાવિત બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં અનુક્ર્મે ૫૫૯ તથા ૮૭ મળી કુલ ૬૪૬ રસ્તાઓ બંધ હતા, તે પૈકી ૫૨૬ રસ્તાને ત્વરિત રીપેરીંગ કરી શરૂ કરાયા છે. આ કામગીરી માટે આ બે જિલ્લાઓમાં કુલ ૨૫૯ જેસીબી/હીટાચી ૨૧૦ ડમ્પર, ૨૪૮ ટ્રેકટર, ૧,૦૭૦ મજુરો તથા ૬૮ કર્મચારીઓ/અધિકારીઓની મદદથી રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા તથા પાટણ જિલ્લાની ભૌગોલિક સ્થિતિનાં કારણે હાલ ૧૨૦ રસ્તાઓ પર પાણી ભરાયેલ છે કે વહી રહેલ છે જેથી હાલ રીપેરીંગ શક્ય નથી. પરંતુ જેમ જેમ પાણી ઓસરશે તેમ તેમ આ રસ્તાઓ પણ ત્વરિત ચાલુ કરવા માટે વિભાગનાં વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે.
વસાવાએ ઉમેર્યું કે, જે જે કિસ્સાઓમાં તાત્કાલીક રીપેરીંગ શકય ન હોય ત્યાં વૈકલ્પિક રસ્તા નક્કી કરી વાહન વ્યવહાર ચાલુ રખાયો છે. તેમજ ડાયવર્ઝન આપીને પણ રસ્તાઓ ચાલુ રાખવામાં આવ્યા છે. વિભાગ દ્વારા બંધ રરસ્તાઓ ચાલુ કરવા માટે તેમજ સપાટી ખરાબ થયેલ રસ્તાઓ રીપેર કરવા માટે સમગ્ર રાજયમાં કુલ ૬૮૩ જેસીબી/હીટાચી, ૬૬૭ ડમ્પર, ૬૦૨ ટ્રેકટર, ૩,૫૦૦ મજુરો તથા ૪૨૧ કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા બુધવાર સુધી તાત્કાલિક વાહન વ્યવહાર યોગ્ય કરવા પાત્ર કુલ ૧,૫૧૪ રસ્તાઓમાં રીપેરીંગની કામગીરી હાથ ધરી સલામત રીતે વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો છે. જ્યારે બાકીનાં રસ્તાઓની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે.

error: Content is protected !!