ઐયર અને સિબ્બલનાં કારણે કોંગ્રેસને ગુજરાતમાં થયું નુકસાન: વીરપ્પા મોઈલી

નવી દિલ્હી: આ વખતેની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીની ટક્કર હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જોકે, તેમ છતાં છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટી બાજી મારી ગઈ હતી અને કોંગ્રેસને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2017માં કોંગ્રેસની હારનાં ઘણા કારણો અંગે ચર્ચા ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસના જ વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા પાર્ટીના કેટલાક નેતાઓએ પણ ક્યાંકને ક્યાંક નુક્શાન પહોંચાડવાનું કામ કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ.વીરપ્પા મોઇલીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે, મણિશંકર ઐયર અને કપિલ સિબ્બલનાં વિવાદાસ્પદ નિવેદનોએ ગુજરાત ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં પ્રચારને નુક્સાન પહોંચાડ્યું છે.

મોઇલીએ કહ્યું કે, ‘ઐયર જેવા અમારા લોકોએ તેમના (વડાપ્રધાન મોદી) વિરૂદ્ધ એવા મુદ્દાઓ ઉઠાવવા જોઇતા ન હતાં.’ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચાલતો હતો તે સમયે કોંગ્રેસના મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહ્યા હતા.

ઐયરની ટિપ્પણી વિશે પૂંછવામાં આવેલા સવાલનાં જવાબમાં મોઇલીએ કહ્યું,”હોઇ શકે છે કે, નરેન્દ્ર મોદીએ તે નિવેદનનો ઉપયોગ  કરીને કોંગ્રેસ અને અમારા નેતાઓ પર પ્રહાર કર્યા હોય, અમારા નેતાઓને ખુબ જ સાવધાન રહેવાની જરૂરીયાત હતી.” આ સીવાય તેમણે સિબ્બલનાં તે નિવેદનને પણ પાયાવિહોણું ગણાવ્યું.ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ મંદિર અંગેના કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન સિબ્બલે કહ્યું હતું કે, આ સુનાવણીને 2019ની લોકસભા ચૂંટણી સુધી સ્થગિત રાખવી જોઈએ.

error: Content is protected !!