ડીફેન્સ – આઇ.ટી – શિપિંગ – ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રોમાં જાપાનના રોકાણથી MSME સેકટરને નવી દિશા મળશે : મુખ્યમંત્રી

ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ના પૂર્વાર્ધ દિવસે જ જાપાન, ઇઝરાયેલ અને નેધરલેન્ડના ડેલીગેશન્સ સાથે તબક્કાવાર બેઠકોનો દૌર યોજ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાથે જાપાનના ટ્રેડ ઇકોનોમી એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રીયુત યોશીહિકો ઇસોઝાકી અને ડેલીગેશનની યોજાયેલી બેઠકમાં જાપાનીઝ કંપનીઓ અને ઉદ્યોગકારોએ ગુજરાતમાં જે રોકાણો અને ઉદ્યોગો શરૂ કરેલા છે તે સંદર્ભમાં પરામર્શ કરાયો હતો.

શ્રી વિજયભાઈ રૂપાણીએ જાપાનના વડાપ્રધાન અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંયુક્ત ગુજરાત મુલાકાત અને સૌહાર્દ પૂર્ણ સંબંધોની યાદ તાજી કરી હતી.

ગુજરાતમાં ડી.એમ.આઇ.સી, બુલેટ ટ્રેન સહિત માંડલ બહેચરાજી વિસ્તારમાં જાપાનીઝ ઉદ્યોગકારોને માળખાકીય સુવિધા અંગે પણ ચર્ચા બેઠકમાં થઇ હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીમાં જાપાનની ફાઇનાન્સ બેંકોની બ્રાન્ચ શરૂ કરવા પણ સુઝાવ આપ્યો હતો.

બેઠક દરમ્યાનની ચર્ચાઓમાં ખાસ કરીને ડિફેન્સ, આઇ.ટી, શિપિંગ, ફૂડ પ્રોસેસિંગ વગેરે ક્ષેત્રોમાં જાપાનના ઉદ્યોગકારોના રોકાણથી એમ.એસ.એમ.ઈ સેક્ટરને નવી દિશા મળશે તે વિષયે પણ પરામર્શ થયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જાપાન વાયબ્રન્ટ સમિટમાં લાંબા સમયથી પાર્ટનર રહ્યું છે તેની સરાહના કરી હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

Related Stories

error: Content is protected !!