ગુજરાત સરકારનું ડેલિગેશન જાપાન જવા રવાના

ગાંધીનગર, દેશગુજરાત: રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘની આગેવાનીમાં ગુજરાત સરકારનું ડેલિગેશન શુક્રવારે જાપાનના પ્રવાસે જવા રવાના થયું છે. જાપાનના વડાપ્રધાન અબે શિન્ઝો અંદાજે સપ્ટેમ્બર મહિનામાં ભારતની મુલાકાતે આવવાના હોવાથી તે પૂર્વે ગુજરાત સરકાર દ્વારા જાપાનીઝ ઈન્વેસ્ટમેન્ટ બાબતે તખ્તો તૈયાર કરવા આ પ્રવાસ યોજવામાં આવ્યો છે.

જાપાન રવાના થયેલા ડેલીગેશનમાં રાજ્યના ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્રસચિવ મનોજકુમાર દાસ તથા જીઆઈડીસીના એમ.ડી. ડી.થારા સહીત દિલ્હીથી ભારત સરકારના પ્રતિનિધિઓ તેમજ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ સામેલ હોવાની માહિતી મળી છે.  ઉલ્લેખનીય છે કે, જાપાન પ્રવાસે ગયેલા ગુજરાત સરકારના ડેલીગેશન દ્વારા ગુજરાતમાં જાપાની ઉદ્યોગો માટે સ્થપાઈ રહેલા જાપાનીઝ પાર્ક સંદર્ભે તેમજ અમદાવાદ- મુંબઈ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જાપાનીઝ ઈન્વેસ્ટમેન્ટ કો-ઓપરેશન એજન્સી  ‘જાઈકા’ દ્વારા ગુજરાતમાં અપાનારી લોનો સંદર્ભે પરામર્શ કરવામાં આવશે. આ તમામ સંદર્ભે જાપાનીઝ કંપનીઓ તેમજ જાપાન સરકાર સાથે મુલાકાત કરી ગુજરાત સરકારનું ડેલીગેશન એક અઠવાડિયા બાદ ભારત પરત ફરશે.

ગુજરાતમાં માંડલ-સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિઝનમાં 150 હેક્ટર જમીનમાં જાપાનીઝ પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે. આ પાર્કના નિર્માણ કાર્ય માટે વધારે 300 હેક્ટર જમીન ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં અહીં 4 એકમો ઉત્પાદનમાં ગયા છે અને 2 એકમોનું કાર્ય ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અહીં બીજાં 40 જાપાની એકમોએ જમીનની માગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને ખોરજમાં પણ બીજો જાપાનીઝ પાર્ક ઊભો કરવા 700 હેક્ટર જેટલી જમીન ફાળવવા વિચારણા ચાલી રહી છે.

error: Content is protected !!