પી.ડી.પી.યુ.માં ઇન્કયુબેશન સેન્ટર માટે ભારત સરકાર રૂા. ૩૦૦ કરોડ આપશે : ધર્મેન્દ્ર પ્રધાન

ગાંધીનગર: ગુજરાતના ગૌરવસમી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો છઠ્ઠો દિક્ષાંત સમારોહ રવિવારે યોજાયો હતો. ૮૩૮ જેટલા યુવાનોને પદવી એનાયત કરતાં સમારોહના અધ્યક્ષપદેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, શિક્ષા અને દિક્ષા આપણી સંસ્કૃતિ છે. શિક્ષા પામ્યા પછી દિક્ષાંત થઇને યુવાનો પોતાના પરિવારની સાથોસાથ સમાજ પ્રતિ પણ સમર્પિત બને એ જ સાચી દિક્ષા હોઇ શકે. રાષ્ટ્ર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યું છે, અને ૨૫મી સપ્ટેમ્બરે શતાબ્દિ વર્ષનું સમાપન થઇ રહ્યું છે ત્યારે પંડિત દીનદયાળના નામ સાથે જોડાયેલી આ પેટ્રોલિયમ યુનિવર્સિટીના યુવાનો પણ પંડિત દીનદયાળજીના એકાત્મ માનવવાદને અનુસરીને સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને કારકિર્દીનું ઘડતર કરે એવો અનુરોધ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો હતો.

રૂપાણીએ કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દષ્ટિથી વર્ષ ૨૦૦૭માં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના થઇ, આજે સ્થાપનાના એક દાયકામાં આ યુનિવર્સિટી વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટી બની છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી  ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યમાં ૧૭ યુનિવર્સિટીઓ હતી. તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૫૫ થી વધુ નવી યુનિવર્સિટીઓની સ્થાપના થઇ. આ યુનિવર્સિટીઓની રચનાથી ગુજરાતમાં વિકાસના નવા આયામો વિકસ્યા અને વિસ્તર્યા છે.

રૂપાણીએ કહ્યું હતું કે, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના તેજસ્વી યુવાનો દેશને નવી ઊર્જા આપવા સક્ષમ બને. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ‘નયા ભારત’નું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે યુવાનો માટે આ યોગ્ય સમય છે. વિશેષ સંશોધનો અને  સ્ટાર્ટઅપથી યુવાનો ભારતની શક્તિ અને સામર્થ્ય વધારવામાં પોતાનું યોગદાન આપે એવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય પેટ્રોલિયમ નેચરલ ગેસ અને સ્કીલ ડેવલપમેન્ટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપીને તેમને દેશના પરિવર્તનના દ્યોતક ગણાવ્યા હતા. તેમણે પી.ડી.પી.યુ. યુનિવર્સિટીને પી.ડી.ઇ.યુ. યુનિ. બને તેવું આહવાન કરતાં કહ્યું કે, એનર્જી ક્ષેત્રે ગુજરાત સૌર ઊર્જા, રીન્યુએબલ એનર્જી માટે આગવું કામ કરી રહ્યું છે ત્યારે આ યુનિ. પી.ડી.ઇ.યુ. બનશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, ભારતના વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૦૯માં સપનું સેવ્યું હતું તે આજે સાકાર થઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાનના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના નવતર અભિગમમાં પણ ગુજરાત અનેરું યોગદાન આપશે. આ માટે તેમણે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, કોલસા મંત્રાલય અને પાવર મંત્રાલય દ્વારા રૂા. ૩૦૦ કરોડ પી.ડી.પી.યુ.ને ફાળવવાની જાહેરાત કરી હતી. તેના થકી તેમણે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરનું નિર્માણ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદ ખાતે આઇ.આઇ.એમ. જેવી ખ્યાતનામ સંસ્થાઓ કાર્યરત છે તેના સહયોગથી નેચરલ ઇકો સિસ્ટમને મજબૂત બનાવવા માટે ડેટાનું પૃથ્થકરણ થઇ શકે તે સંદર્ભે પણ રૂા. ૭૫ કરોડ ભારત સરકાર દ્વારા આપવાની જાહેરાત કરી હતી. જેના દ્વારા ડેટા એન્ટર પ્રિનિયોરનું નિર્માણ થશે, જે દેશને પેટ્રોલિયમ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રધાને ઉમેર્યું કે, આવનારા સમયમાં પી.ડી.પી.યુ. ઓ.એન.જી.સી.ના આઇ.એલ.ડી. એજન્સીનો લાભ પણ યુનિ.ના વિદ્યાર્થીઓ લઇ શકે તે માટે તે પણ પોતાનું સક્રિય યોગદાન આપશે. જેનાથી ડેટાનું પૃથ્થકરણ કરીને દેશની પેટ્રોલિયમ સંપદામાં સંશોધન ક્ષેત્રે વધુ બળવતર બનશે. જેમાં પણ ગુજરાત આગવું સ્થાન પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ એનર્જીના લાભો વધુને વધુ ગરીબોને મળી રહે તે માટે પ્રયાસો કર્યા છે. જે ભૂતકાળમાં કોઇ સરકારે કર્યા નથી. ભારતમાં ૧૮ કરોડ લોકોને એલ.પી.જી. ગેસ પૂરો પડાતો હતો. જેમાં છેલ્લા ૩ વર્ષમાં ૨૨.૫ કરોડ નાગરિકોને આ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. એટલે કે ૮.૫ કરોડ વધુ નાગરિકોને આ સુવિધાઓ મળી રહી છે. ભારતમાં એનર્જી સિક્યૂરિટી ક્ષેત્રે રહેલી વ્યાપક તકો તેમજ બંદરો અને વાહન વ્યવહારના વિકાસને પરિણામે આજે વિશ્વના વ્યવસાયકારો ભારતમાં મૂડીરોકાણ માટે આતુર થયા છે. વડાપ્રધાનશ્રીની દિર્ઘ દષ્ટિને પરિણામે આ ક્ષેત્રે સંશોધનો તથા
માળખાગત સવલતોમાં વધી રહેલ વ્યાપને કારણે વિશ્વ સ્તરે ભારતની રિફાઇનરી કેપેસિટી વિશ્વની કેપેસિટી કરતાં આગળ વધી ગઇ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી બોર્ડના ચેરમેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પદવીદાન સમારોહનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, દેશ અને દુનિયા સામે આજે ઊર્જાની જરૂરિયાત અને પર્યાવરણની જાળવણી વચ્ચે તાદાત્મ્ય સાધવાનો સૌથી મોટો પડકાર છે. યુવાનો પર્યાવરણની જાળવણી કરીને ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા પ્રતિબદ્ધ બને. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી પહેલાં અહિંસાથી આઝાદીનો વિચાર જ કોઇને નોંતો આવ્યો. મિલ્ક પાવડરથી પ્રત્યેક વ્યક્તિ સુધી દૂધ પહોંચાડવાનો વિચાર કુરિયનને જ આવ્યો હતો. પોસ્ટકાર્ડ કરતાં પણ ઓછા પૈસામાં ફોનથી વાત થઇ શકે એવી કલ્પના કરનાર ધીરૂભાઇ અંબાણી હતા. એક વિચાર પછી જે કંઇ પણ થયું તે ઇતિહાસ છે. એ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ‘ન્યુ ઇન્ડિયા’ના વિઝન સાથે કામ કરી રહ્યા છે. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના યુવાનો પોતાની ક્ષમતાથી નવા વિચારો અને સંશોધનોથી સમર્પિત પ્રયત્નો કરે અને ન્યુ ઇન્ડિયાની રચનામાં પોતાનું યોગદાન આપે. સફળતાની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી એમ કહીને અંબાણીએ કહ્યું હતું કે, યુવાનો પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખીને ચોક્કસ લક્ષ્ય નિશ્ચિત કરે. યુવાનો મૂલ્યોને મહત્વ આપે. યુવાનો હંમેશા નવા વિચારો માટે પોતાના મન-મસ્તિષ્કને ખુલ્લાં રાખે. યુવાનોએ સંબંધોને પણ હંમેશા ખૂબ
મહત્વ આપવું જોઇએ. યુવાનોને શીખામણ આપતાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સફળતા હાંસલ કરો, પરંતુ સફળતા મેળવ્યા પછી પોતાની જાતની સરખામણી બીજા સાથે ક્યારેય ન કરો. સફળતા મેળવ્યા પછી હંમેશા પોતાની સમર્થતા અને સક્ષમતા સામે સફળતાની તુલના કરતાં શીખો. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના યુવાનો ‘ન્યુ ઇન્ડિયા’ના એમ્બેસેડર બને એવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો પહેલો પદવીદાન સમારોહ વર્ષ ૨૦૦૯માં યોજાયો હતો. તે વર્ષે ૧૩૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી. ૧૦ વર્ષમાઅં ૪૦૨૯ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત થઇ છે. એક દાયકામાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થઇ છે.

પી.ડી.પી.યુ.ના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર ટી. કિશનકુમાર રેડ્ડીએ સ્વાગત પ્રવચનમાં ડિગ્રી પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની  દીર્ઘ દષ્ટિ અને માર્ગદર્શન દ્વારા વર્ષ ૨૦૦૯થી શરૂ કરાયેલ આ સમારોહમાં ૧૩૦ વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઇ હતી. આજે ૮૩૦ વિદ્યાર્થીઓને ડિગ્રી / ડિપ્લોમાં મેળવી રહ્યા છે. તે આપણા સૌ માટે ગૌરવ રૂપ છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ટેકનોલોજીના યુનિ. શિક્ષણ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારનો સારો સહયોગ મળી રહ્યો છે. જેના પરિણામે આ યુનિ. આજે વિશ્વ સ્તરે પ્રસ્થાપિત થઇ છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં બ્રિટિશ પેટ્રોલિયમના સહયોગથી યુનિ.માં લિક્વીડ એન્જિનિયરીંગ લેબોરેટરીનું નિર્માણ કરાશે. તેમણ ઇનોવેશન ઇક્યુબેશન સેન્ટરનું પણ નિર્માણ કરવાનો અમારો નિર્ધાર છે. જેનાથી વિદ્યાર્થીઓને સંશોધનો ક્ષેત્રે વધુ તકો મળે. યુનિ.ના અથાગ પ્રયત્નોને કારણે આજે વિદ્યાર્થીઓને વ્યાપક સ્તરે પ્લેસમેન્ટ પ્રાપ્ત થઇ રહ્યું છે. તેમણે યુનિ. ની પ્રણાલીની વિસ્તૃત રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ૮૩૮ વિદ્યાર્થીઓને પેટ્રોલિયમ ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમોના ડિપ્લોમા / ડિગ્રી તથા વર્લ્ડ ઓફ ટેકનોલોજી, મેનેજમેન્ટ, હ્યુમિનિટીઝ અને સોશ્યલ સાયન્સ ક્ષેત્રે ૮ વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી મહાનુભાવોના હસ્તે એનાયત કરાઇ હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ, સાંસદ પરિમલ નથવાણી, પી.ડી.પી.યુ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડી. રાજગોપાલન, યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટરો, યુનિ. ફેકલ્ટીઝ, તજજ્ઞો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!