ધરોઈ ડેમમાંથી છોડવામાં આવનાર પાણીને લીધે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ, સાબરમતી રિવરફ્રન્ટ વોક-વે બંધ કરાયો

અમદાવાદ, દેશગુજરાત

ઉત્તર ગુજરાતમાં સતત ચાલુ રહેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પણ સતત પાણીની આવક થઇ રહી છે. આ નદી પર બનેલી જળાશય યોજના ધરોઈ ડેમમાં આજે બપોરે ત્રણ કલાકે 611.15 ફૂટનું લેવલ બન્યું હતું.

હાલમાં ધરોઈ ડેમ 1,41,000 ક્યુસેક પાણીની આવક મેળવી રહ્યો છે અને ધરોઈ બંધ વિભાગના કાર્યપાલક ઈજનેરના કહેવા અનુસાર જો આ જ પ્રમાણે પાણીની આવક ચાલુ રહેશે તો આજે રાત્રે અગિયાર વાગ્યે ડેમનું લેવલ 617.00 ફૂટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

ધરોઈ ડેમમાં પાણીનું યોગ્ય લેવલ જાળવી રાખવા માટે શરૂઆતમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે અને પછી પણ જો પાણીની આવક ચાલુ રહેશે તો તેના પ્રમાણ અનુસાર છોડવામાં આવતા પાણીના પ્રમાણમાં ક્રમશઃ વધારો કરવામાં આવશે.

આ માહિતીને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ ધરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને ચેતવણી આપી છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીની બન્ને તરફ બાંધવામાં આવેલા રિવરફ્રન્ટના વોક-વે પણ બંધ કરાયો છે.

અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશ્નરની નાગરિકોને અપીલ:

“ધરોઈ ડેમમાં 50,000 થી 1.00 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોવાથી આવતીકાલે સવારે આશરે 5.00 વાગ્યાથી સાબરમતી નદીમાં પાણીની સપાટી વધવાની હોઈ, સાવચેતીના પગલાંરૂપે જાહેર જનતાએ નદીના નીચાણવાળા વિસ્તારમાં જવું નહીં.”

“ચંદ્રભાગા નદીના વિસ્તારમાં તેમજ ઇન્દિરા બ્રિજના નદીના નીચેના વિસ્તારમાંથી ઉચાણવાળા વિસ્તારમાં ખસી જવા વિનંતી છે.”

“રિવરફ્રન્ટના બંને બાજુ વોકવેમાં સાવચેતીના પગલાં રૂપે કોઈએ જવું નહીં.”

“નદીના વાસણા બેરેજના ડાઉન સ્ટીમના નીચાણવાળા વિસ્તાર જેવાકે વણઝારા, બાકરોલ, ફતેહવાડી તથા ગ્યાસપુર જેવા વિસ્તારમાંથી નદીમાં જવું નહીં. તેમજ નદીના નીચાણવાળા વિસ્તારમાંથી ખસી જવા વિનંતી છે.”

Related Stories

error: Content is protected !!