ટ્યુબલાઈટ ફ્લોપ થતા ગુમાવેલા પૈસા માંગવા ડિસ્ટ્રીબ્યુટર્સ સલમાનના ઘરે પહોંચ્યા

મુંબઈ, દેશગુજરાત: આ વર્ષે ઈદ પર રીલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ બોક્સઓફીસ પર પીટાઇ ગઇ છે. ડિસ્ટ્રીબ્યુટરોએ મોટા ભાવે આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશનના હકો એમ માનીને ખરીદ્યા હતા કે સલમાન ખાન હોવાથી ફિલ્મ ચાલશે જ અને ધંધો કરી જ આપશે. પરંતુ સલમાન ખાન હતો, ઇદ હતી તેમ છતા ફિલ્મ ચાલી નહીં અને પીટાઇ ગઇ જેને પગલે ડિસ્ટ્રીબ્યુટરોને મસમોટું નુકસાન થયું છે. એક અહેવાલ અનુસાર સલમાન ખાને ડિસ્ટ્રીબ્યુટર્સને તેમનું નુકસાન ભરપાઇ કરી આપવા 55 કરોડ આપવાની તૈયારી બતાવી છે. જો કે આ અહેવાલને કોઇ સમર્થન મળતું નથી.

ટયુબલાઇટ ફિલ્મ સલમાનના છેલ્લા 10 વર્ષની ફિલ્મો કરતા સૌથી વધારે નિષ્ફળ નીવડી છે. ફિલ્મ કોઈના માટે નુકસાનકારક સાબિત ન થાય તે માટે બોક્સઓફીસ પર 200 કરોડની કમાણી થવી જરુરી હતી પરંતુ આ આંકડો 150 કરોડની આસપાસ જ થંભી ગયો ત્યારે પોતાના નુકસાનની ચૂકવણી માટે ડિસ્ટ્રીબ્યુટર્સ સલમાન ખાનના ઘરે પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે. ડિસ્ટ્રીબ્યુટર્સના આગેવાન તરીકે નરેન્દ્ર હીરાવત સલમાનના ઘરે પહોંચ્યો હતો. નરેન્દ્રએ આ ફિલ્મને 130 કરોડમાં ખરીદી હતી.

ડિસ્ટ્રીબ્યુટર્સની મુલાકાત સલમાન ખાન સાથે ન થઇ શકી પરંતુ તેના પિતા સલીમ ખાને દરેકને આશ્વાસન આપ્યું કે સલમાન દરેકની મદદ કરવા માટે તૈયાર છે. ડિસ્ટ્રીબ્યુટર્સ અને સલીમ ખાનની આ બેઠક દરમિયાન સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બિઝનેસ કન્સલ્ટન્ટ અમન ગિલ અને સીઓઓ અમર બુટાલા પણ હાજર હતા.

error: Content is protected !!