વાપીમાં પોસ્ટમોર્ટમ કરવા 10 હજારની લાંચ માંગનાર તબીબના જામીન નામંજૂર

વલસાડ, દેશગુજરાત: વાપી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના શ્રમજીવીનું રાત્રીના સમયે પોસ્ટમોર્ટમ (પીએમ) કરી આપવા માટે ફરજ પર હાજર તબીબે રૂ.10 હજારની લાંચની માગ કરી હતી. આ કેસ સંદર્ભે વલસાડ એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે તબીબની જામીન અરજી નામંજૂર કરી છે.

વાપી જીઆઇડીસીના રાજલક્ષ્મી બંગલોમાં રહેતા રાહુલ રાજેશભાઈ ગોયેલના રીમા ટ્રેડીંગ કંપનીના ગોડાઉનમાં ફરજ બજાવતા મૂળ પશ્ચિમ બંગાળના સુકુમાર શાહા નામના કામદારનું હૃદયરોગના હુમલાને કારણે વાપી હરિયા હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ માટે ચલા સીએનસી લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર ડૉ.મનોજ યાદવે રાત્રે 10 વાગ્યા પછી પીએમ કરવાની મનાઈ કરી દીધી હતી. પરંતુ મૃતદેહને હવાઇ માર્ગે તેના વતન મોક્લાનો હોવાથી તેના પરિવારજનોએ પીએમ કરી આપવા વિનંતી કરી હતી. આ સમયે તબીબ મનોજે પીએમ કરવા માટે રૂ.10 હજારની માગ કરી હતી. કંપનીના માલિકે તે સમયે 5000 રૂપિયા આપી બાકીના પૈસા પછી આપવાનું કહ્યું હતું.

પીએમ થયા બાદ મૃતદેહને મુંબઈ એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યો. જોકે, 5000 રૂપિયાની ચુકવણી બાકી હોવાથી તબીબે ડેથ સર્ટીફીકેટ કાઢી આપ્યું નહોતું. એરપોર્ટ પર નિયમ મુજબ ડેથ સર્ટીફીકેટ વગરની લાશને મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ ડોક્ટરને સર્ટીફીકેટ કાઢી આપવાનું કહેતા તેણે કહ્યું હતું કે, પહેલા બાકી નીકળતા 5000 રૂપિયા સેલવાસમાં તેના નિવાસસ્થાને પહોંચાડવામાં આવે તો જ ડેથ સર્ટીફીકેટ કાઢી આપવામાં આવશે. તેથી, કંપનીના માલિક રાહુલે  બાકીના નાણા ચૂકવી દેવાની ખાત્રી આપતા તબીબે આખરે ડેથ સર્ટીફીકેટ કાઢી આપ્યું હતું.

તબીબના અમાનવીય વર્તનને પારખી ગયેલા કંપનીના માલિક રાહુલે આ અંગે વલસાડ એસીબીમાં ફરિયાદ કરી હતી. જે બાદ રૂ.5000ની લાંચ લેતા તબીબને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આરોપીએ જામીન પર છૂટવા માટે એડીશન ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે સુનાવણી દરમિયાન સરકાર પક્ષની દલીલને માન્ય રાખીને કોર્ટે જામીન અરજીને નામંજૂર કરી હતી.

 

error: Content is protected !!