વડિલોની સેવા કરવા સરકાર પણ શ્રવણ બનવા તૈયાર છે: મુખ્યમંત્રી

રાજકોટ: વડિલની સેવા કરવી તે દરેકની અગ્રીમ ફરજ છે અને દરેક સંતાન મા-બાપનો છાયડો સદાય તેમને મળતા રહે તેવી તેમની ઇચ્છા ધરાવતા હોય છે રાજય સરકાર પણ વડિલો માટે શ્રવણી બનવા માટે સદાય તૈયાર છે અને તે માટે રાજય સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે અને આજનાં આ વડિલો માટેનાં કાર્યક્રમમાં વડિલોનાં આર્શવાદ મેળવવા માટે હું આપનો દિકરો બનીને આવેલ છું અને તમારુ સન્માન કરતા હું ગૌરવ અનુભવી રહયો છું તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે સીનીયર સિટીઝનોને સાધન – સહાય અર્પણ કરતા કહ્યું હતું.

રાજય સરકાર છેવાડાનાં અંતિમ માનવીનાં સર્વાંગી ઉત્થાન કરવા માટે સદાય કટીબદ્ધ છે અને તે બાબતે સરકાર સંવેદનશીલ છે જેનો અહેસાસ લોકોને પણ થઇ રહયો છે તેમ રાજયનાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ સ્થિતિ શ્રીસ્વામિનારાયણ મંદીર ખાતે વિકાસલક્ષી ત્રિવિધ સમારોહમાં જણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજયમાં કોઇને બિચારા કે ઓશીયાળા જિંદગી જીવવી ન પડે તે માટે સરકાર
પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે અને એટલા જ માટે રાહતદરે દવા મળી રહે તે માટે સમગ્ર રાજયમાં જેનરીક મેડીકલ સ્ટોર શરૂ કરવામાં આવેલ છે અને હજી વધારે ખોલવામાં આવી રહયા છે.

સરકાર વિધવા બહેનો માટે પેન્શનની રકમ પણ બમણી કરી આપી છે અને રાજયનાં શ્રમજીવીઓને માટે માત્ર રૂા.૧૦માં પોષણયુકત ભરપેટ ભોજન આપવાની યોજના અમલમાં છે જેનો બહોળો પ્રતિસાદ સાંપડેલ છે. તેમજ સમાજનાં નબળાવર્ગનાં લોકો માટે રાહતદરે અનાજ પુરવઠો પુરો પાડવામાં આવી રહયો છે. વડિલોને તીર્થયાત્રા જવા માટે સરકારે શ્રવણતીર્થ યાત્રાનો પ્રારંભ કરેલ છે જેનાં થકિ વડિલો આજે ઉત્સાહ સાથે તીર્થયાત્રા પણ કરી રહયા છે તેમ રૂપાણીએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતું.

રૂપાણીએ આ તકે જણાવ્યુ હતુ કે, રાજય સરકાર દ્વારા ઉચ્ચશિક્ષણની સુવિધામાં વધારો કરવા માટે સદાય સક્રિય છે અને તેના ભાગરૂપે રાજકોટ ખાતે રૂા.૧૦૬.૭૦ કરોડનાં ખર્ચે અતિ આધુનિક અને સંપુર્ણ સુવિધાજનક કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવેલ છે કન્યા-કુમાર આ સુવિધાનો લાભ મેળવી ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી રહયા છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તથા ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૧૧ લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સાધન સહાયનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કેમ્પમાં કુલ ૪પ૦૦ થી વધારે બી.પી.એલ. કેટેગરી સીનીયર સિટીઝનોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રીએ અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાની રૂા.પ૧૪ લાખનાં ખર્ચે તૈયાર થયેલ અદ્યતન આદર્શ નિવાસી શાળા કન્યા છાત્રાલય સંકુલનું અને વિકસતી જાતી કલ્યાણ ખાતાની રૂા.૫૭૬.૭૬ લાખનાં ખર્ચે નિમાર્ણાધિન શ્રી મહાત્મા ગાંધી આદર્શ નિવાસી કુમાર શાળાનાં નવા સંકુલોનું લોકાર્પણ પણ કર્યું હતું.

સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે તેમનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમાજનાં નબળા વર્ગનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે રાજય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકી છે. આ તકે મંત્રી પરમારે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા રાજકોટનાં રૈયાધાર વિસ્તાર ખાતે રૂા.૫૭૬.૭૬ લાખનાં ખર્ચે સમાજનાં નબળા વર્ગનાં ધોરણ ૯ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન નિવાસી શાળા બનાવેલ છે જેમાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અભ્યાસ, રહેઠાણ અને ભોજનની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે તેવી જ રીતે રૂા.૫૧૪ લાખનાં ખર્ચે આધુનિક કન્યા છાત્રાલય સંકુલ બનાવવામાં આવેલ છે.

મંત્રી આત્મારામભાઇએ વધુમાં કહ્યું હતું કે, નોધારા બાળકોનું જીવનધોરણનું યોગ્ય ઘડતર થાય તે માટે તેમનું લાલન પાલન કરનારને રાજય સરકાર દ્વારા રૂા.૩ હજારની સહાય ચુકવવામાં આવે છે આમ રાજય સરકાર સમાજનાં દરેક વર્ગ માટે ખુબજ સંવેદનશીલ છે અને હકારાત્મક અભિગમ સાથે જ આગળ વધી રહી છે. તેમણે ઉપસ્થિત વાલીને પોતાના બાળકોને શિક્ષિત કરતા આહવાન કર્યુ હતું અને જણાવ્યુ હતુ કે સમાજનાં દરેક વર્ગનાં બાળકોએ સાંપ્રત સમયમાં શિક્ષિત થવુ અનિવાર્ય છે અને સરકાર શિક્ષણ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરવા માટે સક્રિય જ છે અને સમગ્ર રાજયનાં જિલ્લામાં શિક્ષણ છાત્રાલયની માળાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાતાઓનાં સહયોગથી જિલ્લાનાં ૪૫૦૦ કરતા પણ વધારે બી.પી.એલ. કેટેગરીનાં સીનીયર સિટીઝનોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ છે જેમાં વરિષ્ઠ નાગરિકોને પોતાનાં રોજીંદા જીવનમાં ઉપયોગી સાધનો હાથઘોડી, ચશ્મા, ઓલ્ડ એઇઝ સ્ટીક, ફોલ્ડીંગ વોકર, વ્હિલ ચેર, ટ્રાયસિકલ, વોકર અને હીયરીંગ એઇડ જેવા સાધનોનો સમાવેશ કરવામાં આવેલ છે જેના માટે દાતાઓએ રૂા.૬૦ લાખનો આર્થિક સહયોગ આપી જિલ્લા વહીવટી તંત્રનાં આ નૂતન આયામને સહયોગ આપેલ છે તે દાતાઓ પણ અભિનંદનીય છે.

આ પ્રસંગે મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય  ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ઘનસુખભાઇ ભંડેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, નાયબ મેયર દર્શીતાબેન શાહ, અધિક સચિવ કે.જી.વણઝારા, સમાજ સુરક્ષા ખાતાનાં નિયામક પંકજ ઠાકર, અનુસચિત જાતિ કલ્યાણ વિભાગનાં નિયામક કે.ડી.કાપડીયા, અગ્રણી અંજલીબેન રૂપાણી, નીતીનભાઇ ભારધ્વાજ, કમલેશભાઇ મીરાણી સમારોહમાં જિલ્લાનાં પદાધિકારીઓ, અગ્રણીઓ, અધિકારીઓ તથા
વિશાળ સંખ્યામાં સીનિયર સિટીઝન, પ્રબુદ્ધ નાગરીકો સમારોહમાં ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!