રિલાયન્સ ફાઉન્ડેશન યુનિવર્સિટી સ્થાપશેઃ નીતા અંબાણી

મુંબઈ: દેશની સૌથી મોટી ખાનગી સેવાભાવી સંસ્થાઓમાં અગ્રણી સ્થાન ધરાવતી રિલાયન્સ ફાઉન્ડેશન અત્યાધુનિક સંશોધન અને નવતર પ્રયોગોની સાથે-સાથે ભવિષ્યના નેતાઓ, સંગીતકારો, વૈજ્ઞાનિકો અને ઓલમ્પિયનો તૈયાર કરવા માટે યુનિવર્સિટીની સ્થાપના કરવાનું આયોજન ધરાવે છે, એમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું. તાજેતરમાં ઇન્ડિયા ટુડે કોન્કલેવમાં તેમણે કહ્યું હતું કે રમત-ગમત અને શિક્ષણ એમ બં સ્તંભો પર ભારતની આવતીકાલનો ઉદય થશે.

નીતા અંબાણીએ “ધ ગ્રેટ ઇક્વિલાઇઝરઃ સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશન ફોર ઓલ” વિષય પર વક્તવ્ય આપ્યું ત્યારે તેમના પતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી શ્રોતાગણમાં ઉપસ્થિત હતા. વિશ્વની સર્વશ્રેષ્ઠ અને સૌથી મોટી કંપનીઓનો સમયગાળો નક્કી હોય છે.પરંતુ શૈક્ષણિત સંસ્થાઓ સમયની મર્યાદાઓથી પર હોય છે. તેઓ જે પેઢીઓનું સશક્તિકરણ કરે છે તેમાં જ જીવે છે, શ્વાસ લે છે અને વૃધ્ધિ પામે છે.  એટલા માટે જ રિલાયન્સ ફાઉન્ડેશન વિશ્વસ્તરીય યુનિવર્સિટી બનાવવાનું આયોજન કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. અત્યાધુનિક સંશોધન અને નવીનતમ પ્રયોગો માટેની યુનિવર્સિટી. એવી યુનિવર્સિટી જે શિક્ષણ અને રમત-ગમત, કલા અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે.

આ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ સાથે જોડાણ કરશે અને જ્ઞાન અને કૌશલ્ય સાથે વિશ્વનો સામનો કરી શકે તેવી ભવિષ્યની પેઢી તૈયાર કરશે. “એવી યુનિવર્સિટી જેના દ્વારમાંથી ભવિષ્યના નેતાઓ, આપણાં સંગીતકારો, આપણાં વૈજ્ઞાનિકો અને આપણાં ઓલમ્પિયનો ઉભરી આવશે. આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમારું સ્વપ્ન છે.”

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિવિધ સખાવતી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. અંબાણીએ કહ્યું હતું કે ભારત વિશ્વની છઠ્ઠા ભાગની માનવજાતનું ઘર છે અને તેની અડધી વસ્તી 25 વર્ષથી ઓછી ઉંમરની છે. “વિશ્વની પાંચમા ભાગના યુવાઓ ભારતમાં છે. આગામી બે દશકમાં, વિશ્વની ઉંમરમાં વધારો થશે, ભારત વધારે યુવાન બનશે. ભારતના યુવાનો ભારતની આવતીકાલનું નિર્માણ કરશે.” તેમણે કહ્યું હતું કે, “મુકેશ અને મારું મોટું સ્વપ્ન છે અને અમારી દૃઢ પ્રતિબધ્ધતા શિક્ષણને યોગ્ય બનાવવાની અને શિક્ષણનો અધિકાર દરેકને મળે તે માટે છે.”

અંબાણીએ ભારતમાં રમત-ગમત અને શિક્ષણના વિકાસ માટે તેમના ફાઉન્ડેશને આપેલા પ્રદાન અંગેની વિગતો આપી હતી. અત્યાર સુધીમાં રિલાયન્સ ફાઉન્ડેશને 14 શાળાઓની સ્થાપના કરી છે જેમાં વર્ષે 16,000 બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.

અમારી બે નવી શાળાઓ ઉત્તરાખંડમાં છે. આ શાળાઓ 2013માં ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં સંપૂર્ણ રીતે નાશા પામી હતી, જેનું અમે પુનઃનિર્માણ કર્યું છે, એમ તેમણે કહ્યું હતું. ગુણવત્તાયુક્ત શિક્ષકોની અછત અને માળખાકીય સુવિધાઓનો અભાવ ભારતનો સૌથી મોટો પડકાર છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ગુણવત્તાસભર વિષયવસ્તુ અને નવીન અને પોષણક્ષમ પધ્ધતિ હાલની તાતી જરૂરીયાત છે.

તેમનાં ફાઉન્ડેશનનો પાયાનો કાર્યક્રમ ભારતમાં 13 મિલિયન ઉભરતાં ખેલાડીઓ અને એથ્લેટ્સ સુધી પહોંચ્યો છે, એમ જણાવતાં તેમણે જે યુવાન છોકરા અને છોકરીઓએ સ્વપ્ન જોયું અને સફળતા મેળવી તેમની પ્રેરક વાર્તાઓનું વર્ણન કર્યું હતું. તેઓએ યુવા એથ્લેટ અંજુ ગુર્જરની વાત કરી હતી, જેને માત્ર 15 વર્ષની ઉંમરે લગ્નની દરખાસ્ત મળી હતી, પરંતુ તે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્પર્ધામાં વિજેતા બની અને પછી રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લીધો. તેમણે પંડ્યા ભાઇઓ – કુણાલ અને હાર્દિક (જેઓ મુંબઇ ઇન્ડિયન ટીમના ભાગ છે) અને તેમના ખૂબ જ સાધારણ પ્રારંભની વાત કરી હતી.

 

error: Content is protected !!