અમરનાથ યાત્રા હજુ ત્રણ અઠવાડિયા ચાલવાની છે ને યાત્રિકોની સંખ્યા ગત વર્ષની નજીક પહોંચી ગઇ

નવી દિલ્હી, દેશગુજરાત

ગઈકાલે મળેલા આંકડાઓ તપાસતા જાણવા મળ્યું છે કે આ વર્ષે પણ અમરનાથ યાત્રીઓની સંખ્યા ગયા વર્ષની સંખ્યાની અત્યંત નજીક પહોંચી ગઈ છે. જે પ્રમાણે બાબા અમરનાથના દર્શન કરવા આતંકવાદી હુમલા પછી પણ અમરનાથ યાત્રીઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે તે પરથી લાગી રહ્યું છે કે આજે જ્યારે ફરીથી ગણતરી કરવામાં આવશે ત્યારે આ સંખ્યા ગયા વર્ષની સંખ્યાને પાર કરી જશે.

આમ, અમરનાથ યાત્રીઓ પર ગયા અઠવાડીએ થયેલો જઘન્ય આતંકવાદી હુમલો પણ બાબાના ભક્તોનો જુસ્સો ઓછો કરી શક્યો નથી.

ગઈકાલ સુધી અમરનાથ યાત્રાએ આવનાર યાત્રાળુઓની સંખ્યા 2.16 લાખ જેટલી થવા પામી હતી જે ગત વર્ષની 2.20ની સંખ્યાથી સહેજ જ ઓછી છે અને યાત્રા પૂર્ણ થવાને હજી ત્રણ અઠવાડિયા બાકી છે.

નવ દિવસ અગાઉ થયેલા આતંકવાદી હુમલા બાદ અમરનાથના દર્શન કરવા અત્યારસુધી 70,000 યાત્રીઓ આવી ચૂક્યા છે. સરકારી અધિકારીઓના કહેવા અનુસાર આતંકવાદી હુમલાઓ બાદ પણ શ્રદ્ધાળુઓએ પોતાનો પ્રવાસ રદ્દ નથી કર્યો તે ઉત્સાહ પૂરો પાડનારું છે. તેમણે સુરક્ષા માટેની વ્યવસ્થામાં પોતાનો વિશ્વાસ ફરીથી વ્યક્ત કર્યો છે.

2015માં જ્યારે 59 દિવસની યાત્રા થઇ હતી ત્યારે 3.52 લાખ શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શનનો લાભ લીધો હતો. આ વર્ષે 40 દિવસની યાત્રા હોવા છતાં આંકડો લગભગ 2015ના આંકડાની નજીક પહોંચી જાય તેવી શક્યતાઓ છે.

આ વર્ષની અમરનાથ યાત્રા 7 ઓગસ્ટે પૂર્ણ થશે.

error: Content is protected !!