ખેડૂતોને લોન પર વ્યાજ નહી ચૂકવવું પડે: વડાપ્રધાન મોદી

 ધંધુકા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ધંધુકા ખાતે ગુજરાત વિકાસરેલીને સંબોધતાં કહ્યું હતુ કે, ભાજપાના શાસન પહેલા ધંધુકામાં પ્રભાત શાખા લગાવવી હોય તો પણ પાણીની અછતના કારણે લાઇનમાં ઉભા રહેવું પડતુ હોઇ તે સંજોગોમાં તે શક્ય બનતું ન હતું. ધંધુકાથી અમદાવાદ લોકલ ટ્રેનમાં જવું હોય તો એટલો બધો સમય લાગતો કે આખે આખી ચોપડી વંચાઇ જાય. આ પરિસ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમ્યાન હતી. તે સમયે એક કહેવત પ્રસિધ્ધ હતી કે ‘‘દીકરીને બંદુકે દેજો પણ ધંધુકે ન દેતા’’ અર્થાત પાણીની એટલી બધી સમસ્યા એ વિસ્તારમાં હતી કે ત્યાં કોઇ વ્યક્તિ પોતાની દીકરીના લગ્ન કરાવવાનું પણ નહોતા વિચારતા. ભાજપાએ નર્મદા યોજના લાવીને આ જુની કહેવતને પણ ખોટી પાડવાનું કામ કર્યુ અને સમગ્ર વિસ્તારનો વિકાસ કરવામાં પણ સફળ રહી છે.
મોદીએ કહ્યું હતુ કે, વાવાઝોડાની આગાહી વચ્ચે આટલી મોટી સંખ્યામાં લોકોના આશીર્વાદ મળ્યા છે તે કારણે હું ધન્ય થઇ ગયો છું. તેમણે કહ્યું હતુ કે, ત્રણ દિવસથી સતત ‘‘ઓખી’’ વાવાઝોડાની ખબર ચાલતી હતી પણ આ ગાંધીની ધરતી છે. ત્યાં ગમે તેવો ઉકાળો હોય એ આવીને ઠંડો પડી જાય છે. તેના સંદર્ભમાં કોંગ્રેસ પર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું કે, ‘‘આવે છે-આવે છે- આવે છે, પરંતુ અહિયાં કશું જ નહી આવે’’ તાજેતરમાં આવેલા ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામમાં પણ કોંગ્રેસ સાફ થઇ ગઇ છે.
મોદીએ શ્રી બાબા સાહેબના મહાપરિનિર્વાણ તિથિએ શ્રધ્ધાંજલિ આપતા કહ્યું હતુ કે, બાબા સાહેબે વર્ષો પહેલા પાણીનું સામર્થ્ય અને સિંચાઇ યોજનાની વાત કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો વિચાર આપણને બાબા સાહેબે આપ્યો હતો. આપણને એવું લાગે કે, કોંગ્રેસ-નેહરૂ-ગાંધી પરિવારે સરદાર સાહેબને જ અન્યાય કર્યો હતો એવું નથી, દેશના ખુણામાં કોઇપણ શક્તિશાળી માણસ દેખાયો નથી કે તેમને પતાવી દેવાનો કારસો આ પરિવારે રચ્યો નથી. બંધારણ સભાની મેમ્બરશીપની ચૂંટણીમાં બાબા સાહેબ, શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીની અને અન્ય કાર્યકર્તાઓની મદદથી બંગાળમાં ચૂંટણી લડ્યા અને જીત્યા. વડોદરાના ગાયકવાડે બાબા સાહેબનું ગૌરવ કર્યુ હતું. બાબા સાહેબે પોતાના વ્યક્તિત્વ, જ્ઞાન, બુધ્ધિ, અને સામર્થ્યનો પરિચય સમગ્ર દુનિયાને કરાવ્યો. માત્ર કાયદાકીય નહી પણ દેશના સામાજીક તાણાવાણાને જોડતું અદભૂત સોશીયલ ડોક્યુમેન્ટ તરીકે આપણને તેમના પ્રયત્નોના કારણે બંધારણ મળ્યું. આવા વ્યક્તિત્વને ભારત રત્ન આપવાનું કોંગ્રેસ પાર્ટીને ન પાલવ્યું. મોદીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી નમન કરતા કહ્યું કે, સામાજીક એકતાનો, સમાજના છેવાડાના માનવીને સાથે રાખીને વિકાસનો સંદેશો બાબા સાહેબે આપ્યો છે તેને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ.

મોદીએ વધુમાં કહ્યું હતુ કે, મક્કમ નિર્ધાર સાથે કુદરતી શક્તિનો સમાજ સાથે મેળ કરીને આગળ વધવાનું નમૂનારૂપ કાર્ય ભાજપાએ કર્યુ છે, જુની સમસ્યાઓનું સમાધાન કરવું અને નવી તકો પર ધ્યાન આપી આગળ વધવું એ ભાજપાની નેમ છે. સમાજ જીવન વ્યવસ્થામાં જુની માંદગીને સરખી કરી નવું નિર્માણ કરવું એ ભાજપાની કાર્યપધ્ધતિ છે. ગુજરાતમાં પાણીનો સંકલ્પ આદર્યો અને આજે સમગ્ર ગુજરાતને ટાઢક મળી અને જનતાના જે આશીર્વાદ મળી રહ્યા છે તે જ અમારી સાચી મુડી છે. ભાજપા ચૂંટણીઓ માટે નહી પરંતુ આવનારા ૧૦૦ વર્ષના ભવિષ્ય માટે સતત કાર્યશીલ છે. ભાજપાએ ક્યારેય પ્રજાની આંખમાં ધૂળ નાખવાનો રસ્તો નથી અપનાવ્યો, પરંતુ વિકાસના કામો કરીને પ્રજાના સામાન્ય જીવનમાં બદલાવ લાવવાનું કાર્ય ભાજપાએ કર્યુ છે.
મોદીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસના સમયમાં ૧૦૦ માંથી ૩-૪ ઘરમાં પાણી આવતું અથવા તો શહેરી વિસ્તારમાં ૧૦-૧૫ ઘરમાં પાણી આવતું પરંતુ, ભાજપાએ સમગ્ર રાજ્યમાં ૮૦ ટકાથી વધુ ઘરોમાં નળ થકી પાણી પહોચાડ્યું છે. કોંગ્રેસના સમયમાં ટેન્કરરાજ હતું, કોંગ્રેસના નેતાઓના મળતીયાઓ પાણી પર રાજ ચલાવતા. ભાજપાના શાસનમાં આવા મળતીયાઓની દુકાનદારી બંધ થઇ ગઇ છે માટે આ મોદી તેમને આંખમાં કણાની જેમ ખૂંચે છે.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, પહેલા ગુજરાતમાં અશાંતિ, અરાજકતા ફેલાયેલી હતી. છાશવારે કરફ્યુ લાદવામાં આવતો હતો. કરોડો રૂપિયા હોય, ગાડી હોય, બંગલા હોય પણ સામાન્ય માનવીને સલામતી ન હોય તો આ રૂપિયા શું કામના ? ભાજપાએ સામાન્યમાં સામાન્ય માનવીને સલામતી આપી છે અને તેના થકી સમૃધ્ધિનો માર્ગ અપનાવ્યો છે.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, કોંગ્રેસના સમયમાં ‘‘લંગડી વિજળી’’ આવતી હતી. ટ્રાન્ફોર્મરની સંખ્યા દોઢ-પોણા બે લાખ જેટલી હતી. ભાજપાએ માત્ર ૧૦ વર્ષના ગાળામાં કોંગ્રેસ કરતાં દસગણું વધુ કામ કરી બતાવ્યું છે. લંગડી વિજળીના પાપમાંથી મુક્ત કરવા ૧૨ લાખથી વધુ ટ્રાન્સફોર્મર ભાજપાએ લગાવ્યા છે. તેમના સંસ્મરણો વાગોળતાં મોદીએ કહ્યું કે, લોકો એકજ કામની અપેક્ષા સાથે મળવા આવતા કે, સાંજે વાળુ કરતી વખતે વીજળી આવે તેવું કરો. પરંતુ, ભાજપાએ સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક વીજળી લાવીને સામાન્ય માનવીના જીવનમાં કાયમી રીતે બદલાવ આવે તેવા કાર્યો કર્યા છે.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, ગુજરાતની રાજ્ય સરકારે ખેડૂતોને લક્ષીને એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, ખેડૂતોને લોન પર વ્યાજ નહી ચૂકવવું પડે. ભાજપાની નીતિ રહી છે કે, તેઓ ખોટી લોલીપોપની વાતો નથી કરતા પરંતુ કાયમી ફાયદા આપે છે. આવનારા દિવસોમાં ખેતરે-ખેતરે સોલારપંપ લગાવવા માટે સરકાર કટિબધ્ધ છે. આમ, ભવિષ્યમાં વીજળીનો ખર્ચ પણ નહિવત્ત થઇ જવાનો છે.
મોદીએ વધુમાં કહ્યું કે, નર્મદાના પાણીના કારણે આ વિસ્તારમાં ફળ-ફળાદિ, ફૂલ, શાકભાજીની ખેતીમાં નિખાર આવ્યો છે. ધંધુકાના ગુલાબ મુંબઇમાં વેચાય છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અને પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના થકી દેશભરના ખેડૂતોમાં આમૂલ પરીવર્તન કરવાનું બીડુ ભાજપાએ ઉઠાવ્યું છે અને એ કરીને જ જંપીશું.
મોદીએ વધુમાં કહ્યું કે દીકરીઓના જીવનધોરણમાં સુધાર કરવા માટે ભાજપાએ ઘણીબધી યોજનાઓ અમલમાં મુકી છે. ‘‘બેટી બચાવો બેટી પઢાવો અભિયાન’’ હોય કે ‘‘સુકન્યા સમૃધ્ધિ યોજના’’ હોય તે તેના વિશિષ્ટ ઉદાહરણ છે. સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત આજે દેશમાં ૧૮૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ડીપોઝીટો દીકરીઓના નામે જમા થઇ છે.
મોદીએ વધુમાં કહ્યું કે મિશન ઇન્દ્રધનુષ યોજના હેઠળ રસીકરણની ઝુંબેશ ભાજપાએ આદરી છે. શીતળાની રસી હોય, પોલીયોની રસી હોય કે સગર્ભા બહેનોને રસી મુકવાની હોય તે મિશન ભાજપા ચલાવી રહી છે. ગંભીર બિમારીઓથી બચાવવા અત્યાર સુધી આશરે અઢી કરોડથી વધુ બાળકો અને ૭૦ લાખ જેટલી માતાઓનું રસીકરણ કરવાનું કામ ભાજપાએ કર્યુ છે. જનધન ખાતા અંતર્ગત ૩૦ કરોડ લોકોના બેંકખાતા ખોલાવીને તેમણે બચત કરેલા ૭૦,૦૦૦ કરોડથી પણ વધુ રૂપિયા તેમાં જમા થયા છે તેના કારણે ગરીબોને ખુબ મોટા ફાયદાઓ થયા છે.
મોદીએ વધુમાં કહ્યું હતુ કે, ઇતિહાસમાં નોંધાયેલું છે કે, ધોલેરા દુનિયાનું સૌથી જુનુ બંદર છે. ધોલેરાના બંદર પર ચોર્યાસી દેશોના વાવટા ફરકતા હતા એવી જાહોજલાલી હતી. મોદીએ કહ્યું કે મારું સ્વપ્ન છે કે ભારતનું મોટામાં મોટું વહાણવટાનું મ્યુઝિયમ ધોલેરા ખાતે બને અને અહી ટુરીઝમનો વિકાસ થાય. પહેલા ધોલેરામાં જમીનને કોઇ પુછતું ન હતુ પરંતુ ભવિષ્યમાં આવનારા આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા અને એસ.આઇ.આર.ના કારણે આવતા ૧૦ વર્ષોમાં ધોલેરા ગુજરાતના બીજા શહેરોની હરોળમાં આવી જશે.
મોદીએ કોંગ્રેસની બેધારી નીતિ પર વાર કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર રાજકિય કાવા-દાવા કરવા માટે ચૂંટણીઓને ધ્યાનમાં રાખતી હતી. રાજીવ ગાંધીના સમયથી અટવાયેલ ટ્રીપલ તલાકના મુદ્દે ભાજપાએ ઉત્તરપ્રદેશની ચૂંટણીઓની પરવા કર્યા વગર પોતાનું એફિડેવિટ રજુ કર્યુ હતું અને માત્ર ચૂંટણીઓ જીતવા માટે મુસ્લીમ સમુદાયના બહેનોની જીંદગીને દાવ પર ન લગાડી શકાય તેવા માનવતાના ઉદાહરણ ભાજપાએ રજુ કર્યા છે. હજુ ગઇકાલે જ કોંગ્રેસના વકિલ કપિલ સિબ્બલે શ્રી રામજન્મભૂમિ અંગે દેશની સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરી કે, આ સંદર્ભે આગળની સુનાવણી રોકીને તે સુનાવણી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પછી કરાવો. આમ, દેશના મહત્વના પ્રશ્નો લટકાવી રાખવાનું પાપ કોંગ્રેસે કર્યુ છે. દરેક વાતને રાજકિય ત્રાજવે તોલતી કોંગ્રેસની નીતિઓ સમગ્ર દેશ સમક્ષ ખુલ્લી પડી ગઇ છે.
મોદીએ ૯મી અને ૧૪મી ડિસેમ્બરે મોટા પ્રમાણમાં મતદાન કરી ભાજપાને ૧૫૦ થી વધુ બેઠકો પર જીતાડી કોંગ્રેસનું નામોનિશાન મીટાવવાની અપીલ કરી હતી.

error: Content is protected !!