ગુજરાત પોલીસની ‘મોબાઇલ પૉકેટ કૉપ એપ્લિકેશન’ ને મળ્યો ફિક્કી સ્માર્ટ પોલીસિંગ એવોર્ડ

ગાંધીનગર:  નવી દિલ્હીમાં યોજાયેલ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસની ‘મોબાઇલ પૉકેટ કૉપ એપ્લિકેશન’ ને  ફિક્કી સ્માર્ટ પોલીસિંગ એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજી તથા મોબાઇલ ગવર્નન્સની પહેલ કરી ગુજરાતે ડિજિટલ ક્ષેત્રે અનેક નવા આયામો અમલી બનાવાયા છે. ગુજરાત પોલીસને ટેકનો સેવી બનાવીને ગુન્હા સંશોધન માટે ઝડપ આવે તે આશયથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘મોબાઇલ પૉકેટ કૉપ એપ્લિકેશન’ કાર્યરત કરાઇ છે. રાજ્ય સરકારનો આ નવતર અભિગમ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયો અને તેને ‘ફિક્કી સ્માર્ટ પોલીસીંગ એવોર્ડ-૨૦૧૮’ એનાયત થયો છે.

પોલીસ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થકી કરાયેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી મળેલ એવોર્ડ અંગે અભિનંદન આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસંહ જાડેજાએ કહ્યું કે, મોબાઇલ પૉકેપ કૉપ એપ્લિકેશનના એવોર્ડ માટે દેશભરમાંથી 200 જેટલા નોમિનેશન આવ્યા હતા. જે પૈકી ગુજરાતની પસંદગી કરાઇ છે. જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. આ એવોર્ડ નવી દિલ્હીમાં યોજાયેલ કોન્ફરન્સમાં સ્ટેટેટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી વિજય ગોયલના હસ્તે એનાયત થયો હતો.

જાડેજાએ કહ્યું કે, પૉકેટ કૉપ મોબાઇલ એપ્લિકેશન અંતર્ગત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની તમામ બ્રાન્ચોને આવરી લેવાઇ છે. જેમાં સી.આઇ.ડી. ક્રાઇમ, લાંચરુશ્વત વિરોધી બ્યુરો, એ.ટી.એસ. તેમજ ક્રાઇમ બ્રાન્ચને પણ સાંકળીને ગુન્હા સંશોધન અને ગુન્હાની તપાસ, પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી રાજ્યમાં સફળ રીતે થઇ રહી છે. આ પ્રોજેકટ હેઠળ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી સંભાળતા 4900 પોલીસ કર્મીઓને સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેકટીવીટીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોકેટ કોપ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી આજ સુધીમાં રાજયના તમામ શહેર-જિલ્લાઓમાં ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 58378 પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા અરજદાર નાગરિકોને ઘરે જઇને વેરીફિકેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે. એ જ રીતે ગુન્હાઓમાં સંડોવાયેલ ગુન્હેગારોની શોધ માટે એપ્લિકેશન દ્વારા 9300 ગુનેગારોને તમામ અધિકારીઓ દ્વારા શોધી કઢાયા છે. ગુન્હામાં વપરાયેલા સાધનોની શોધ હેઠળ ૨૪૬૭૪ જેટલા વાહનો શોધી કઢાયા છે. તેમજ રાજ્યમાં ખોવાયેલ વ્યક્તિને આ એપ્લિકેશન મારફતે શોધવામાં આવ્યા છે. જેમાં 5075 જેટલી ખોવાયેલ વ્યક્તિને શોધી કાઢવામાં સફળઇતા મળી છે. ઉપરાંત એપ્લીકેશનમાં અક્ષાંશ અને રેખાંશની માહિતી લઇ શકાય તેવી સુવિધા પણ વિકસાવાઇ છે. જેના કારણે તપાસ અધિકારીઓ ગુન્હાવાળી જગ્યાના પંચનામા દરમિયાન તેમજ પાસપોર્ટના વેરીફિકેશન કામગીરીમાં ચોક્કસ સમય અને સ્થળની માહિતી મેળવી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા આવનાર સમયમાં પોકેટ કોપ એપ્લિકેશનની સફળતાને લઇને વ્યાપ વધારવાનું આયોજન છે. જેમાં તપાસને લગતી વિશેષ સૂચનાઓ અને સાયબર ક્રાઇમને લગતી અદ્યતન માહિતી તેમજ ગુન્હા તપાસ સંબંધી કાર્યપદ્ધતિની માર્ગદશિકા પણ એપમાં સામેલ કરાશે. તમામને લગતી જરૂરી માહિતી રખાશે. જેથી તપાસ અધિકારીઓને તમામ મદદ અને માર્ગદર્શન વૈજ્ઞાનિક ઢબે મળી રહે જેથી તપાસ ઝડપથી થાય તેમ તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!