ફિલ્મ ડાયરેક્ટર અને લેખક કુંદન શાહનું નિધન, બોલીવુડમાં શોક છવાયો

મુંબઈ: ફિલ્મ ડાયરેક્ટર અને લેખક કુંદન શાહનું શનિવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમના પરિવારજનોએ જાણકારી આપી હતી કે હ્રદયરોગના હુમલાથી 69 વર્ષીય કુંદન શાહનું નિધન થયું હતું. શાહના એક સંબંધીએ કહ્યું હતું કે સવારે ઊંઘમાં જ તેમનું નિધન થયું હતું.

જ્યારે જાણીતા લેખક, અભિનેતા અને ફિલ્મકાર સતીષ કૌશિકે પણ જણાવ્યું હતું કે હ્રદયરોગના હુમલાના કારણે કુંદન શાહનું નિધન થયું હતું. કુંદન શાહે ઘણી ક્લાસિક ફિલ્મો બનાવી હતી જેમાં તેમની જાને ભી દો યારો ફિલ્મને બોલિવૂડની યાદગાર ફિલ્મોમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત તેમણે ખામોશ, હમ તો મહોબ્બત કરેગા અને પી સે પીએમ તક જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી.

ફક્ત યાદગાર ફિલ્મો જ નહીં પરંતુ તેમણે યાદગાર ટીવી સિરિયલ પણ બનાવી હતી. જેમાં નુક્કડ અને વાઘલે કી દુનિયા ઘણી લોકપ્રિય બની હતી. કુંદન શાહના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ફિલ્મ ડાયરેક્ટર હંસલ મહેતાએ કુંદન શાહ સાથેની જૂની તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ ઉપરાંત સુભાષ ઘાઈ, મહેશ ભટ્ટ, કરણ જોહર અને સુધીર મિશ્રા જેવા દિગ્ગજ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડુસરે પણ કુંદન શાહના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!