વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ઈચ્છતી વિદેશની કંપનીઓ અને ઇન્વેસ્ટરો સાથે સરકાર પહેલીવાર વીડિયો કોન્ફરન્સ બિઝનેસ મિ‌ટિંગ દ્વારા ઇવેન્ટનું પ્રમોશન કરશે

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી – 2019માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવનાર છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ઈચ્છતી વિદેશની કંપનીઓ અને ઇન્વેસ્ટરો સાથે પહેલીવાર વીડિયો કોન્ફરન્સ બિઝનેસ મિ‌ટિંગ દ્વારા ઇવેન્ટનું પ્રમોશન કરવામાં આવશે અને તેમને ગુજરાત રોકાણ કરવા માટેની તમામ વિગતો સાથે માહિતગાર કરાશે. આ ઉપરાંત સમિટ પુરી થયા બાદ વિદેશની જે તે રસ ધરાવતી કંપની કે ઇન્વેસ્ટર્સ સાથે વિદેશી ડે‌લિગેશનને ગુજરાતમાં સ્થપાયેલી કંપનીઓનાં પ્લાન્ટ-ફેક્ટરીની વિ‌ઝિટ કરાવવાનું પણ આયોજન કરવામાં આવશે. જેથી વિદેશી ડે‌લિગેશનને કંપનીની કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળી રહે. નોંધનીય છે કે, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) પહેલી વખત યોજાયેલાં વાઇબ્રન્ટ ગુજરાતથી લઇને અત્યાર સુધી નેશનલ પાર્ટનર રહ્યું છે.

સીઆઇઆઇનાં જ્યોર્જ સ્પાર્શેએ આ અંગે કહ્યું કે, “એક વર્ષ પહેલાંથી સમિટની તૈયારી શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે પહેલી વાર સમિટમાં વિદેશી કંપનીઓની સાથે ગુજરાતમાં રોકાણ કરવાની તક સાથે સ્થાનિકોને વિદેશમાં વ્યાપાર કરવાની તક વિકસાવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.”

ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ સમિટ – 2019નાં પ્રચાર માટે આગામી સપ્તાહથી પ્રધાનો વિવિધ રાજ્યની મુલાકાતે જશે, જ્યાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો સાથે બેઠકો અને રોડ શો પણ કરશે. પ્રધાનોની સાથે અધિકારીઓનું ડેલિગેશન પણ જોડાશે. વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સચિવ કક્ષાનાં અધિકારીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન વિવિધ દેશોની મુલાકાતે પણ ગયાં હતાં.

વાઇબ્રન્ટ સમિટને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી દિવસોમાં દિલ્હીમાં વાઇબ્રન્ટ સમિટનું પ્રેઝન્ટેશન કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બેંગલુરુની મુલાકાતે જશે. આ ઉપરાંત ઊર્જા મંત્રી સૌરભ પટેલ 19 – 20 નવેમ્બરે પુણે જશે, જ્યારે ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં તેઓ હૈદરાબાદની મુલાકાત લેશે.

error: Content is protected !!