વડાપ્રધાન મોદી અને આબે દંપતી સમક્ષ રોડશો દરમિયાન રજુ કરાઈ જુદા જુદા રાજ્યોની લોક સંસ્કૃતિ

અમદાવાદ: જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકિ આબે ગુજરાત આવી પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અન્ય મહાનુભાવોએ તેમનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. બંને દેશના વડાપ્રધાન અને જાપાનના વડાપ્રધાનના પત્ની ખુ્લ્લી જીપમાં ગાંધી આશ્રમ તરફ જવા રવાના થયા હતા અને ભવ્ય રોડ શોની શરૂખાત થઇ હતી.

અમદાવાદ એરપોર્ટ ઉપરથી ખુ્લ્લી જીપમાં શરૂ થયેલા રોડ શોમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ સફેદ રંગના ઝભ્ભા ઉપર વાદળી રંગની કોટી પહેરી પરંપરાગત ભારતીય પોષાકમાં સજ્જ થયા હતા જ્યારે તેમના પત્ની અકિ આબે આકર્ષક ફ્લોરલ ડિઝાઇન ધરાવતા પરિધાનમાં સજ્જ હતા.

8 કિ.મી.ના આ રોડ શોમાં જાપાનના વડાપ્રધાન-દંપતિએ ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ભરપુર માણ્યું હતું. ભારતના લગભગ તમામ રાજ્યના લોક નૃત્યોની પ્રસ્તુતિ સાથેના આ રોડ-શોમાં મેઘધનુષી કલારંગનું આકર્ષણ જ એટલું હતું કે, અકિ આબેએ તેમના સેલફોનમાંથી તસવીર પાડીને આ ક્ષણને યાદગાર બનાવી દીધી હતી. આ રોડ-શોમાં વિવિધ રાજ્યોના લોકનૃત્યો ઉપરાંત, શાળાના બાળકો, નગરજનો દ્વારા પણ રોડની બંને બાજુથી જોરદાર પ્રતિસાદરૂપ મહાનુભાવોને આવકાર મળ્યો હતો.

 

બાળકોએ પણ ગરબા-યોગ વગેરે કલા પ્રદર્શિત કરી હતી. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલાવાયેલી બેન્ડની સુરાવલીએ સમગ્ર રોડ-શોના વાતાવરણને સંગીતમય બનાવી દીધુ હતું. સમગ્ર રોડ શો દરમિયાન ભારત અને જાપાનના સુરક્ષા અધિકારીઓ ખાસ અંદાજમાં સજ્જ થયેલા જોવા મળતા હતા. ખાસ કરીને બાઇક ઉપર સજ્જ સુરક્ષા જવાનો અલગ જ દેખાઇ આવતા હતા. લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ આ કાફલો ગાંધીઆશ્રમ પહોંચ્યો હતો અને રોડ-શો સંપન્ન થયો હતો.

Related Stories

error: Content is protected !!