આફત સમયે હંમેશા મદદરુપ નીવડતું આરએસએસ ઉત્તર ગુજરાતમાં પૂર રાહતના કામોમાં સક્રિય

અમદાવાદ, દેશગુજરાત: ઉત્તર ગુજરાતમાં સર્જાયેલી કુદરતી આપત્તિમાં વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા આરએસએસના સહ કાર્યવાહ શૈલેશ પટેલે જણાવ્યું કે બનાસકાંઠા, પાટણ અને રાધનપુર જિલ્લાના કુલ 125 ગામોમાં સંઘના સ્વયંસેવકો દ્વારા આવનાર પુરની પરિસ્થિતિ માટે સંપર્ક કરી તેમને સચેત કરી ઉંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

ડીસા બસ સ્ટેશનમાં ફસાયેલા 100 જેટલા યાત્રિકો માટે રાત્રી નિવાસની વ્યવસ્થા આરએસએસ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ ડીસામાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોનો સંપર્ક કરી તેમને હિન્દુ ધર્મશાળા, જલારામ મંદિર, પાર્કર ભવન અને ઠક્કર સમાજની વાડીમાં સ્થાનાંતરિત કરાયા હતા.

આરએસએસ દ્વારા પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં સોમવાર સાંજ સુધીમાં 60000 ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મંગળવારે અંદાજે દોઢ લાખ ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આરએસએસ દ્વારા બુધવારે સાંજે 5 થી 7 કલાક દરમિયાન પૂર આપદા રાહત માટે નિધિ એકત્રીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં 25 વિસ્તારોમાં નિધિ એકત્રીકરણ કાર્યક્રમ ગુજરાત સેવાભારતીના માધ્યમથી રાખવામાં આવશે.

error: Content is protected !!