ભાજપા માટે દેશની જનતા સર્વોપરી છે, જ્યારે કોંગ્રેસના અહંકારી નેતાઓ દેશની જનતાને મૂર્ખ સમજે છે. : જીતુભાઇ વાઘાણી

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ઇલેકટ્રોનિક મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા આવેલ એક્ઝીટ પોલમાં એન.ડી.એ.ને મળેલી સ્પષ્ટ બહુમતી એ મોદી સરકારના પાંચ વર્ષના પરિશ્રમ દ્વારા થયેલા જનકલ્યાણકારી વિકાસકાર્યોનું પરિણામ છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસલક્ષી રાજનીતિને દેશભરમાં મળેલી સ્પષ્ટ સ્વીકૃતિ અને કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં તેના જુઠ્ઠાણા અને વિવાદીત નિવેદનોનો દેશની જનતા સામે વિવિધ મીડિયાના માધ્યમો મારફતે પર્દાફાશ થઇ ચૂક્યો છે. દેશભરમાં સાત ચરણમાં ચૂંટણીપર્વ યોજાયુ હતુ જેમાં શાંતિપૂર્ણ અને સકારાત્મક રીતે મતદાન થયુ છે. સતત જનતા જનાર્દનની વચ્ચે રહેતા હોય ત્યારે જનતાનો મૂડ – ખરું સત્ય અને હકિકત જાણવા મળે તે સ્વાભાવિક બાબત છે, ત્યારે મળેલા ફિડબેકમાં જાણવા મળ્યુ હતુ કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સ્પર્ધામાં હતી જ નહી ફક્ત કોંગ્રેસનું જુઠ્ઠાણું જ સ્પર્ધામાં હતુ અને તે જુઠ્ઠાણાને દેશની જનતાજનાર્દને સૂપેરે ઓળખી લીધુ હતુ. આ તમામ બાબતો આજે આપણી સામે એક્ઝીટ પોલના પરિણામોના માધ્યમથી સ્પષ્ટ થાય છે. આ એક્ઝીટ પોલ એ દેશની જનતાનો જ ચૂકાદો છે તે અમે સહર્ષ સ્વીકારીએ છીએ.

શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશની ગરિમા અને દેશની જનતાને સર્વોપરી માનનાર ગુજરાતના સપૂત અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સામે વિપક્ષ કમજોર પુરવાર થઇ ચૂક્યો છે. દેશભરમાં કોંગ્રેસ દ્વારા ફેલાવેલા ઝેરીલા જુઠ્ઠાણાંનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યો છે. જેનું પ્રતિબિંબ એક્ઝીટ પોલના માધ્યમથી સ્પષ્ટ થાય છે. સત્તાલાલસામાં આકુળ-વ્યાકુળ બનેલી કોંગ્રેસ આજે દેશની તમામ એજન્સીઓને પણ ખોટી ઠેરવી રહી છે. પરંતુ ૨૩ મે એ જ્યારે જનતાનો ચૂકાદો આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના વિપક્ષના નેતાએ ટ્વીટ કરીને દેશની જનતાનું અપમાન કર્યું છે તે ખૂબજ શરમજનક બાબત છે. કોંગ્રેસના નેતાએ દેશની જનતાને મૂર્ખ કહી પોતાની જ મહામૂર્ખતા ફરી એકવાર છતી કરી છે. આઝાદી બાદ વર્ષો સુધી દેશમાં કોંગ્રેસ રાજ કર્યુ, દેશની જનતાએ વર્ષો સુધી કોંગ્રેસને ખોબલે ને ખોબલે મત આપ્યા પરંતુ ભાજપાએ ક્યારેય દેશની જનતા વિશે આવા શબ્દપ્રયોગ કર્યા નથી. આજે જ્યારે સમગ્ર દેશની જનતાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસલક્ષી રાજનીતિને સંપૂર્ણ સમર્થન આપી, ભાજપાને મત આપી ઉજ્જવળ ભારતના સંકલ્પને સિધ્ધ કરવા પુનઃ એકવાર દેશનું સુકાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને સોંપવા કટિબધ્ધતા દર્શાવી છે ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વ અને દેશના વિકાસ માટે મત આપનારી દેશની જનતાને મૂર્ખ ગણાવી કોંગ્રેસના વિપક્ષના નેતાએ દેશવાસીઓનું ઘોર અપમાન કર્યુ છે. લોકશાહીમાં હાર કે જીતને જનતાજનાર્દનનો ચૂકાદો સમજી ખેલદીલીપૂર્વક દેશસેવા અને જનસેવાના કાર્યોને પ્રાધાન્ય આપવું જોઇએ. જનતાને મૂર્ખ કહેવા અને રાષ્ટ્રવાદ બાબતે મજાક ઉડાવતાં કોંગ્રેસના નેતાઓની આવી હીન હરકતોથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસના નેતાઓ આજે હારની હતાશામાં માનસિક સંતૂલન ગુમાવી ચૂક્યા છે ત્યારે આગામી ૨૩ મે ના પરિણામો બાદ કોંગ્રેસના નેતાઓને કદાચ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો તેમાં નવાઇ નહી.

error: Content is protected !!