સરદાર પટેલ વિશે પાયાવિહોણા-જુઠ્ઠા આક્ષેપો કરનાર કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફૂદ્દિન સોઝ અને કોંગ્રેસ જનતાની માફી માંગે: વાઘાણી

ગાંધીનગર: કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા સૈફૂદ્દિન સોઝે પોતાના પુસ્તક વિમોચન વખતે દેશની આઝાદીના ઇતિહાસને તોડી મરોડીને રજુ કરી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભ પટેલ વિશે પાયાવિહોણા-જુઠ્ઠા આક્ષેપો કર્યા તેની સામે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા
ગઈકાલે (બુધવારે) એલીસબ્રીજ, કર્ણાવતીમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાઘાણીએ મીડિયાના મિત્રોને સંબોધતાં જણાવ્યુ હતુ કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર સાહેબ પાકિસ્તાનને કાશ્મીર સોંપી દેવા માંગતા હતા તેવું પાયાવિહોણું નિવેદન કરીને કોંગ્રેસના પૂર્વ જળસંશાધન મંત્રી સૈફૂદ્દિન સોઝે સમગ્ર ગુજરાત અને દેશની જનતાનું અપમાન કર્યુ છે. ગુજરાતની જનતાની લાગણીનો પ્રતિઘોષ પાડતી ભાજપા સૈફૂદ્દિન સોઝ અને કોંગ્રેસની આ હરકત ક્યારેય સાંખી નહી લે. સરદાર સાહેબનું અપમાન કરનાર સૈફૂદ્દિન સોઝે અને રાહુલ ગાંધીની કોંગ્રેસે ગુજરાત અને દેશની જનતાની માફી માંગવી પડશે.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આ એ જ ગુજરાત વિરોધી સૈફૂદ્દિન સોઝ છે કે જેમણે નર્મદા બંધની ઉંચાઇ વધારવા માટેની બેઠકમાં તેનો વિરોધ કરીને તેની વિરૂધ્ધમાં મત આપ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સામે ૫૧ કલાકના ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસના કહેવાતા નિવેદનબાજ નેતાઓ સેફૂદ્દિન દ્વારા કરવામાં આવેલ સરદાર સાહેબના અપમાનનો શા માટે વિરોધ નથી કરી રહ્યા ? છાસવારે ટ્વીટરનો આસરો લઇને તથા અવારનવાર રાજકીય પંચાયતોના ઓઠા હેઠળ ગુજરાતમાં જાતિવાદ અને વર્ગવિગ્રહનું ઝેર ફેલાવનાર અને સરદાર સાહેબના નામનો દુરૂપયોગ કરનારા તત્વો આ મુદ્દે ક્યાં છુપાઇને બેઠા છે ? શા માટે એકપણ હરફ સુધ્ધા ઉચ્ચારેલ નથી તેનો ગુજરાતની જનતા જવાબ માંગે છે.

વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબના જીવનકાળ દરમ્યાન તેમજ તેમના મૃત્યુ બાદ પણ તેમનું કોંગ્રેસ દ્વારા વારંવાર અપમાન કરવામાં આવ્યુ છે. સાંસદમાં સરદાર સાહેબનું તૈલચિત્ર મુકવા ન દેનાર તથા તેમને મૃત્યુના ૪૦-૪૦ વર્ષો સુધી ભારતરત્ન ન આપનાર કોંગ્રેસની તથા તેના કાશ્મીરી નેતા સૈફૂદ્દિન સોઝની માનસિકતાને ગુજરાતની જનતા સુપેરે ઓળખી ચૂકેલ છે. સરદાર સાહેબ અને ગુજરાતની જનતાનું ઘોર અપમાન કરનાર કોંગ્રેસીઓને આગામી સમયમાં ભાજપા માફી મંગાવીને જ જંપશે તેવો નિર્ધાર પ્રદેશ પ્રમુખએ વ્યક્ત કર્યો હતો.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વવાળી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકારે હંમેશા સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર કરવાનો સંનિષ્ઠ પ્રયત્નો કરીને દેશ અને દુનિયા સમક્ષ આ વિશ્વ વિભૂતિને આગવી ઉંચાઇ બક્ષવાનો સદાય નમ્ર પ્રયાસ કરેલ છે. ગુજરાતની જનતાના હદયરથ એવા સરદાર સાહેબનું કોંગ્રેસી સૈફૂદ્દિન સોઝ દ્વારા ઉપરોક્ત સંદર્ભે કરવામાં આવેલ કથીત અપમાન કોઇપણ સંજોગોમાં ગુજરાતના લોકો અને ગુજરાત ભાજપા કદાપી સાંખી નહીં લે.

error: Content is protected !!