ગણપત યુનિવર્સિટીના સ્થાપક – સંવર્ધક અને ગુજરાતના પૂર્વ ઉદ્યોગ-મંત્રી અનિલભાઈ પટેલનું નિધન

ગાંધીનગર: ગણપત યુનિવર્સિટીના સ્થાપક-સંવર્ધક અને ગુજરાત રાજ્યના પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલભાઈ પટેલનું આજે (ગુરુવારે) અવસાન થયું છે, તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બિમારીથી ગ્રસ્ત હતા. અનિલભાઈની આખરી વિદાયથી ગણપત વિદ્યાનગર પરિવાર, ઉમિયા માતા સંસ્થાન, ઉંઝા પરિવાર, મહેસાણાના નગરજનો તેમજ એમના વતન ગામ લણવાના ગ્રામવાસીઓ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
અનિલભાઈ પોતાની જીવન યાત્રાની સફળતાનું શ્રેય એમના પિતાને આપતા
ગણપત વિદ્યાનગરની પાવનભૂમિ ઉપર ગણપત યુનિવર્સિટી જેવી હાઈ-ટેક વિદ્યા સંસ્થાના નિર્માણને કારણે ‘વિદ્યા-શિલ્પી’ તરીકે નામના અને પ્રતિષ્ઠા પામેલા આનર્ત ભૂમિના આ પનોતા પુત્ર અને સમાજસેવાના ભેખધારી અનિલભાઈ પટેલે વિદ્યા દ્વારા સમાજ ઉત્કર્ષના વિચારને એક ઉદાત જીવન-મંત્ર તરીકે સ્વીકાર્યો હતો અને એમની સમગ્ર કારકિર્દીમાં શિક્ષણના ક્ષેત્ર સિવાય પણ સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં નોધપાત્ર અને ખુબ મહત્વનું યોગદાન આપ્યું હતું જેમાં જીઆઈડીસી, મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંક, ઉમિયા માતા સંસ્થાન, ઉંઝા, ધરતી વિકાસ મંડળ તેમજ એપોલો ઇન્ડસ્ટ્રીજ દ્વારા ગુજરાતના ઉદ્યોગ – ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. ૧૯૪૫થી ૧૯૫૫ સુધીના એક દાયકા દરમિયાન ઉત્તર ગુજરાતમાં એ સમયના મોટા સામાજિક દુષણો – ઢોર ચોરી અને વિવિધ સામાજિક કુરિવાજો સામે જબરજસ્ત ઝૂંબેશ ચલાવી અને ઢોર ચોરી સામેની લડતમાં જ શહીદી વહોરી લેનાર – વીર શહીદ ત્રિભોવનદાસ પટેલ અને શાંતાબેનના ઘેર તા. ૮ મી માર્ચ, ૧૯૪૪ના રોજ જન્મેલા અનિલભાઈને સમાજ સેવાના સંસ્કાર ગળથૂંથીમાં જ મળ્યા હતા. ગાંધીજી અને વિનોબાના વિચારોથી ભારે પ્રભાવિત એવા પિતા ત્રિભોવનદાસભાઈનું આંગણું પણ વિનોબાજીએ પાવન કર્યું હતું. એટલું જ નહીં પોતાની દસ – બાર વીઘા જેવી ઓછી જમીનમાંથી પણ એક ટૂકડો એમણે વિનોબાના ભૂમિદાન યજ્ઞમાં સમર્પિત કર્યો હતો અને એટલે જ અનિલભાઈ પોતાની જીવન યાત્રાની સફળતાનું શ્રેય એમના પિતાને આપતા હતા અને એમને જ પોતાના મુખ્ય પ્રેરણા – સ્ત્રોત ગણાવતા હતા.
અમેરિકામાં મળેલી સારી નોકરી છોડીને ભારત પરત ફર્યા
પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે અનિલભાઈ માંડ અગિયારેક વર્ષની ઉંમરના હતા. એમણે પ્રાથમિક શિક્ષણ લણવાની ગુજરાતી પ્રાથમિક શાળામાં લીધું તો માધ્યમિક શિક્ષણ કડીની સર્વ વિદ્યાલયમાં લીધું હતું, અહી વિદ્યાગુરૂ છગનભાએ અનિલભાઈમાં વિદ્યા ઉપરાંત અને માનવીય સદગુણોનું સંસ્કાર સિંચન કર્યું. કોલેજ કરવા અનિલભાઈ વલ્લભ વિદ્યાનગર ગયા, ત્યાંની બિરલા વિશ્વકર્માં મહા વિદ્યાલયમાંથી એન્જિનિયર થઇ માસ્ટરનું ભણવા અમેરિકા ગયા. અહીંથી જ અનિલભાઈના જીવનમાં પછીથી થનારા એક મહાન પરિવર્તનનાં બીજ રોપાયાં. વલ્લભ વિદ્યાનગર જેવું જ એક આધુનિક વિદ્યાધામ પોતાની માતૃભૂમિ ઉત્તર ગુજરાતમાં ઊભું કરવાનું એક સપનું લઈને અમેરિકા ગયેલા અનિલભાઈએ એમ.ટેકની ડીગ્રી અને સારી નોકરી અમેરિકામાં મળી ગઈ હોવા છતાં ત્યાંના વૈભવી જીવનની લાલચ છોડીને ભારત પાછા ફર્યા – એમનું પેલું સપનું પૂરું કરવા ! દરમિયાનમાં અનિલભાઈના લગ્ન થઈ જતા એક સુશીલ અને સમજદાર જીવન-સંગિની તરીકે શારદાબેનનો સાથ પણ અનિલભાઈ માટે મોટા બળ અને પ્રેરણારૂપ બની રહ્યો. અમેરિકાથી પરત આવ્યા બાદ પિત્રાઈ મોટાભાઈ મણિભાઈ, ભાઈઓ  અરવિંદભાઈ, અજીતભાઈ અને અશોકભાઈ અને મિત્રોના સહયોગ સાથે નાનકડી ફેક્ટરી રૂપે શરૂ થયેલી ‘એપોલો ઇન્ડસ્ટ્રીઝ’ સમય જતા પબ્લિક લિમિટેડ બની અને આજે સેકંડો કરોડોના ટર્નઓવર સાથે અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે દેશની ટોચની કંપની તરીકે નામના પામી છે.
આધુનિક વિદ્યાનગરી ઊભી કરવાનું સપનું સાકાર થયું
અનિલભાઈની સેવા-યાત્રાનો પ્રારંભ મહેસાણાની આર્ટસ-કોમર્સ અને સાયન્સ કોલેજો ચલાવતા સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બનવાના આમંત્રણ સાથે થયો. હજુ ૩૦ વર્ષની ઉંમર ઓળંગીને જીવનના ચોથા દાયકામાં હમણા જ પ્રવેશ કર્યો હતો અને અનિલભાઈને આ જવાબદારી સોંપાઈ અને એમણે હિંમતપૂર્વક એ સંભાળી અને સફળતા પૂર્વક નિભાવી પણ ખરી ! જો કે અનિલભાઈના મનમાં પડેલા પેલા વિદ્યાનગરી ઊભી કરવાનાં સપનાને મૂર્ત સ્વરૂપ આપવામાં નાગલપુરનું આ વિદ્યા સંકુલ જ નિમિત્ત બન્યું. સરદાર વિદ્યાભવનની સાયન્સ કોલેજના વિકાસ કાર્ય માટે ૨૦-૨૫ લાખ જેવા ભંડોળની જરૂર હતી. ઉત્તર ગુજરાતના જ ભૂણાવ ગામના વતની અને અમેરિકા સ્થિત શ્રેષ્ઠી ગણપતભાઈ પટેલે એ દાન આપ્યું અને ગણપતભાઈ જયારે મહેસાણા આવ્યા ત્યારે અનિલભાઈએ પેલી આધુનિક વિદ્યાનગરી ઊભી કરવાના સપનાની વાત ગણપતભાઈના મનમાં પણ રોપી. હવે એ સપનું આ બંને દૅષ્ટિવંત મહાનુભાવોનું જાણે સહિયારું થઇ ગયું ! ગણપતભાઈએ ગણપત વિદ્યાનગરની પાવનભૂમિ માટે પાંચ કરોડનું દાન આપ્યું અને ઉગરચંદભાઈએ એન્જિનિયરિંગ કોલેજ માટે દાન આપ્યું. પછી તો દાનનો પ્રવાહ વહેતો થયો જેમાં બી. એસ. પટેલ, આચાર્ય મોતીભાઈ પટેલના સુપુત્રી હસુબેન અને જમાઈ ડી. એસ. પટેલ,  દશરથભાઈ પટેલ,  સાંકળચંદભાઈ પટેલ, મહેસાણાની અર્બન બેંક જેવા અનેક દાનવીરો જોડાયા અને ગણપત વિદ્યાનગરની પવિત્ર ભૂમિ ઉપર આજે ફાર્મસી, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, કોમ્પુટર સાયન્સ, બાયો સાયન્સ, સોશિયલ સાયન્સ અને એજ્યુકેશનની કોલેજો માટે દસથી વધારે ભવનો, ૪૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓને રહેવા-જમવાની આધુનિક સુવિધાઓ આપતા અનેક છાત્રાલયો, સવાસોથી વધુ સ્ટાફ-ક્વાટર્સ, શોપિંગ સેન્ટર, જીમ, ક્લિનિક, બે બેંકો, કેન્ટીન, બસ સર્વિસ, વિશાળ ઓપન એર થિયેટર, એસી ઓડિટોરિયમ જેવી અનેક સુવિધાઓથી આ હરિયાળું સંકુલ દસ હજાર જેટલાં વિદ્યાર્થીઓનાં કારકિર્દી અને ચારીત્ર્ય ઘડતર માટે નિમિત્ત બની રહ્યું છે. ગુજરાત સરકારે ગણપત વિદ્યાનગરની શૈક્ષણિક ગુણવત્તા પારખીને ૨૦૦૫માં તેને ‘યુનિવર્સિટી’નું સ્ટેટસ આપ્યું તો યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (યુ.જી.સી.) એ તેને માન્યતા આપી.
વાઈબ્રન્ટ સમિટ સહિત અનેક સરકારી કામોમાં સફળતા પૂર્વક પોતાની ક્ષમતા પૂરવાર કરી
મહેસાણાના ધારાસભ્ય તરીકે બે વાર ચૂંટાયેલા અનિલભાઈ પટેલે તેમની પહેલી ટર્મમાં રાજ્યના ઉદ્યોગમંત્રી તરીકે પણ વાઈબ્રન્ટ સમિટ સહિત અનેક સરકારી કામોમાં સફળતા પૂર્વક પોતાની ક્ષમતા પૂરવાર કરી હતી. ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરના વિદ્યાર્થીઓ અને વાલીઓનાં હૃદયમાં “વિદ્યા-શિલ્પી” તરીકે આદરભર્યું સ્થાન હાંસલ કરનાર અનિલભાઈએ ગણપત વિદ્યાનગરના નિર્માણ – સંવર્ધન કાર્ય ઉપરાંત પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, મહેસાણા અર્બન કો.ઓ. બેંક, લાયન્સ જનરલ હોસ્પિટલ, ઉમિયા માતા સંસ્થાન, ઉંઝા; જીઆઈડીસી, ઇન્ડિયન રોડ્ઝ કોંગ્રેસ જેવી અનેક સંસ્થાઓના વિકાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
અંતિમવિધિમાં મોટી સંખ્યામાં જોડાયા લોકો
ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓ માટે આજથી ‘સ્વર્ગસ્થ’ નહી પરંતુ ‘હૃદયસ્થ’ થયેલા અનિલભાઈ પટેલ એમની પાછળ પોતના પરિવારમાં પત્ની શારદાબેન બે પુત્રો આસિતભાઈ તથા આનંદભાઈ, તેમનાં બાળકો ઉપરાંત ગણપત  વિદ્યાનગરના હજારો વિદ્યાર્થીઓ – પ્રાધ્યાપકો તેમજ એપોલો ઇન્ડસ્ટ્રીઝના હજારો કર્મચારીઓ સહિતનો વિશાળ પરિવાર કલ્પાંત કરતો છોડી ગયા છે. એમના પાર્થિવ દેહને આજે સવારે ગણપત વિદ્યાનગરના સંકુલમાં લોકોના દર્શન માટે ખૂલ્લો રખાયા બાદ મહેસાણાની સ્મશાન ભૂમિ ખાતે અગ્નિ સંસ્કાર કરવાનું આયોજન થયું હતું. અહીં એમના પાર્થિવ – દેહના દર્શન કરી પોતાના હૃદયની શ્રદ્ધાંજલિ અર્પણ કરનારા હજારો લોકોમાં પેટ્રન-ઇન-ચિફ ગણપતભાઈ પટેલ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિજાપુરના ધારાસભ્ય અને ટ્રસ્ટી રમણભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય  ખોડાભાઈ પટેલ મહેસાણા અને આસપાસના વિસ્તારોના અનેક અગ્રણી મહાનુભાવો, ટ્રસ્ટીઓ, યુનિવર્સિટી બોર્ડ મેમ્બર પ્રકાશ જાની, યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્મા, રજીસ્ટ્રાર ડૉ. અમિતભાઈ પટેલ, વિવિધ વિભાગોના વડા, આચાર્યો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં એમના ચાહકો અને સામાન્ય પ્રજાજનો જોડાયા હતા.
 

error: Content is protected !!