સુરતમાં જુનો આઈફોન-7 પ્લસ મોબાઈલ વેચવા ગયેલા યુવાન સાથે છેતરપીંડી

સુરત: દેશગુજરાત: જૂની વસ્તુને ઓનલાઈન વેચવા માટેનો વિકલ્પ પણ આવી ગયો છે. ખાસ કરીને યુવાનો ઓનલાઈન વેચાણ કે ખરીદીમાં વધારે સક્રિય જોવા મળે છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રનુજધામ સોસાયટીમાં રહેતા કિશનકુમાર ધીરજભાઈ નારચા નામના યુવકે પોતાનો જુનો આઈફોન-7 પ્લસ મોબાઈલ ઓએલએક્સ નામની પોર્ટલ પર વેચાણ માટે મુક્યો હતો. આ મોબાઈલ ફોન ખરીદવા માગતા યુવાન સાથે કિશનકુમારનો સંપર્ક થયો હતો. પરંતુ તે યુવાનને રૂબરૂમાં મોબાઈલ વેચવા પહોંચેલા કિશનકુમાર સાથે છેતરપીંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોબાઈલ ખરીદવાનું જણાવી અજાણ્યા યુવાને કિશોરને કાપોદ્રા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીની સામે નીલકંઠ પ્લાઝા પાસે બોલાવ્યો હતો. નીલકંઠ પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર બંને યુવાનો મળ્યા અને કિશોરે પોતાનો આઈફોન 7 પ્લસ ફોન તે યુવાનને બતાવ્યો હતો. જોકે અજાણ્યા યુવાને કહ્યું કે, તમે મારી ગાડીની ચાવી રાખો અને હું તમારો આ ફોન કોમ્પલેક્ષના ઉપરના ફ્લોર પર બતાવીને આવું. અજાણ્યા યુવાનની વાતમાં આવી ગયેલો કિશોર ગ્રાઉન્ડ ફ્લોર પર અજાણ્યા યુવાનની એકટીવાની ચાવી લઈને ઉભો રહ્યો. થોડા સમયબાદ અજાણ્યા યુવાને કિશોરને મોબાઈલના પૈસા લેવા માટે ઉપરના ફ્લોર પર બોલાવ્યો હતો. જોકે, કિશોર ઉપર પહોંચ્યો તે પહેલા તે અજાણ્યો યુવાન પાછળના દરવાજામાંથી બહાર નીકળી ગયો હતો. કિશોર કંઈ સમજે તે પહેલા જ ગઠીયો અન્ય ચાવી વડે એકટીવા ચાલુ કરી ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. કિશોરે ઉપર પહોંચીને ઓફિસમાં જોયું તો ત્યાં કોઈ ન હતું. જે બાદ કિશોરે નીચે જોયું તો એકટીવા પણ નહોતી. તેથી, કિશોરને તેની સાથે છેતરપીંડી થઇ હોવાની જાણ થતા તેણે નજીકમાં જ આવેલા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!